કોલકાતા રેપ-મર્ડર કેસને (Kolkata Rape-Murder Case) લઈને પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. તેવામાં હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું (Mamata Banerjee) વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે ટીકાઓનો સામનો કરી રહેલાં મમતા બેનર્જીએ ભય ફેલાવવાના પ્રયાસરૂપે આપેલા નિવેદનમાં કહ્યું છે કે, જો બંગાળ અશાંત થશે તો તેનાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. તેમણે તૃણમૂલ કોંગ્રેસની (TMC) વિદ્યાર્થી પાંખના સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું.
બુધવારે (28 ઑગસ્ટ) પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “જો બંગાળ સળગ્યું તો દિલ્હી, આસામ, બિહાર, ઝારખંડ પણ સળગશે.” તેમણે વધુમાં કહ્યું કે, “કેટલાક લોકો વિચારી રહ્યા છે કે, આ બાંગ્લાદેશ છે. તો તેઓ યાદ રાખે કે, હું બાંગ્લાદેશને પ્રેમ કરું છું, તેઓ અમારી જેમ જ બોલે છે અને તેમની સંસ્કૃતિ પણ અમારી જેવી જ છે. પરંતુ યાદ રહે, બાંગ્લાદેશ એક અલગ રાષ્ટ્ર છે અને ભારત એક અલગ રાષ્ટ્ર છે.” વિરોધ પ્રદર્શનનો સામનો કરી રહેલા બેનર્જીએ સીધા વડાપ્રધાન પર જ આરોપો લગાવી દીધા હતા.
Kolkata: CM Mamata Banerjee says, "Remember if Bengal is burned, then Assam, Bihar, Jharkhand, Odisha, and Delhi will also be burned" pic.twitter.com/zwg8ZOnR9p
— IANS (@ians_india) August 28, 2024
તેમણે વડાપ્રધાન પર આરોપ લગાવીને ધમકી આપતાં કહ્યું કે, “મિસ્ટર મોદી, તમે અહીં આગ લગાવવા માટે તમારી પાર્ટીનો ઉપયોગ કરી રહ્યા છો. યાદ રાખજો, જો બંગાળ સળગ્યું તો, આસામ, પૂર્વોત્તર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી પણ સળગશે. અમે તમારી ખુરશી હલાવી દઈશું.” આ ઉપરાંત તેમણે ભાજપ પર ઠીકરું ફોડવાના પ્રયાસ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, બંગાળને બદનામ કરવા માટે ભાજપ ષડયંત્ર રચી રહી છે. ઉપરાંત તેમણે વિદ્યાર્થી પ્રદર્શનમાં પણ ભાજપનો હાથ હોવાનું કહી દીધું હતું.
વિદ્યાર્થીઓના નબન્ના પ્રદર્શન પર બંગાળ પોલીસે કર્યું હતું દમન
નોંધનીય છે કે, કોલકાતામાં મહિલા ડૉક્ટરના રેપ-મર્ડર કેસને લઈને આખા પશ્ચિમ બંગાળની સ્થિતિ તણાવપૂર્ણ છે. આખા દેશમાં ડૉક્ટરોની હડતાલો પણ થઈ હતી. ત્યારબાદ હવે બંગાળના વિદ્યાર્થીઓએ ‘નબન્ના પ્રદર્શન’નું એલાન કરીને મમતા બેનર્જીના રાજીનામાંની માંગણી કરી હતી. આ સાથે જ હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને ડામવા માટે બંગાળ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં ભાજપે પણ બંગાળ બંધની ઘોષણા કરી હતી. જે બાદ મમતા બેનર્જીએ આવા આરોપો લગાવીને બંગાળ બંધનો વિરોધ કર્યો હતો.