દિગ્ગજ કોંગ્રેસ નેતા મિલિન્દ દેવરાએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. રવિવારે (14 જાન્યુઆરી, 2024) તેમણે X પર પોસ્ટ કરીને પોતે રાજીનામું આપ્યું હોવાની જાણ કરી હતી.
મિલિન્દ દેવરાએ પોસ્ટમાં કહ્યું કે, ‘આજે મારી રાજકીય યાત્રાના એક મહત્વપૂર્ણ પ્રકરણનો અંત આવી રહ્યો છે. મારા પરિવારના પાર્ટી સાથેના 55 વર્ષના સંબંધોનો અંત લાવતાં મેં કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. આટલાં વર્ષો સુધી અતૂટ સમર્થન આપવા બદલ હું સૌ નેતાઓ, સાથીઓ અને કાર્યકર્તાઓનો આભારી છું.’
Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of @INCIndia, ending my family’s 55-year relationship with the party.
— Milind Deora | मिलिंद देवरा ☮️ (@milinddeora) January 14, 2024
I am grateful to all leaders, colleagues & karyakartas for their…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિલિન્દ દેવરા કોંગ્રેસ છોડીને હવે મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેનું નેતૃત્વ ધરાવતી શિવસેનામાં સામેલ થશે. તેઓ રવિવારે (14 જાન્યુઆરી) જ સામેલ થઈ શકે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક-બે દિવસથી મિલિન્દ દેવરા કોંગ્રેસ છોડી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આખરે શનિવારે અટકળોએ વેગ પકડતાં પૂર્વ કોંગ્રેસ નેતાએ એક નિવેદન પણ આપ્યું હતું અને આ બાબતોને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે હજુ કોઇ નિર્ણય લીધો નથી અને સમર્થકો સાથે ચર્ચા કરી રહ્યા છે. પરંતુ હવે તેમણે પોતે જ રાજીનામા અંગે અધિકારીક જાહેરાત કરી દીધી છે.
નોંધવું જોઈએ કે તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ મુંબઈ (દક્ષિણ) લોકસભા બેઠક લડવાનો દાવો કર્યો હતો. આ બેઠક પર દેવરા સાંસદ રહી ચૂક્યા છે. શિવસેના (UBT)ના આ દાવા બાદ તેમણે જાહેરમાં નારાજગી જાહેર કરી હતી અને એક નિવેદનમાં કહ્યું હતું કે, જો ગઠબંધનની સહયોગી પાર્ટીઓ આવાં નિવેદન બંધ ન કરે તો તેમની પાર્ટી પણ બેઠક માટે ઉમેદવાર ઘોષિત કરશે. વાસ્તવમાં શિવસેના (UBT) અને કોંગ્રેસ INDI ગઠબંધનની સભ્ય પાર્ટીઓ છે, જેથી કોઇ એક બેઠક પર બંનેમાંથી એક જ પાર્ટીનો ઉમેદવાર લડી શકે. જોકે, હજુ સીટ શેરિંગ માટે તેઓ ચર્ચા જ કરી રહ્યા છે.
મિલિન્દ દેવરા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા મુરલી દેવરાના પુત્ર છે. 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ મુંબઈ (દક્ષિણ) બેઠક પરથી ચૂંટાયા હતા. પછીથી 2014 અને 2019ની ચૂંટણીમાં તેમણે શિવસેના ઉમેદવાર અરવિંદ સાવંત સામે હારનો સામનો કરવો પડ્યો. 2019 સુધી શિવસેના એક જ પાર્ટી હતી, હવે બે ભાગ થઈ ગયા છે. આગામી ચૂંટણીમાં આ બેઠક પરથી અરવિંદ સાવંત લડે તેવો શિવસેના (UBT)એ આગ્રહ કર્યો હતો, જેનાથી દેવરા નારાજ જણાયા હતા.
આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુરથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆત કરી રહ્યા છે. તે પહેલાં જ પાર્ટીને મહારાષ્ટ્રમાં મોટું નુકસાન થયું છે. મિલિન્દ દેવરા રાહુલ ગાંધીના પણ નજીકના સાથી ગણાતા રહ્યા છે, પરંતુ હવે તેમણે માર્ગ અલગ કરી લીધો છે.