ગુજરાત વિધાનસભાની પહેલા ચરણની ચૂંટણી માટે પ્રચારની હવે અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. એવામાં કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા અને ઉપલેટાના ઉમેદવાર લલિત વસોયા સામે સાથનિક કોંગ્રેસ કાર્યકર્તાઓએ બાંયો ચડાવી છે.
ટીવી9ના અહેવાલ મુજબ ઉપલેટામાં કોંગ્રેસના પૂર્વ આગેવાનો અને પૂર્વ હોદ્દેદારોએ એક બેઠક યોગી હતી. જેમાં તેઓએ ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય તરીકે લલિત વસોયાએ કેટલું કાર્ય કર્યું તેની ચર્ચા કરી હતી. સાથે જ તેઓએ લલિત વસોયા દ્વારા ક્યાં કેટલી ગ્રાન્ટ ફાળવાઈ હતી તેના પર પણ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં સામેલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોપ કર્યો હતો કે લલિત વસોયાએ ભૂતકાળમાં જે વાયદાઓ કર્યા હતા તે હજુ સુધી પુરા નથી કર્યા.
કોંગ્રેસના પૂર્વ જિલ્લા મંત્રી તૌફીક બક્કાલીએ મીડિયાને જણાવ્યું હતું કે આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને સમર્થન ન કરવાનો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થ કરવાનો નિર્ણય લીધો છે.
‘આપને મત આપવા કરતાં ભાજપને આપજો’ – વસોયા
નોંધનીય છે કે થોડા સમય પહેલા કોંગ્રેસનેતા લલિત વસોયાનો એક વિડીયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ ભાજપને માત આપવા માટે સૌને કહી રહ્યા હતા.
Watch | Gujarat Congress MLA Lalit Vasoya asks people to vote for BJP instead of giving vote to AAP pic.twitter.com/vI59LBEQXH
— DeshGujarat (@DeshGujarat) November 6, 2022
લલિત વસોયા ધોરાજીમાં આ સભા સંબોધી રહ્યા હતા. આ દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ મંચ પર હાજર હતા. લલિત વસોયાએ આમ આદમી પાર્ટી અને ભાજપની વાત કરીને ‘આપ’ને ભાજપની બી ટીમ ગણાવીને કહ્યું કે, આમ આદમી પાર્ટીને મત આપવા કરતાં ભાજપને મત આપજો.
વાઇરલ વીડિયોમાં તેઓ કહેતા સંભળાય છે કે, “કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું આ મંચ પરથી કહું છું, આમ આદમી પાર્ટીને મત આપવા કરતાં ભારતીય જનતા પાર્ટીને મત આપજો.” લલિત વસોયાની આ વિડીયો ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.
આ પહેલા અનેકવાર એવા અહેવાલો આવ્યા હતા કે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જોડાવાના છે. જયારે હાર્દિક પટેલે કેસરિયો કર્યો ત્યારે પણ લોકોએ અટકળો લગાવી હતી કે વસોયા પણ હવે કોંગ્રેસને છોડી દેશે. પરંતુ હજુ સુધી એ વાત સાચી સાબિત થઇ નથી.