લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને તમામ નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જ્યારે AAPના પહેલી હરોળના દિગ્ગજ નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થાય છે. તેવા સમયે હવે દિલ્હીના LGના સૂત્રોને ટાંકીને મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીની AAP સરકારના મંત્રી આતિશીએ હિંદુ મંદિરો તોડવા માટેનો આદેશ જારી કર્યો હતો. જ્યારે દિલ્હી LGએ પોતે આ મામલે સંજ્ઞાન લઈને રામનવમી સુધી તે આદેશ પર રોક લગાવી દીધી છે. બીજી તરફ દિલ્હી ભાજપે આ કૃત્યને સનાતન પર પ્રહાર તરીકે ગણાવ્યું છે.
મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીની AAP સરકારના મંત્રી આતિશી માર્લેનાએ હિંદુ મંદિરો તોડવાનો આદેશ જારી કર્યો હતો. પરંતુ દિલ્હી LGએ તાત્કાલિક ધોરણે તે આદેશને નિરસ્ત કરી દીધો હતો અને તેના પર રામનવમી સુધી રોક લગાવી દીધી હતી. મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે, આતિશીએ આ કૃત્ય રામનવમી અને લોકસભા ચૂંટણી પહેલાં સામાજિક સૌહાર્દને તોડવા માટે કર્યું હતું. મીડિયામાં LGના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, આતિશીએ લોકસભા ચૂંટણી પહેલાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે આદેશ આપ્યો હતો. ભાજપનો આરોપ છે કે, AAP એક વિશેષ સમુદાયને ખુશ કરવા માંગે છે.
Delhi LG has put a hold on the demolition of temples ahead of Ram Navami. Notably, the demolition was ordered by Delhi Minister Atishi, sources say.
— TIMES NOW (@TimesNow) April 16, 2024
According to the sources, the LG claimed that Atishi wants to create communal tensions.
AAP is trying to appease another… pic.twitter.com/fJLWHZQVN8
ભાજપે AAP પર લગાવ્યા હતા આરોપ
નોંધનીય છે કે, 15 એપ્રિલના રોજ જ દિલ્હી ભાજપે આ મામલે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો હતો. BJPએ AAP પર ખ્યાલા રોડ પર આવેલા બે હિંદુ મંદિરોને તોડીને નવરાત્રિમાં સૌહાર્દ બગાડવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી ભાજપ અધ્યક્ષે વીરેન્દ્ર સચદેવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ આરોપો લગાવ્યા હતા. સચદેવાએ કહ્યું હતું કે, “વિશેષ સમુદાયને ખુશ કરવા માટે સનાતન પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “દિલ્હીમાં ધૂમધામથી નવરાત્રિ મનાવવામાં આવે છે. ધાર્મિક સમારોહમાં સૌહાર્દ બન્યો રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. દિલ્હી સરકાર એક વિશેષ વર્ગને ખુશ કરવાનું કાર્ય કરી રહી છે. પશ્ચિમી દિલ્હીમાં બે હિંદુ મંદિરોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.” સાથે તેમણે કહ્યું કે, “નવરાત્રિ દરમિયાન જાણીજોઈને મંદિરોને ટાર્ગેટ કરવા એ આમ આદમી પાર્ટી અને તેના ગઠબંધનની વાસ્તવિકતા દર્શાવે છે.”
તેમણે ઉમેર્યું કે, “ISBT અને મજનૂના ટીલા સુધીના કેટલાક સ્થળો પરથી દબાણ દૂર કરવાની વાત કરવામાં આવી હતી, જે અતિક્રમણની શ્રેણીમાં આવે છે. ખ્યાલા રોડ પર અને તિલક નગરના ગણેશ નગરમાં મંદિરોને પસંદ કરવામાં આવે છે અને આદેશ આપવામાં આવે છે કે, આજે જ આ મંદિરોને તોડી પાડવાના છે. 35 વર્ષથી આ મંદિરો બન્યા છે, તેમની એવી શું મજબૂરી છે કે, આજે જ આ મંદિરોને તોડવા છે.” આ સાથે તેમણે આ ઘટનાને સનાતન પર પ્રહાર ગણાવી છે.