મહારાષ્ટ્રમાં MLC ચૂંટણી (વિધાન પરિષદની ચૂંટણીઓ) પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણીમાં NDAને પ્રચંડ જીત મળી છે. કુલ 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 9 NDAના ખાતામાં આવી છે, તો 2 બેઠકો INDI ગઠબંધનને ભાગે ગઈ છે. મહાવિકાસ આઘાડીના 7 થી 8 ધારાસભ્યોએ ક્રોસ વૉટિંગ કર્યું હોવાના અહેવાલો છે, જેના કારણે પરિણામોનાં સમીકરણ બદલાઈ ગયાં હતાં.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે (12 જુલાઈ, 2024) સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી 270 ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જીત માટે 23 ધારાસભ્યોના વોટ જોઈએ છે, જેમાં ભાજપના 103, શિવસેનાના (શિંદે જૂથ) 38, NCPના (અજિત જૂથ) 42, શિવસેનાના (UBT) 15 અને NCPના (શરદ પવાર) 10 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં શાસન ચલાવી રહેલ મહાયુતિએ (ભાજપ, શિવસેના (શિંદે), એનસીપી (અજિત) ચૂંટણીમાં પોતાના 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. તેમાં સહુથી વધુ ભાજપના 5 ઉમેદવાર અને શિવસેના અને NCPના 2-2 ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. વિપક્ષના મહાવિકાસ આઘાડીએ 3 ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. નોંધનીય છે કે વિધાન પરિષદમાં 11 સભ્યો આગામી 27 જુલાઈના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આ જગ્યાઓ ભરવા માટે 11 બેઠકો માટે કુલ 12 ઉમેદવારો ચૂંટણીનો જંગ ખેલવા મેદાને ઉતર્યા હતા.
#Maharashtra | BJP-led Mahayuti Alliance bounces back from a disappointing result in the general election by registering a big win in MLC polls.@radhika1705 reportshttps://t.co/ONHJhMQrxG pic.twitter.com/ZdBOVXwYJC
— NDTV (@ndtv) July 12, 2024
ચૂંટણીમાં ભાજપના સહુથી વધુ એટલે કે તમામ 5 ઉમેદવારો વિજેતા થયા છે. તેમાં અમિત ગોરખે (26 વોટ), પંકજ મુંડે (26 વોટ), પરિણય ફુકે (26 વોટ), યોગેશ ટિલેકર (26 વોટ) અને સદાભાઉ ખોત (23 વોટ) વિજેતા બન્યા છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાંથી ભાવના ગવલી (24 વોટ) અને કૃપાલ તુમાને (25 વોટ) વિજેતા થયા છે. અજિત પવારના નેતૃત્વવાળી NCPના રાજેશ વિટેકર (23 વોટ) અને શિવાજીરાવ ગરજે (24 વોટ) વિજેતા બન્યા છે, બીજી તરફ કોંગ્રેસના પ્રજ્ઞા સાત્વ (25 વોટ) જીત્યા છે. આ તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મિલિંદ નાર્વેકર (23 વોટ) જીત્યા છે.
નોંધનીય છે કે પરિણામો જાહેર થયા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે “મહાગઠબંધનના રૂપે વિધાન પરિષદની ચૂંટણીઓને લઈને અમારું ગણિત સાચું હતું. અમે સુનિશ્ચિત કર્યું કે અમારી ત્રણેય પાર્ટીના ઉમેદવારો જીતશે જ.” તો બીજી તરફ ભાજપ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી સુધીર મુનગંટીવારે પણ જીત પર રાજીપો દર્શાવતા કહ્યું હતું કે, “આ જીતથી અમે બધા જ ખુશ છીએ. MVA (મહા વિકાસ આઘાડી)મો ઘમંડ ભાંગીને ભુક્કો થઈ ગયો છે.” આગામી ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેથી વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. તે પહેલાં યોજાયેલી MLC ચૂંટણીને સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી હતી, જેમાં NDAએ ક્લીનસ્વિપ કર્યું છે.