લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. તેવામાં તમામ પાર્ટીઓ જીત નોંધાવવા માટે ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. તે જ અનુક્રમે પાર્ટીઓએ વિવિધ રાજ્યોને લઈને પોતાના સ્ટાર પ્રચારકોના નામ પણ જાહેર કરી દીધા છે. હવે આ મામલે આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે. લોકસભા ચૂંટણીને લઈને AAPએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની લિસ્ટ જાહેર કરી છે. તેમાં સૌથી પહેલું નામ છે અરવિંદ કેજરીવાલનું, જેમનું તાજેતરનું ઠેકાણું છે તિહાર જેલ. તે પછી બીજું નામ છે તેમના પત્ની સુનિતા કેજરીવાલનું, મહત્વની વાત એ છે કે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સાથે લડાઈ લડવાનો દાવો કરે છે અને સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં બીજું જ નામ મોભીના પરિવારમાંથી આવે છે. આ સાથે જ જેલબંધ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન જેવા લોકો ગુજરાતમાં AAPના સ્ટાર પ્રચારકો છે.
આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી લઈને ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની લિસ્ટ જાહેર કરી છે. જેમાં જેલબંધ અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયાનું નામ પણ સામેલ છે. આ સાથે જ ગુજરાતમાં AAPના સ્ટાર પ્રચારકોમાં સુનિતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત કુલ 40 નામો આપવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, સુનિતા કેજરીવાલ પ્રથમવાર ચૂંટણી પ્રચારમાં ઉતરી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં આ લિસ્ટને લઈને અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે. ચર્ચા ચાલી રહી છે કે, જેલબંધ નેતાઓને જામીન મળી રહ્યા નથી અને તેઓ ઉમેદવારો માટે પ્રચાર તો કેવી રીતે કરી શકશે.
AAP released a list of 40 star campaigners for Gujarat.
— Shashank Shekhar Jha (@shashank_ssj) April 16, 2024
First name is of #ArvindKejriwal who is in jail due to corruption.
Second name of @KejriwalSunita.
Qualification of Sunita = Wife of Arvind.
Big blow to:
India against corruption &
India against pariwarvad. pic.twitter.com/1wbe4GW9vm
બીજી તરફ સોશિયલ મીડિયામાં એવું પણ કહેવાય રહ્યું છે કે, ઇન્ડી ગઠબંધન અને આમ આદમી પાર્ટી ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ના નારા લગાવે છે અને કરપ્શનમાં જ જેલવાસ ભોગવી રહેલા AAPના મોભી કેજરીવાલને સ્ટાર પ્રચારક બનાવે છે. આ સાથે જ લોકોએ પરિવારવાદને લઈને પણ આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરી છે. કહેવાયું છે કે, સુનિતા કેજરીવાલની યોગ્યતા માત્ર એટલી છે કે, તેઓ અરવિંદ કેજરીવાલના પત્ની છે.
કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પણ જેલવાસ ભોગવી રહ્યા છે. તેમના નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેનો અર્થ એ થયો કે, આમ આદમી પાર્ટી પાસે ‘મહત્વના ચહેરા’ઓ સિવાય કોઈ સ્ટાર પ્રચારક બનવા જોગ નથી! અને જે ‘મહત્વના ચહેરા’ઓ છે તેઓ પણ આજે ‘મહત્વના કાર્યો’ કરીને જેલવાસ ભોગવી રહ્યા છે. લિસ્ટમાં ગુજરાતના પણ અનેક જાણીતા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને યુવરાજસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે. યુવરાજસિંહ જાડેજા તાજેતરમાં જ તોડકાંડ મામલે ત્રણ મહિના જેલવાસ ભોગવી આવ્યા છે અને હાલ જામીન પર બહાર છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસ અને AAPએ ગઠબંધન કરીને ઉમેદવાર જાહેર કર્યા છે. જે અંતર્ગત બે બેઠકો AAPને ફાળે આવી છે, જેમાં ભરૂચ લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. એ સિવાય બાકીની 24 લોકસભા બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે. ગુજરાતમાં AAPના સ્ટાર પ્રચારકો ખાસ કરીને ભરૂચ પર ફોકસ કરશે એવી સંભાવના છે, ભરૂચમાં જેલવાસ ભોગવી આવેલા વિવાદિત ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે.