અવારનવાર વિવાદોમાં રહેતાં મમતા બેનર્જીની પાર્ટી TMCનાં સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર વિવાદોમાં સપડાયાં છે. તાજેતરમાં જ તેમણે રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ મહિલા આયોગે આકરી પ્રતિક્રિયા આપતાં મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR કરવાની માંગ કરી છે. આયોગે આ મામલે કહ્યું હતું કે આ મહિલાઓના સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે. આયોગે પોલીસને કાર્યવાહી કરીને આગામી ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા પણ જણાવ્યું છે.
મહિલા આયોગે X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “રાષ્ટ્રીય મહિલા આયોગે સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા આયોગના અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીનું સ્વયં સંજ્ઞાન લીધું છે. આ અભદ્ર ટિપ્પણી અપમાનજનક અને મહિલાઓના સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે. આયોગને નોંધ્યું છે કે આ ટિપ્પણી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 79 અંતર્ગત આવે છે. મહિલા આયોગ આ અપમાનજનક ટિપ્પણીની આકરી નિંદા કરે છે અને મહુઆ મોઇત્રા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે અનુરોધ કરે છે. તેમના વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ અને આગામી 3 દિવસમાં આયોગને વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવે.”
The National Commission for Women has taken suo moto cognizance of the derogatory remark made by Ms. Mahua Moitra, Member of Parliament, against Ms. Rekha Sharma, Chairperson, NCW. The crude remarks are outrageous and a violation of a woman's right to dignity. The Commission…
— NCW (@NCWIndia) July 5, 2024
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ હાથરસના દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન એક વ્યક્તિ તેમની પાછળ છત્રી લઈને ચાલી રહ્યો હતો. તેવામાં સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થઈ ગયો હતો અને કેટલાક યુઝરે પૂછ્યું હતું કે તેમણે છત્રી પોતે કેમ નથી પકડી.
PTIએ પોસ્ટ કરેલા વિડીયોને ક્વોટ કરીને પછીથી ‘પત્રકાર’ નિધિ રાઝદાને એક પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘તેઓ પોતાની છત્રી પોતે કેમ નથી પકડી શકતાં’? જવાબમાં મહુઆ મોઈત્રાએ ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, “તેઓ પોતાના બોસનો પાયજામો પકડવામાં વ્યસ્ત છે, માટે.”
મોઈત્રાની આ હરકત બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ એક્શનમાં આવ્યું છે અને તેમની કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ મહુઆને જાણે તેનાથી કશો જ ફર્ક ન પડતો હોય તેમ વર્તી રહ્યાં છે. તેમણે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલી પોસ્ટને શૅર કરીને પ્રતિક્રિયા આપી છે.
Come on @DelhiPolice please take action immediately on these suo moto orders. Am in Nadia in case you need me in the next 3 days to make a quick arrest.
— Mahua Moitra (@MahuaMoitra) July 5, 2024
I Can Hold My Own Umbrella . https://t.co/pXvRSVSzxa
મહુઆ મોઇત્રાએ લખ્યું હતું કે,” કમ ઓન, દિલ્હી પોલીસ આ સુઓમોટો આદેશ પર તરત કાર્યવાહી કરો. હું નાદિયામાં છું, જો તમને આગામી ત્રણ દિવસમાં ધરપકડ કરવાની જરૂર પડે તો હું તરત ધરપકડ કરવી લઈશ.” આ સાથે જ તેમણે ફરી એક વાર મહિલા આયોગના પ્રમુખ પર કટાક્ષ કરતા લખ્યું હતું કે,”મારી છત્રી હું જાતે પકડી શકું છું.” જોકે, પછીથી મહુઆ મોઈત્રાની પણ અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ, જેમાં તેઓ મીડિયા સાથે વાત કરતાં જોવા મળે છે અને છત્રી કોઇ બીજા વ્યક્તિએ પકડી છે.