પાંચ રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે નજર પરિણામો પર છે. તમામ રાજ્યોની મતગણતરી 3 ડિસેમ્બરના રોજ આયોજિત કરવામાં આવી હતી, પરંતુ હવે નાનકડો ફેરફાર થયો છે. મિઝોરમની મતગણતરી 4 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે અને પરિણામો પણ એ જ દિવસે જાહેર થશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે આ મામલે આધિકારિક જાહેરાત કરી છે. પંચે જણાવ્યું કે પરિણામોની તારીખો બદલવા માટે અનેક સ્તરેથી રજૂઆતો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશને જણાવ્યું કે, તેમને રજૂઆતો મળી હતી કે રવિવાર સિવાય અઠવાડિયાના બીજા કોઇ દિવસે મતગણતરી રાખવામાં આવે, કારણ કે મિઝોરમના લોકો માટે રવિવાર મહત્વનો દિવસ છે.
Election Commission of India revises the date of counting for the General Election to the Legislative Assembly of Mizoram from 3rd December, 2023 (Sunday) to 4th December, 2023 (Monday).
— ANI (@ANI) December 1, 2023
EC says, "The Commission has received several representations from various quarters… pic.twitter.com/DIrR1rXJeQ
વાસ્તવમાં, શુક્રવારે (1 ડિસેમ્બર) મિઝોરમમાં અનેક ઠેકાણે પ્રદર્શનો થયાં હતાં અને મતગણતરીની તારીખ બદલવાની માંગ કરવામાં આવી હતી. મિઝોરમ NGO કો-ઓર્ડિનેશન કમિટીએ એક પત્ર લખીને ચૂંટણી પંચ સમક્ષ તારીખ બદલાવાની માંગ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બહુમતી ધરાવતા મિઝો ખ્રિસ્તીઓ રવિવારે ચર્ચમાં જાય છે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. જેથી બીજા કોઇ દિવસે મતગણતરી ગોઠવવામાં આવે.
આ સંગઠનોએ રાજકીય પાર્ટીઓને માંગ કરી હતી કે તેઓ મતગણતરી જો 3 ડિસેમ્બરે થાય તો પોતાનાં કાર્યાલયો બંધ રાખે અને મતગણતરી કેન્દ્રો પર પણ નહીં જાય. જોકે, હવે તેવું કશું જ કરવું નહીં પડે કારણ કે ઈલેક્શન કમિશને તારીખ બદલી નાખી છે.
મિઝોરમમાં ગત 7 નવેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જે 80 ટકાથી વધુ નોંધાયું હતું. 40 સભ્યોની વિધાનસભામાં મિઝો નેશનલ ફ્રન્ટ અને ઝોરામ પિપલ્સ મૂવમેન્ટ બે પ્રાદેશિક પાર્ટીઓ રેસમાં છે. સાથે કોંગ્રેસ પણ તમામ બેઠકો પર લડી હતી. ભાજપે 23 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા.
એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તો અહીં MNF અને ZPM વચ્ચે ટક્કર થતી બતાવાઈ છે. સી વોટર અનુસાર, MNFને 15-21 બેઠકો અને ZPMને 12-18 બેઠકો મળી શકે છે. ઇન્ડિયા ટુડે અનુસાર, MNFને માત્ર 3 થી 7 જ્યારે ZPM 28થી 35 બેઠકો મેળવી શકે છે. ઇન્ડિયા ટીવીના પોલ મુજબ, MNFને 14થી 18 જ્યારે ZPMને 12થી 16 બેઠકો મળી શકે છે. કોંગ્રેસ 8થી 10 જ્યારે ભાજપ 0થી 2 બેઠકો મેળવી શકે છે. જન કી બાત અનુસાર, MNFને 10થી 14 જ્યારે ZPMને 15થી 25 બેઠકો મળી શકે છે. રિપબ્લિક અનુસાર, MNF 17થી 22 જ્યારે ZPM 7 થી 12 બેઠકો જીતી શકે છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની મતગણતરી 3 ડિસેમ્બરે જ યોજાશે. જ્યારે નવા ફેરફાર બાદ મિઝોરમના લોકોને 4 ડિસેમ્બરે વિજેતા જાણવ મળશે.