એરફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઝારખંડના મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હેમંત સોરેનને જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે અંતિમ સમન્સ પાઠવ્યું છે. આ પહેલાં તેમને 6 સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેઓ એકપણ વાર ED સમક્ષ હાજર થયા નથી. કેન્દ્રીય એજન્સી EDએ સોરેનને ઇચ્છિત સ્થળ અને સમય જણાવવા કહ્યું છે, જેથી EDના અધિકારીઓ ત્યાં જઈને તેમની પૂછપરછ કરી શકે.
શુક્રવારે (29 ડિસેમ્બર) EDએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સાતમી વખત સમન્સ મોકલ્યું છે. જેમાં કહેવાયું છે કે, જમીન કૌભાંડ કેસમાં તેમનું નિવેદન નોંધવું ખૂબ જરૂરી છે. તેથી ED તેમની ઈચ્છા મુજબ નિવેદન નોંધવા માટે તૈયાર છે. આ મામલામાં ED આ પહેલાં પણ 6 સમન્સ મોકલી ચૂકી છે પણ મુખ્યમંત્રી સોરેનને એકપણ વખત હાજર થવા માટે સમય નથી.
સાત દિવસની અંદર નિવેદન નોંધાવો
EDએ હેમંત સોરેનને મોકલેલા નોટિસમાં એવું પણ કહ્યું છે કે, આ પત્રને સમન્સ તરીકે જ જોવામાં આવે. EDએ કહ્યું કે, મુખ્યમંત્રી સોરેન જમીન કૌભાંડ મામલે આવનારા સાત દિવસમાં પોતાનું પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળનું નિવેદન નોંધાવે. આ પત્રને સમન્સ તરીકે જ સમજવામાં આવે. તેમણે વધુમાં લખ્યું કે, મુખ્યમંત્રી સોરેનની બડગાઈ જમીન કૌભાંડ મામલે પૂછપરછ કરવાની છે. આ તપાસને આગળ વધારવા માટે તેમનું નિવેદન ખૂબ જ જરૂરી છે. નિવેદન ન નોંધાવવાથી તપાસ પ્રભાવિત બની રહી છે. તેવામાં મુખ્યમંત્રીને આ છેલ્લી તક આપવામાં આવે છે કે તેઓ બે દિવસની અંદર કોઈ એવી જગ્યા પસંદ કરે કે જે ED અને તેમના માટે યોગ્ય હોય. ત્યાં જ મુખ્યમંત્રીનું નિવેદન નોંધવામાં આવશે.
ED આ પહેલાં મોકલી ચૂકી છે 6 સમન્સ
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના 6 સમન્સની અવગણના કરી છે. જે બાદ તેમને આ સાતમું સમન્સ મોકલવામાં આવ્યું છે. તેઓ એકપણ વાર ED સમક્ષ હાજર નથી થયા. નોંધનીય છે કે, પહેલાં મોકલવામાં આવેલા 6 સમન્સમાંથી પ્રત્યેકના જવાબ સોરેને આપ્યા હતા. તેમણે સમન્સને દુર્ભાવનાથી પ્રેરિત ગણાવ્યા હતા. મુખ્યમંત્રીએ ED પર કેન્દ્રના ઈશારે કામ કરવાનો અને લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે.
શું છે મામલો?
આરોપ છે કે, ઝારખંડમાં ભૂ-માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે માલિકી બદલીને જમીન પચાવી પાડવામાં આવી છે. ED આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં હમણાં સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2011બેચના એક IAS અધિકારી છવિ રંજન પણ સામેલ છે. જે રાજ્ય સમાજ કલ્યાણ વિભાગના ડિરેક્ટર અને રાંચીના ડેપ્યુટી કમિશનરનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. હવે આ મામલે ED ઝારખંડના મુખ્યમંત્રીની પણ પૂછપરછ કરવા માંગે છે, જે મામલે તેણે 6 સમન્સ મોકલ્યા પણ હતા. તેમ છતાં મુખ્યમંત્રી હેમંત સોરેન હાજર ન થતાં હવે અંતિમ સમન્સ મોકલવામાં આવ્યું છે.