ભારતની વૈશ્વિક શક્તિ અને કૂટનીતિને નજરઅંદાજ કરવી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને ભારે પડી શકે છે. માલદીવ વિવાદ વચ્ચે હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને સત્તા પરથી હટાવવાની માંગ જોર પકડી રહી છે. ચીન સાથે સંબંધ સુધારવા માટે ભારત સાથેના સંબંધોમાં તિરાડ પડી હોવાથી માલદીવના લોકો સરકારને દોષ આપી રહ્યા છે. આ ઉપરાંત માલદીવના વિપક્ષો પણ ભારત સાથેના સંબંધોમાં ખટાશ માટે ત્યાંની સરકારને દોષી ઠેરવી રહ્યા છે. તેને લઈને હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને હટાવવાની પહેલ સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી છે. તેમણે માલદીવના નેતાઓને મુઇઝુને ખુરસી પરથી હટાવવા માટેની અપીલ કરી છે. અલી અઝીમે કહ્યું છે કે, “અમારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) માલદીવની વિદેશનીતિમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે કોઈપણ પાડોશી દેશને અમારી વિદેશનીતિથી અલગ થવા નહીં દઈએ.” આ ઉપરાંત તેમણે તેમની પાર્ટીના ટોચના નેતાઓને પૂછ્યું છે કે, શું તેઓ રાષ્ટ્રપતિ મુઇઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે.
We, d Democrats, r dedicated to upholding d stability of the nation's foreign policy n preventing d isolation of any neighboring country.
— 𝐀𝐥𝐢 𝐀𝐳𝐢𝐦 (@aliaazim) January 8, 2024
R u willing to take all necessary steps to remove prez @MMuizzu from power? Is @MDPSecretariat prepared to initiate a vote of no confidence?
ભારત સાથે માલદીવનો વિવાદ હવે રૌદ્ર રૂપ ધરી રહ્યો છે. મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓના બુકિંગ કેન્સલ અને ટ્રાવેલ કંપનીઓના વિરોધ બાદ હવે માલદીવના પ્રવાસન સંઘે પણ પોતાના મંત્રીઓના નિવેદનોની ટીકા કરી છે. માલદીવ એસોશીએશન ઓફ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી (MATI)એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, તે ભારતીય વડાપ્રધાન અને ભારતના લોકો વિરુદ્ધ તેમના મંત્રીઓની ટિપ્પણીની સખત શબ્દોમાં નિંદા કરે છે.
સંકટ સમયે ભારતે કરી છે મદદ
માલદીવ ટુરિઝમ એસોસિયેશને વધુમાં કહ્યું કે, “ભારત આપણો ખૂબ નજીકનો અને પાડોશી સહયોગી દેશ છે. ઇતિહાસમાં જ્યારે પણ આપણો દેશ સંકટોમાં ઘેરાયો છે, ત્યારે પ્રથમ પ્રતિક્રિયા ભારત તરફથી આવી છે. ભારત સરકારની સાથે-સાથે અમે ભારતના લોકોના પણ આભારી છીએ કે તેઓએ અમારી સાથે આવા ગાઢ સંબંધો બાંધ્યા છે. માલદીવના પ્રવાસન ક્ષેત્રમાં પણ ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેનાથી કોવિડ-19 બાદ આપણાં ટુરિઝમ સેક્ટરને ઉભરવામાં મોટી મદદ મળી છે. માલદીવ માટે ભારત શીર્ષ બજારોમાંનું એક છે.”
એન્ટી-ઈન્ડિયા મુવમેન્ટથી સત્તા સુધી પહોંચ્યા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ
ઉલ્લેખનીય છે કે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ એન્ટી-ઈન્ડિયા મુવમેન્ટ હાથ ધરીને રાષ્ટ્રપતિ પદ પ્રાપ્ત કર્યું હતું. જ્યારથી તેઓ સત્તા પર આવ્યા છે, ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના રાજનૈતિક સંબંધોમાં પણ ખટાશ આવી છે. આ ઉપરાંત તેમની સરકારનો ચીન પ્રત્યેનો પ્રેમ પણ અવારનવાર દેખાઈ રહ્યો છે. પરંતુ આ પ્રેમ માલદીવને ગરીબીના રસ્તે છોડી શકે છે. શ્રીલંકા અને પાકિસ્તાનને આર્થિક રીતે પાયમાલ કરવામાં ચીનની મહત્વની ભૂમિકા રહી છે. બંને દેશ ‘ચાઈનીઝ ડેબ્ટ ટ્રેપ’માં ફસાઈ ગયા છે અને હવે માલદીવ પણ એ જ રસ્તે છે.
શું છે મામલો?
નોંધનીય છે કે, PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની યાત્રા કરી હતી, જ્યાંની અમુક તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શૅર કર્યા બાદ ભારતીય દ્વીપસમૂહની સરખામણી માલદીવ સાથે થવા માંડી હતી. આ ચર્ચાઓની વચ્ચે માલદીવનાં અમુક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી PM મોદી, ભારત અને ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ ટોળકીમાં પછીથી ત્યાંના નેતાઓ અને મંત્રીઓ પણ સામેલ થઈ ગયા હતા. જેને લઈને હવે માલદીવમાં જ તેમનો વિરોધ થઈ રહ્યો છે. જોકે, PM મોદી વિષે અપમાનજનક ટિપ્પણી કરનારા નેતાઓ અને મંત્રીઓને ત્યાંની સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. તેમ છતાં માલદીવ સરકારનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે.