વડાપ્રધાન મોદીએ શનિવારે (20 એપ્રિલ) મહારાષ્ટ્રના નાંદેડમાં જનસભાને સંબોધિત કરી હતી. અહીં PM મોદીએ પ્રથમ તબક્કામાં મતદાન કરનારા દરેક નાગરિકોને શુભકામનાઓ પણ પાઠવી હતી. આ સાથે જ તેમણે INDI ગઠબંધન, કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર પણ કર્યા છે. તેમણે કહ્યું કે, INDI ગઠબંધનને ઉમેદવાર નથી મળી રહ્યો. વાયનાડમાં રાહુલ ગાંધીને સંકટ દેખાઈ રહ્યું છે. જેવી રીતે તેઓ અમેઠી છોડીને ભાગી ગયા છે, તેવી રીતે વાયનાડ છોડીને પણ ભાગવું પડશે.
નાંદેડમાં જનસભાને સંબોધતા PM મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, “કોંગ્રેસના શહેજાદાને પણ વાયનાડમાં સંકટ દેખાઈ રહ્યું છે. શહેજાદા અને તેમની ટોળી 26 એપ્રિલે વાયનાડમાં મતદાનની રાહ જોઈ રહી છે. જેવુ 26એ વાયનાડમાં મતદાન પૂરું થઈ જશે, તેવા તરત જ તેઓ શહેજાદા માટે એક વધુ સુરક્ષિત સીટ ઘોષિત કરશે અને કોઈ બીજી જગ્યાએ ચૂંટણી લડાવવી પડશે.” તેમણે હસતાં-હસતાં કહ્યું કે, “કારણ કે, તેમના ગઠબંધનના લોકો પણ એકબીજાને ગાળો આપી રહ્યા છે. શહેજાદાને હવે વાયનાડથી પણ ડર લાગી રહ્યો છે. જેવી રીતે તેમને અમેઠી છોડીને ભાગવું પડ્યું હતું, તેમ હવે વાયનાડથી પણ ભાગવું પડશે.”
#WATCH | Addressing a public gathering in Nanded, Maharashtra, Prime Minister Narendra Modi says, "Congress ke shehzade unhe bhi Wayanad mein sankat dikh raha hai. Shehzade aur unki toli April 26 ko Wayanad mein voting ka intezaar kar rahe hain…Jaise Amethi se bhagna pada, aap… pic.twitter.com/s5umnqxEoo
— ANI (@ANI) April 20, 2024
તેમણે ઇન્ડી ગઠબંધન પર પ્રહાર કરતાં કહ્યું કે, “વોટર પણ જોઈ રહ્યા છે કે, કેવી રીતે INDI ગઠબંધનના લોકો સ્વાર્થમાં, પોતાના ભ્રષ્ટાચારને બચાવવા માટે એક સાથે આવી ગયા છે. એટલા માટે જ સમાચાર એ છે કે, પહેલાં ચરણના મતદાતાઓએ ઇન્ડી અલાયન્સને સંપૂર્ણપણે નકારી દીધું છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આ લોકો દાવા ગમે તે કરે, પણ વાસ્તવિકતા એ જ છે કે, ચૂંટણીની ઘોષણા પહેલાં જ કોંગ્રેસના નેતાઓ પોતાની હાર માની ચૂક્યા છે. એટલા માટે કેટલાક નેતાઓ, જે સતત લોકસભામાં ચૂંટાઈને આવતા હતા, આ વખતે તેઓ રાજ્યસભાના રસ્તે અંદર જઈને બેસી ગયા છે.” વડાપ્રધાનનો ઈશારો સોનિયા ગાંધી તરફ હતો. સોનિયા ગાંધી આ વખતે રાયબરેલીથી લોકસભા ચૂંટણી નથી લડી રહ્યા. તેઓ રાજસ્થાનથી રાજ્યસભા પહોંચી ગયા છે.
PM મોદીએ વધુમાં કહ્યું કે, “કોંગ્રેસે દશકો સુધી મહારાષ્ટ્ર અને ખાસ કરીને વિદર્ભ અને મરાઠાવાડના વિકાસને અટકાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસના વલણના કારણે અહીંના ખેડૂતો ગરીબ બન્યા, ઉદ્યોગોને લગતી શકયતાઓ અદ્રશ્ય થવા લાગી અને લાખો યુવાનોએ સ્થળાંતર કરવું પડ્યું.” નોંધનીય છે કે, સભા દરમિયાન વડાપ્રધાનની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઉપસ્થિત હતા. તેમણે પણ જનસભાને સંબોધિત કરી હતી.