ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 12 વર્ષની બાળકી પર ગેંગરેપ મામલે સપા નેતા અને સપા સાંસદ અવધેશ પ્રસાદના નજીકના માણસ મોઈદ ખાનનું મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યું હતું. બાળકીના પરિવારનો આરોપ છે કે, મોઈદ ખાન અને તેના નોકરે બાળકી પર અઢી મહિના સુધી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદથી જ સપા નેતાઓ અને સપા સુપ્રીમો અખિલેશ યાદવ મૌન થઈ ગયા હતા. પરંતુ તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશે એક પોસ્ટ કરીને આરોપીઓના DNA ટેસ્ટ કરવાની સલાહ આપી હતી. જ્યારે હવે તેમના આ નિવેદનના વિરોધમાં લખનૌમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેમાં મુલાયમ સિંઘ યાદવના જૂના નિવેદનને દર્શાવવામાં આવ્યું છે. મુલાયમ યાદવે ભૂતકાળમાં રેપ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “લડકે હૈ, ગલતી હો જાતી હૈ.”
લખનૌમાં ભાજપ દ્વારા અખિલેશ યાદવ વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં અખિલેશ યાદવના પિતા મુલાયમ યાદવના એક જૂના નિવેદન ‘લડકે હૈ, ગલતી હો જાતી હૈ’ને આધાર બનાવીને નિશાનો સાધવામાં આવ્યો છે. ભાજપના અવધ પ્રાંતના ઉપાધ્યક્ષ શ્વેતા સિંઘ તરફથી લગાવવામાં આવેલા આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “લડકે હૈ, ગલતી હો જાતી હૈ.. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ DNA ટેસ્ટ કી બાત કહ કર કયા સાબિત કરના ચાહતે હૈ? મોઈદ હૈ, ગલતી હો જાતી હૈ.” મુલાયમ યાદવના નિવેદનના આધારે ભાજપે સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ બંનેને ટાર્ગેટ કર્યા છે.
નોંધવા જેવુ છે કે, અયોધ્યા ગેંગરેપ કેસના મુખ્ય આરોપી અને સપા નેતા મોઈદ ખાનની ધરપકડ થઈ ચૂકી છે. આટલું જ નહીં, પરંતુ તેની ગેરકાયદેસર સંપત્તિ પર યોગી સરકારે બુલડોઝર પણ ફેરવી દીધું છે. પરંતુ આખી ઘટના દરમિયાન મૌન રહેલા અખિલેશ યાદવે બુલડોઝર એક્શન બાદ એક પોસ્ટ કરીને આરોપીઓના DNA ટેસ્ટ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ જ તેમના પર આરોપ લગાવવા માટેની સલાહ આપી હતી. જેથી કરીને દેશભરમાં તેમના આ નિવેદનનો વિરોધ થવા લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા પોસ્ટરમાં દર્શાવવામાં આવેલ મુલાયમ યાદવનું નિવેદન વર્ષ 2014નું છે. તેમણે 2014માં મોરાદાબાદમાં એક રેલીને સંબોધતાં રેપ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “લડકે, લડકે હૈ, ગલતી હો જાતી હૈ.” તેમણે કહ્યું હતું કે, “યુવતીઓ પહેલાં મિત્રતા કરે છે. યુવક-યુવતી વચ્ચે મતભેદ થઈ જાય છે. મતભેદ થયા બાદ તેને રેપનું નામ આપી દે છે. છોકરાઓથી ભૂલ થઈ જાય છે તો શું રેપ કેસમાં ફાંસી આપી દેશો?” આ નિવેદનનો ત્યારે ખૂબ વિરોધ થયો હતો. જ્યારે હવે આ જ નિવેદનને મુદ્દો બનાવીને અખિલેશ યાદવ પર પ્રહાર કરવામાં આવ્યો છે.