લોકસભા ચૂંટણી 2024 માટેનું અભિયાન હવે ધીમે-ધીમે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. સાતમાંથી પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે હવે શનિવારે (25 મે) દેશમાં છઠ્ઠા તબક્કામાં મતદાન શરૂ થયું છે. છઠ્ઠા તબક્કામાં દેશભરમાં કુલ 58 સંસદીય બેઠકો પર મતદાન થશે. આ 58 બેઠકો પર કુલ 889 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવા જઈ રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી છે. અનેક દિગ્ગજ નેતાઓ અને પ્રસિદ્ધ વ્યક્તિઓએ મતદાન કર્યું છે.
શનિવારે (25 મે, 2024) દેશની 58 લોકસભા બેઠકો પર છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીઓએ પણ મતદાન કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકર. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ પણ મતદાન કર્યું છે. તે સિવાય ગૌતમ ગંભીર, નવી દિલ્હી બેઠક પરથી ભાજપ ઉમેદવાર બાંસુરી સ્વરાજ સહિતના અનેક દિગ્ગજોએ સવારમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી છે.
કયા થઈ રહ્યું છે મતદાન?
જે 58 લોકસભા બેઠકો પર મતદાન શરૂ થયું છે, તેમાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની તમામ 10, બિહાર અને પશ્ચિમ બંગાળની 8-8, દિલ્હીની તમામ 7, ઓડિશાની 6, ઝારખંડની 4 અને જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત દરમિયાન છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ જમ્મુ-કાશ્મીરની અનંતનાગ બેઠક પર મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું અને હવે છઠ્ઠા તબક્કામાં કુલ 58 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે.
આ 58 બેઠકો પર કુલ 889 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણી ઉમેદવારોમાં ઓડિશાના સંબલપુરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કરનાલથી હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ઉત્તર-પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી અને નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજનો સમાવેશ થાય છે.
બીજી તરફ, કોંગ્રેસના અગ્રણી ચહેરાઓમાં કુમારી શૈલજા હરિયાણાના સિરસાથી, દીપેન્દ્ર સિંઘ હુડ્ડા હરિયાણાના રોહતકથી, જેપી અગ્રવાલ ચાંદની ચોક દિલ્હીથી અને કન્હૈયા કુમાર ઉત્તર-પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા છે. નવી દિલ્હીથી ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પણ હેડલાઇન્સમાં છે. છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ લોકસભા ચૂંટણીના છેલ્લા અને સાતમા તબક્કા હેઠળ 1 જૂને મતદાન થશે. ત્યારબાદ લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.