બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાનસભામાં યૌન સંબંધો વિશે અભદ્ર ભાષામાં ન કહેવાની વાતો કહી હતી. તેમણે કહેલી આ વાતોનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થઇ ગયો હતો. ભારે ટીકા બાદ પોતાની આ હરકતના કારણે નીતીશ કુમારને માફી પણ માંગવી પડી હતી. ત્યારે હવે ચૂંટણીઓને લઈને મધ્ય પ્રદેશ પહોંચેલા વડાપ્રધાન મોદી પણ નીતીશ કુમાર પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. PM મોદીએ આ દરમિયાન INDI ગઠબંધનને પણ આડેહાથ લીધું હતું.
પીએમ મોદીએ મધ્યપ્રદેશના ગુના ખાતે વિશાળ જનમેદની સંબોધી હતી. વિધાનસભા ચૂંટણીને લઈને યોજાયેલા આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ વિધાનસભામાં યૌન સંબંધો વિશે કરેલી વાતો કરવા બદલ નીતીશ કુમારને અવળા હાથે લીધા હતા. તેમણે કહ્યું હતું કે, “જે નેતા INDI એલાયન્સનો ઝંડો લઈને ફરે છે, જે દેશની વર્તમાન સરકારને ઉખાડી ફેંકવા માટે ભાતભાતના ખેલ કરી રહ્યા છે, તે INDI એલાયન્સના નેતાએ વિધાનસભામાં માતાઓ અને બહેનોની હાજરીમાં કોઈ કલ્પના ન કરી શકે તેવી ભાષામાં ભદ્દી વાતો કરી, કોઈ શરમ નથી તેમને.”
વડાપ્રધાન મોદી નીતીશ કુમાર દ્વારા આપવામાં આવેલા અભદ્ર નિવેદન પર આક્રમક જોવા મળ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, “એટલું જ નહીં, INDI એલાયન્સનો એક પણ નેતા માતાઓ અને બહેનોનું આટલું ભયંકર અપમાન થવા છતાં એક શબ્દ બોલવા તૈયાર નથી. જે લોકો માતાઓ બહેનો પ્રત્યે આવો દ્રષ્ટિકોણ રાખતા હોય તે માતાઓ બહેનોની ઈજ્જત કેવી રીતે કરી શકે? કેવું દુર્ભાગ્ય આવ્યું છે દેશનું? કઈ હદ સુધી નિમ્નતા દાખવશો? દુનિયામાં દેશનું હજુ કેટલું નીચું દેખાડશો?” આ સાથે જ વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ માતાઓ બહેનોના સન્માન માટે જે કરવું પડશે તે કરવા તત્પર રહેશે તેઓ ક્યારેય પીછેહઠ નહીં કરે.
#WATCH | Guna, Madhya Pradesh: On Bihar CM Nitish Kumar's statement, PM Narendra Modi says, "A big leader of the INDI alliance, 'Ghamandiya Gathbandhan' used indecent language for women inside Assembly yesterday. They are not ashamed. No leader of the INDI alliance said a single… pic.twitter.com/nUbYRqJFa7
— ANI (@ANI) November 8, 2023
શું હતો વિવાદ?
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ વિધાનસભા ગૃહમાં યૌન સંબંધોને લઈને ખૂબ અભદ્ર રીતે વાતો કરી રહ્યા હતા. ઘણી એવી વાતો હતી જે ન કહેવી જોઈતી હતી. તેમણે અભદ્ર રીતે કહ્યું હતું કે, “કી અગર પઢ લેગી લડકી, ઓર જબ શાદી હોગા લડકા-લડકી કા, તો જો પુરુષ હોતા હૈ વો તો રોજ રાત મેં શદિયા હોતા હૈ ઉસકે સાથ કરતા હૈ ના, ઉસી મેં ઔર (બચ્ચા) પૈદા હો જાતા હૈ. ઔર લડકી પઢ લેતી હૈ તો હમકો માલૂમ થા કી ઉ કરેગા ઠીક હૈ! લેકિન અંતિમ મેં ભીતર મત ઘુસાઓ, ઉસકો બાહર કર દો. કરતા તો હૈ.” તેમના આ નિવેદનથી ત્યાં હાજર મહિલા સભ્યો ક્ષોભની સ્થિતિમાં મુકાયા હતા. જ્યારે પરિષદમાં હાજર બીજેપી કાઉન્સિલર નિવેદિતા સિંહ નીતિશના આ નિવેદન પર દુખી થઈને રડવા લાગ્યા હતા. આ અભદ્ર નિવેદનનો વિડીયો વાયરલ થયા બાદ દેશભરમાં નીતિશ કુમારની ટીકા થવા લાગી હતી.
અભદ્ર વાતો કરવા બદલ માંગવી પડી માફી
ઉલ્લેખનીય છે કે આવા અભદ્ર વાણીવિલાસ બાદ ભારોભાર આલોચના થતા નીતીશ કુમારે માફી પણ માંગી હતી. બુધવારે (8, નવેમ્બરે) મીડિયા સામે આવીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, “જો મારા નિવેદનથી કોઈને દુખ પહોંચ્યું છે તો હું માફી માંગું છું. મેં કોઈને ઠેસ પહોંચાડવા માટે આ નિવેદન નહોતું આપ્યું. મારી વાતથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગું છું મારી વાતથી જો લોકોને દુખ થયું હોય તો હું મારા શબ્દો પાછા ખેંચું છું.” તે બાદ તેમણે એમ પણ દાવો કર્યો કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હતું, તેઓ મહિલાનું ઘણું સન્માન પણ કરે છે.