Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'આંદોલનનો ટાર્ગેટ તો રૂપાલા-ભાજપ જ રહેશે': સંકલન સમિતિના નેતાએ ઑપઇન્ડિયા સાથે કરી...

    ‘આંદોલનનો ટાર્ગેટ તો રૂપાલા-ભાજપ જ રહેશે’: સંકલન સમિતિના નેતાએ ઑપઇન્ડિયા સાથે કરી ખાસ વાતચીત, કહ્યું- કોંગ્રેસ-AAPના નિવેદનોની અમે કોઈ નોંધ લેવા માંગતા નથી

    ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યએ ઑપઇન્ડિયા સામે તેમના આખા આંદોલનની વાસ્તવિકતા છતી કરી છે. તેમણે પોતે જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનો વિરોધ માત્ર રૂપાલા અને ભાજપ સામે જ છે. તેઓ ભાજપને જ ટાર્ગેટ કરવા માંગે છે. જ્યારે રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા વિરુદ્ધ તેમને મોરચો ખોલવામાં કોઈ રસ નથી.

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે છેલ્લા એક મહિનાથી રાજપૂત સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. એક નિવેદનના કારણે શરૂ થયેલો આ વિવાદ હવે શમવાનું નામ નથી લઈ રહ્યો. જોકે, રૂપાલાએ 3 વાર જાહેર મંચ પરથી માફી પણ માંગી લીધી છે, તેમ છતાં રાજપૂત સમાજ વિરોધ દર્શાવી રહ્યો છે. તેવામાં રાહુલ ગાંધીએ પણ રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરી દીધી. ઓછામાં વધુ ભાવનગરના AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ રાજાઓને નશેડી કહી દીધા. પરંતુ ક્ષત્રિય સંકલન સમિતિના અગ્રણીએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કરી દીધું છે કે, બાકી બધા જે નિવેદન આપે તે, પરંતુ તેમનો ટાર્ગેટ તો રૂપાલા-ભાજપ જ રહેશે. તેમણે કહ્યું છે કે, આંદોલનની રણનીતિ નહીં બદલીએ, રૂપાલા અને ભાજપ ટાર્ગેટ પર જ રહેશે.

    ઑપઇન્ડિયાએ ક્ષત્રિય સંકલન સમિતિના અગ્રણી પીટી જાડેજા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે અન્ય રાજકીય નેતાઓના રાજા-મહારાજાઓ પરના વાયરલ વિડીયો અંગે અમને જણાવ્યું કે, “અમારું આંદોલન અસરકારક અને સફળ થશે. એટલે ક્ષત્રિય સમાજના રોષને અન્ય દિશામાં વાળવાના અને ફાંટા પાડવાના પ્રયાસો થશે. તે માટે અમે અગાઉથી તૈયારી કરી રાખી છે. અમે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા જાત-જાતના નિવેદનોની હાલ કોઈ નોંધ લેવા માંગતા નથી. અમારું લક્ષ્ય રૂપાલા અને રૂપાલાને છાવરનાર ભાજપ વિરુદ્ધ પ્રચંડ મતદાન કરવાનું અને તેના પર 7 મે સુધી વળગી રહેવાનું છે.”

    ‘નિશાન પર તો રૂપાલા-ભાજપ જ’

    ઑપઇન્ડિયાને પીટી જાડેજાએ જણાવ્યું છે કે, “અમે કોઈ વાતથી દોરવાઈને આંદોલનને ઢીલું પાડી દઈએ તે સંભવ નથી. અમારા સમાજમાં કોઈપણ ફાંટા નથી. તમામ મક્કમ છે, અડીખમ છે. અમારી દિશા એ જ રહેશે. હાલ અમે રણનીતિ તો બદલવાના છીએ જ નહીં. અમારા નિશાન પર તો રૂપાલા-ભાજપ જ રહેશે.”

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “ગુજરાતમાં અમારી 92 સંસ્થાઓના એકપણ હોદ્દેદાર ઝૂક્યા નથી. આંદોલનથી હટ્યા નથી. ક્ષત્રિયોએ 100% મતદાન કરવાની તૈયારી કરી લીધી છે. આ મતદાન ભાજપ વિરુદ્ધ હશે.” સાથે તેમણે જણાવ્યું કે, રૂપાલા બાદ અનેક નેતાઓએ ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાએ પણ ટિપ્પણી કરી છે. પરંતુ તે આવા સોશિયલ મીડિયા મેસેજોથી તેમના આંદોલનની દિશા બદલશે નહીં. તેમણે અંતમાં સ્પષ્ટતા પણ કરી દીધી કે, તેમનો હાલનો માત્ર એક જ લક્ષ્ય છે રૂપાલા અને ભાજપ.

    ‘ગમે તે થાય ટાર્ગેટ બદલવામાં આવશે નહીં’

    ઑપઇન્ડિયાએ પીટી જાડેજાને રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાની ટિપ્પણીને લઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “આંદોલન નહીં જ બદલાય, ગમે તેવી ટીપ્પણીઓ આવશે, ગમે તેવા ષડયંત્રો થશે, ગમે તેવા મેસજ પણ વાયરલ થશે. પણ આ ટાર્ગેટ બદલવામાં આવશે નહીં. અમારા ટાર્ગેટમાં રૂપાલા અને ભાજપ છે. અમારો આ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. અમારો એક જ ટાર્ગેટ રહેશે. તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થાય તો કહેજો. સંકલન સમિતિ સાથે જ છે. કોઈ ભાગ પણ પડ્યા નથી. ઉમેશ મકવાણાએ ટિપ્પણી કરી, રાહુલ ગાંધીએ કરી તેનો અમારે કોઈ મુદ્દો જ નથી. અત્યારે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, તે ડાયવર્ડ થવાનો જ નથી. ગમે તે થાય ટાર્ગેટ તો બદલવામાં આવશે જ નહીં.”

    ‘રૂપાલાથી ખરાબ ટિપ્પણી કોઈ કરે તો પણ જવાબ નહીં..’

    પીટી જાડેજાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “ગમે તે થાય, કોઈપણ સંજોગોમાં મુદ્દો ડાયવર્ડ થશે જ નહીં. કોઈ ગમે તેવી ટિપ્પણી કરે. પરંતુ ટાર્ગેટ તો ભાજપ અને રૂપાલા જ રહેશે.” આ સાથે તેમણે ખૂબ મહત્વપૂર્ણ વાત કરી કે, “પરષોત્તમભાઈ રૂપાલા કરતાં પણ કોઈ ખરાબ ટિપ્પણી કરે તો પણ જવાબ નથી આપવાનો. સમય આવ્યા પછી અપાશે.” આ સાથે તેમણે કહ્યું કે, “સંકલન સમિતિમાં જે પણ હું કહી રહ્યો છું, તે સત્ય જ કહી રહ્યો છું અને તે જ થવાનું છે. હું ભવાનીની સોગંધ ખાઈને કહું છું કે, હું સત્ય જ કહીશ.”

    પીટી જાડેજા સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે એક જ નિવેદનનું વારંવાર પુનરાવર્તન કર્યું છે કે, અત્યારે માત્ર અને માત્ર ભાજપ અને રૂપાલા જ ટાર્ગેટ પર છે. તેમણે દરેક વાતમાં તે જ નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજનું વલણ પણ સ્પષ્ટ થઈ ગયું છે. જાડેજાના કહ્યા અનુસાર, જો અત્યારે કોઈ રૂપાલા કરતાં પણ ખરાબ નિવેદન આપશે તોપણ અત્યારે વિરોધ માત્ર અને માત્ર રૂપાલા અને ભાજપનો જ થશે.

    ‘પ્રદ્યુમનસિંહ જાડેજાનું નિવેદન અયોગ્ય’- પીટી જાડેજા

    ધ્રોલ ક્ષત્રિય સમાજના અગ્રણી અને સંકલન સમિતિના નેતાએ તાજેતરમાં જ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “રિઝલ્ટની ચિંતા ન કરતા, આમ પણ ક્યાં આપણા કોઈ ચૂંટાયેલા એમપી છે? એકેય ધારાસભ્યને મીનીસ્ટર નથી બનાવ્યા. 67-33 છે એવા મીનીસ્ટર છે. સમજ્યાને? પ્યોર રાજપૂત અત્યારે કેબિનેટમાં કયા છે જ એમ કહેવા માંગું છું.” હવે આ નિવેદનને લઈને પણ ઑપઇન્ડિયાએ પીટી જાડેજાને સવાલો કર્યા હતા. જોકે, શરૂઆતમાં તેમણે આ વિશે કઈપણ બોલવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ આ વિશે કઈ ના કહી શકે. જે બોલ્યા છે તે જ તેના વિશે કહી શકે. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, પહેલાં તો પ્રદ્યુમનસિંહનો સંપર્ક કરીને તેઓ તે જાણવા પ્રયાસ કરશે કે, શું ખરેખર આવું નિવેદન આપ્યું હતું. પરંતુ ઑપઇન્ડિયાએ તેમને પુરાવા તરીકે વિડીયો ઉપલબ્ધ હોવાનું કહેતા તેમણે તે વિશે ગોળ-ગોળ જવાબ આપવાનું ચાલુ રાખ્યું હતું.

    ઑપઇન્ડિયાએ સીધા સવાલ કર્યા હતા કે, પ્રદ્યુમનસિંહે જે નિવેદન આપ્યું, તે યોગ્ય છે કે પછી યોગ્ય નથી? તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, તેઓ પ્રદ્યુમનસિંહને કારણ પૂછશે અને શા માટે બોલ્યા તેનો ખુલાસો પણ માંગશે. આ સાથે ઑપઇન્ડિયાએ ફરી તે જ પ્રશ્ન રિપીટ કરતાં આખરે તેમણે કહ્યું હતું કે. “તેવું બોલાય જ નહીં, તે અયોગ્ય જ છે. મારી તેમની સાથે વાત નથી થઈ. પણ હું તેમને ચોક્કસ પ્રશ્નો કરીશ જ.”

    ક્ષત્રિય સંકલન સમિતિના અગ્રણીએ તેમના આખા આંદોલનની વાસ્તવિકતા છતી કરી છે. તેમણે પોતે જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનો વિરોધ માત્ર રૂપાલા-ભાજપ સામે જ છે. તેઓ ભાજપને જ ટાર્ગેટ કરવા માંગે છે. જ્યારે રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા વિરુદ્ધ તેમને મોરચો ખોલવામાં કોઈ રસ નથી. કોર કમિટીના અગ્રણીઓના આ નિવેદનથી ક્ષત્રિય સમાજના આખા આંદોલનનું સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું છે. એક રીતે તેઓ એવું કહેવા માંગે છે કે, બીજા કોઈપણ ગમે તેવું નિવેદન આપી દે, પણ ટાર્ગેટ ભાજપ જ રહેશે. કોર કમિટીના આવા બેવડા વલણને કારણે સોશિયલ મીડિયામાં ઘણા ક્ષત્રિયો પણ તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે. સાથે જ કારડીયા, નાડોદા અને કાઠી રાજપૂતોએ તો આંદોલન સાથેનો છેડો પણ ફાડી નાખ્યો છે.

    રૂપાલાના વિરોધમાં ચાલુ થયેલું આંદોલન આજે કોંગ્રેસ સમર્થિત બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના યુવરાજે પોતે અને ઇન્ડી ગઠબંધનના નેતા તથા ભાવનગરથી AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ રાજા-મહારાજાઓને લઈને ટિપ્પણી કરી છે. તેમ છતાં કોઈ આંદોલન કે પ્રદર્શન સુદ્ધાં થયું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં