Friday, September 20, 2024
More
    હોમપેજદુનિયાએ જ ઇસ્લામ, એ જ કટ્ટરવાદઃ આજે બાંગ્લાદેશ જે આગમાં સળગી રહ્યું...

    એ જ ઇસ્લામ, એ જ કટ્ટરવાદઃ આજે બાંગ્લાદેશ જે આગમાં સળગી રહ્યું છે, એક સમયે એ જ આગ હતી જેમાં શેખ હસીનાનો પરિવાર એક જ રાતમાં થઈ ગયો હતો બરબાદ

    જે રીતે 1975માં બંગબંધુના પરિવારને ઘેરીને મારી નાખવામાં આવ્યો હતો, તેવી જ સ્થિતિ 1971માં પણ સર્જાઈ હતી. તે સમયે તેમને પાકિસ્તાની સેનાએ ઘેરી લીધા હતા, પરંતુ ત્યારે ભારતીય કર્નલ અશોક તારા તેમને સુરક્ષિત બહાર લાવ્યા હતા.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) વડાપ્રધાન શેખ હસીનાના (Sheikh Hasina) રાજીનામાની માંગને લઈને દેશભરમાં હિંસા થઈ રહી છે. તેમના રાજીનામાના નામે પોલીસ સ્ટેશનો પર હુમલા થઈ રહ્યા છે, સુરક્ષાકર્મીઓની હત્યા થઈ રહી છે, નિર્દોષ હિંદુઓને બિનજરૂરી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, સરકારને ડરાવવામાં આવી રહી છે… આ સંજોગોમાં, ત્યાંની સેના કહી રહી છે કે તેઓ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લેશે,જોકે સેનાના પ્રયાસો દ્વારા એવું નથી લાગી રહ્યું કે તે પરિસ્થિતી પર કાબૂ મેળવી શકશે. સેના બાંગલાદેશની કમાન સાંભળી શકે છે એવી અટકળોની વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. તેઓએ આર્મી હેલિકોપ્ટરમાં ઢાકા છોડી દીધું છે. ત્યારે બાંગ્લાદેશના સેના પ્રમુખ જનરલ વકર-ઉઝ-ઝમાને (Waker-uz-Zaman) મીડિયાને જણાવ્યું હતું કે સેના વચગાળાની સરકાર બનાવશે. બાંગ્લાદેશની કમાન સેના સાંભળવા જઈ રહી છે ત્યારે 1975માં જે બન્યું હતું એ યાદ કરવું આવશ્યક છે. આ એ જ સમય હતો જ્યારે કેટલાક બળવાખોર સૈન્ય અધિકારીઓના કારણે શેખ હસીનાના ઘરમાં 20 મૃતદેહો પડ્યા હતા, અને બાંગ્લાદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.

    ઘટના છે 15મી ઓગસ્ટ 1975ની. બાંગ્લાદેશના સ્થાપક અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ‘બંગબંધુ’ શેખ મુજીબુર રહેમાનની તેમના પરિવાર સાથે હત્યા કરવામાં આવી હતી. શેખ મુજીબ-ઉર-રહેમાનને (Shiekh Mujib-ur-Rahman) વિશ્વાસ જ નહોતો કે તેમના પોતાના લોકો તેમની વિરુદ્ધ બળવો કરી શકે છે. એટલા માટે તેમણે ભારતીય ગુપ્તચર એજન્સી RAW દ્વારા આપવામાં આવેલા ઇનપુટને નકારી દીધો હતો. જ્યારે RAWના સ્થાપક આર. એન કાવ (R. N. Kao) દ્વારા ચેતવણી આપવામાં આવી ત્યારે તેમણે જવાબ આપ્યો -”યે મેરે બચ્ચે હૈ, વો મુજે નુકસાન નહીં પહુંચાએંગે”

    શેખ મુજીબ-ઉર-રહેમાન તે સમયે તેમના પર અને તેમના પરિવારના માથે ભમી રહેલા જોખમને સમજી શક્યા ન હતા. વાસ્તવિકતા એ જ હતી જેના વિશે ભારતીય ગુપ્તચર એજન્સી તેમને ચેતવણી આપી રહી હતી. ઓગસ્ટ 1975માં બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ શફીઉલ્લાહને માહિતી મળી હતી કે સેનાની બે બટાલિયન વગર આદેશે શેખ મુજીબના ઘર તરફ આગળ વધી રહી છે. તેમણે શેખ મુજીબને ફોન કર્યો, પણ ફોનની લાઇન વ્યસ્ત હતી. ઘણા પ્રયત્નો પછી તેઓ શેખ મુજીબનો સંપર્ક સાધી શક્યા. ફોન ઉઠાવીને મુજીબ ગુસ્સામાં બોલ્યા “શફીઉલ્લા તોમાર ફોર્સ આમાર બાડી અટૈક કરો છે. તુમિ જલ્દી ફોર્સ પઠાઓ (તમારા ફોર્સે મારા ઘર પર હુમલો કર્યો છે, ઝડપથી સૈન્ય મોકલો)”.

    - Advertisement -

    એન્થની મસ્કરેન્હાસ (Anthony Mascarenhas) તેમના પુસ્તક ‘બાંગ્લાદેશ: એ લેગસી ઓફ બ્લડ’ (Bangladesh: A Legacy of Blood)માં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં લખે છે, “મોહીઉદ્દીન શેખ મુજીબને જોતાની સાથે જ ગભરાઈ ગયો. તેના મોઢામાંથી એટલું જ નીકળ્યું કે, સર આપની આશુન (સર, તમે આવો). મુજીબે બૂમ પાડીને કહ્યું – શું જોઈએ છે? તું મને મારવા આવ્યો છે? ભૂલી જા. પાકિસ્તાની સેના મને નથી મારી શકી, તો તું કયા ખેતરના મૂળો છે?” ત્યારે જ મેજર નૂર સ્ટેનગન લઈને પ્રવેશ્યો અને મોહિઉદ્દીનને ધક્કો મારીને આખી સ્ટેનગન મુજીબ પર ખાલી કરી દીધી. મુજીબ ઉંધા મોઢે પડી ગયા અને શેખ મુજીબ ઉર રહેમાન પછી જોત જોતામાં જ એ ઘરમાં હાજર દરેક વ્યક્તિનો સફાયો કરી દેવામાં આવ્યો.

    આ હત્યાકાંડ 15 ઓગસ્ટ 1975ના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના (Dhaka) ધનમંડીમાં રોડ નંબર 32ના હાઉસ નંબર 677માં થયો હતો. તે તારીખ પછી, શેખ મુજીબુર રહેમાનના પરિવારમાંથી ફક્ત બે જ લોકો જીવિત રહ્યા હતા, એક સોમવારે (5 ઓગસ્ટ) રાજીનામું આપેલ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને બીજા શેખ રેહાના. આ બંને બહેનોનો જીવ બચી ગયો કારણ કે તેઓ જર્મનીમાં હતા. જો આ બંને બહેનો તે સમયે ઘરમાં હોત તો કદાચ તેઓને પણ બળવાખોરોએ મોતને ઘાટ ઉતારી દીધા હોત.

    આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપનાર કર્નલ ફારુક રહેમાન અને મેજર હુદા સહિત પાંચ હત્યારાઓને 2010માં ઢાકાની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ સિવાય હત્યામાં સામેલ અબ્દુલ મજીદને વર્ષ 2020માં કોરોના સમયગાળા દરમિયાન ફાંસી આપવામાં આવી હતી. તે મજીદ શેખ મુજીબ-ઉર-રહેમાનના 12 હત્યારાઓમાંનો એક હતો. પાકિસ્તાન અને ભારતમાં ડેરો નાખ્યા પહેલા તે લિબિયામાં છુપાયેલો હતો. બાંગ્લાદેશમાં જ્યારે શેખ હસીનાની સરકાર બની ત્યારે તેણે પોતાના પિતાના હત્યારાઓને સજા આપવાનું શરૂ કર્યું. આ જ ક્રમમાં અબ્દુલ મજીદનો વારો પણ આવ્યો, અને તેને કોરોના પ્રતિબંધો વચ્ચે ફાંસી આપવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે જે રીતે 1975માં બંગબંધુના પરિવારને ઘેરીને મારી નાખવામાં આવ્યો હતો, તેવી જ સ્થિતિ 1971માં પણ સર્જાઈ હતી. તે સમયે તેમને પાકિસ્તાની સેનાએ ઘેરી લીધા હતા, પરંતુ ત્યારે ભારતીય કર્નલ અશોક તારા તેમને સુરક્ષિત બહાર લાવ્યા હતા. પરંતુ અફસોસ, 1975માં શેખ મુજીબુર રહેમાનને બચાવવા માટે કોઈ ન હતું. તેમના જ લોકો જેમને તે પોતાના બાળક કહેતા હતા તે જ લોકોએ તેમની પીઠ પાછળ વાર કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં