વિપક્ષી પાર્ટીઓના બનેલા I.N.D.I ગઠબંધને પોતાની પહેલી સંયુક્ત રેલી મધ્ય પ્રદેશના ભોપાલમાં યોજવા માટેની ઘોષણા કરી હતી. પરંતુ હવે તે રદ કરી દેવામાં આવી છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કમલનાથે શનિવારે (16 સપ્ટેમ્બર, 2023)ના રોજ આ ઘોષણા કરી હતી. બીજી તરફ ભાજપે નિશાન સાધ્યું છે.
ત્રણ-ચાર દિવસ પહેલાં I.N.D.I ગઠબંધને ભોપાલમાં રેલી યોજવા માટેની ઘોષણા કરી હતી. જેને લઈને શનિવારે પત્રકારોએ કોંગ્રેસ નેતા કમલનાથને પ્રશ્ન કર્યો તો તેમણે જણાવ્યું હતું કે, રેલી યોજવા જઈ રહી નથી અને રદ થઈ ગઈ છે. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, રેલીને લઈને હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી અને નક્કી થયા બાદ જણાવવામાં આવશે.
ત્રણ દિવસ પહેલાં 13 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને I.N.D.I ગઠબંધનની કૉ-ઑર્ડિનેશન કમિટીની એક બેઠક મળી હતી, જેમાં કુલ 28 સભ્ય પાર્ટીઓ પૈકી 14ના પ્રતિનિધિઓને સમાવવામાં આવ્યા છે, જેમાંથી 12 બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ગઠબંધને ભોપાલમાં સંયુક્ત રીતે પહેલી રેલી યોજવાની જાહેરાત કરી હતી.
બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, સમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે પાર્ટીઓ દેશભરમાં વિવિધ સ્થળોએ સંયુક્ત રીતે સભાઓ યોજશે અને આ પ્રકારની પ્રથમ રેલી ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ભોપાલમાં યોજવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, આ રેલીમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, બેરોજગારી અને ચીજવસ્તુઓના વધતા ભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ જ વાત સંયુક્ત નિવેદનમાં પણ જણાવવામાં આવી હતી.
Joint statement of Coordination Committee of INDIA alliance pic.twitter.com/FjsdWq7fXB
— ANI (@ANI) September 13, 2023
જોકે, બે જ દિવસમાં આ રેલીનું સૂરસૂરિયું થઈ ગયું છે. હવે કોંગ્રેસે કહ્યું કે આ રેલી રદ કરી દેવામાં આવી છે. જોકે, કોંગ્રેસે કે I.N.D.I ગઠબંધનની અન્ય પાર્ટીઓએ કારણ જણાવ્યું નથી પરંતુ ભાજપે કહ્યું કે, સનાતન ધર્મને લઈને થતી બેફામ ટિપ્પણીઓથી જનતાની નારાજગી અને આક્રોશ જોઈને આ રેલી રદ કરી દેવામાં આવી છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, “સનાતન ધર્મ વિશેની ટિપ્પણીઓને લઈને જનતાના આક્રોશના કારણે આ રેલી રદ કરવી પડી છે. તેમણે કહ્યું, “લોકોમાં આક્રોશ છે. સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું અને ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે સરખાવવામાં આવ્યો. મધ્ય પ્રદેશની જનતા સનાતનનું અપમાન સાંખી લેશે નહીં. I.N.D.I ગઠબંધને સમજવું પડશે કે તેમણે લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે અને તે કોઇ પણ રીતે સહન કરી લેવામાં નહીં આવે. મધ્ય પ્રદેશના લોકો આક્રોશિત છે અને તેમને (ગઠબંધનને) લાગ્યું કે લોકો ગુસ્સો પ્રદર્શિત કરી શકે છે, જેથી તેમણે રેલી રદ કરી દીધી છે. લોકોનો આક્રોશ I.N.D.I ગઠબંધન અને કોંગ્રેસ પ્રત્યે છે. લોકો તેમને છોડશે નહીં.”
આ સાથે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, વિપક્ષના નેતૃત્વમાં કોઇ શક્તિ નથી. કોંગ્રેસમાં અસ્થિરતા છે અને તેઓ અંદરોઅંદર જ ખેંચતાણ કર્યા કરતા હોય છે.