Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘કોંગ્રેસની લૂંટ- જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી’: સેમ પિત્રોડાએ...

    ‘કોંગ્રેસની લૂંટ- જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી’: સેમ પિત્રોડાએ ફેંકેલા ફૂલ ટોસ પર PM મોદીની સિક્સ, ‘ઇનહેરિટન્સ ટેક્સ’વાળા નિવેદન બાદ કોંગ્રેસ અવઢવમાં 

    PM મોદીએ કહ્યું, “કોંગ્રેસનો મંત્ર છે, કોંગ્રેસની લૂંટ જિંદગીની સાથે પણ અને જિંદગી પછી પણ. જ્યાં સુધી તમે જીવિત રહેશો ત્યાં સુધી કોંગ્રેસ તેમને વધુ ટેક્સથી મારશે, અને જ્યારે નહીં રહો ત્યારે કોંગ્રેસ ઇનહેરિટન્સ ટેક્સનો બોજ લાદી દેશે.

    - Advertisement -

    ‘સંપત્તિની વહેંચણી’ મુદ્દે કોંગ્રેસ પહેલેથી જ બેકફૂટ પર આવી ગઈ છે ત્યાં બુધવારે (24 એપ્રિલ) ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ અમેરિકાના ઇનહેરિટન્સ લૉનું ઉદાહરણ આપીને નવો વિવાદ સર્જ્યો છે. હવે વડાપ્રધાન મોદીએ પણ નિશાન તાંક્યું છે અને પિત્રોડાના નિવેદનનો આધાર લઈને કહ્યું કે કોંગ્રેસ માત્ર દેશના લોકોને લૂંટવા જ માંગે છે. 

    છત્તીસગઢમાં એક સભા સંબોધતાં વડાપ્રધાન મોદીએ સેમ પિત્રોડાનું નામ લીધા વિના કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદાઓ એક પછી એક ખુલીને સામે આવી રહ્યા છે. શાહી પરિવારના શાહજાદાના સલાહકાર, શાહી પરિવારના શાહજાદાના પિતાના પણ સલાહકાર…જેમની વાત આ પરિવાર માને છે, તેમણે કહ્યું હતું કે દેશનો મધ્યમવર્ગ, જેઓ મહેનત કરીને કમાય છે તેમની ઉપર વધુ ટેક્સ લગાવવો જોઈએ.”

    તેમણે ઉમેર્યું, “હવે આ લોકો તેનાથી પણ આગળ વધી ગયા છે. હવે કોંગ્રેસનું કહેવું છે કે તેઓ ‘ઇનહેરિટન્સ ટેક્સ’ લગાવશે. મા-બાપ તરફથી મળતા વારસા પર પણ ટેક્સ લગાવશે. તમે પોતાની મહેનતથી સંપત્તિ એકઠી કરો છો, તે તમારાં સંતાનોને નહીં મળે પણ કોંગ્રેસ સરકારનો પંજો તેને પણ તમારી પાસેથી આંચકી લેશે.” 

    - Advertisement -

    PM મોદીએ કહ્યું, “કોંગ્રેસનો મંત્ર છે, કોંગ્રેસની લૂંટ જિંદગીની સાથે પણ અને જિંદગી પછી પણ. જ્યાં સુધી તમે જીવિત રહેશો ત્યાં સુધી કોંગ્રેસ તેમને વધુ ટેક્સથી મારશે, અને જ્યારે નહીં રહો ત્યારે કોંગ્રેસ ઇનહેરિટન્સ ટેક્સનો બોજ લાદી દેશે. જેમણે આખી કોંગ્રેસ પાર્ટી પૈતૃક સંપત્તિ માનીને સંતાનોને આપી દીધી, તેઓ નથી ઇચ્છતા કે એક સામાન્ય ભારતીય પોતાનાં સંતાનોને પોતાની સંપત્તિ આપે.”

    શું કહ્યું હતું સેમ પિત્રોડાએ? 

    બુધવારે (24 એપ્રિલ) સેમ પિત્રોડાનો એક વિડીયો સામે આવ્યો, જેમાં તેઓ ઇન્ટરવ્યુ આપતા જોવા મળે છે. તેમને જ્યારે કોંગ્રેસના ‘વેલ્થ ડિસ્ટ્રિબ્યુશન’ના વાયદા અંગે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે, એનો અર્થ એવો છે કે નવી નીતિઓ બનાવવી પડશે. ભવિષ્યમાં એવી નીતિઓ હશે, જેનાથી એક ચોક્ક્સ વર્ગ મોનોપૉલી નહીં રાખી શકે. 

    આગળ તેમણે અમેરિકાનું ઉદાહરણ આપીને કહ્યું કે, “અમેરિકામાં ઇનહેરિટન્સ ટેક્સ છે. એટલે કે એક વ્યક્તિ પાસે 100 મિલિયન ડૉલર સંપત્તિ છે તો તે જ્યારે મૃત્યુ પામે ત્યારે સંતાનોને માત્ર 45 ટકા સંપત્તિ જ આપી શકે. 55% સંપત્તિ સરકાર લઇ લેશે. આ એક રસપ્રદ કાયદો છે. જે કહે છે કે તમે તમારી પેઢીમાં સંપત્તિ બનાવી, તમે હવે જઈ રહ્યા છો તો સંપત્તિ લોકો માટે છોડી જાઓ. બધી નહીં તો અડધી પણ ખરી. એ યોગ્ય પણ લાગે છે. પણ ભારતમાં એવું નથી. ભારતમાં કોઇ 10 મિલિયન મૂકીને જાય તો તેનાં સંતાનોને 10 મિલિયન જ મળે છે, લોકોને કશું જ નહીં.”

    તેમણે આગળ કહ્યું, “આ પ્રકારના મુદ્દાઓ પર લોકો ચર્ચા કરે તે જરૂરી છે. મને ખબર નથી કે તેનો અંતિમ નિષ્કર્ષ શું આવશે, પણ કહેવાની વાત એટલી છે કે જ્યારે આપણે સંપત્તિની વહેંચણીની વાતો કરીએ તો નવા કાર્યક્રમો અને નવી નીતિઓની વાત કરવી જોઈએ, જે માત્ર એક શ્રીમંતોના વર્ગને જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ લાગુ પડે.”

    કોંગ્રેસ પાર્ટી પણ વિમાસણમાં 

    સેમ પિત્રોડાના આ નિવેદન બાદ કોંગ્રેસ અવઢવમાં મૂકાઈ છે અને આખરે સેમ પિત્રોડાના નિવેદનથી પાર્ટીને અલગ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેંટના અધ્યક્ષ જયરામ રમેશે કહ્યું કે, સેમ પિત્રોડાએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું, પરંતુ તે કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ દર્શાવે એ જરૂરી નથી. 

    જયરામ રમેશે કહ્યું કે, “પિત્રોડા જે વિષય પર બોલવું જરૂરી લાગે તેની ઉપર મુક્તપણે પોતાના વિચારો રજૂ કરતા રહે છે. લોકશાહીમાં કોઇ પણ વ્યક્તિને પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કરવાની અને તેની ઉપર ચર્ચા કરવાની સ્વતંત્રતા છે. પરંતુ તેનો અર્થ એ નથી કે પિત્રોડાના વિચારો હંમેશા કોંગ્રેસ પાર્ટીના વલણને અનુરૂપ જ હોય કે તેને પ્રતિબિંબિત કરતા હોય. ઘણીવાર બની શકે કે તેમ ન પણ હોય.”

    બીજી તરફ, પિત્રોડાએ પણ ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ કર્યા, પરંતુ સફળ થતા જણાય રહ્યા નથી. તેમણે કહ્યું કે, તેમણે માત્ર અમેરિકાનું ઉદાહરણ આપ્યું હતું અને તેને કોંગ્રેસ કે અન્ય કોઇ પાર્ટીની નીતિઓ સાથે કશું જ લેવાદેવા નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં