એક તરફ કોંગ્રેસ (Congress) નેતાઓ દેશની આર્થિક બાબતોને લઈને કેન્દ્ર સરકારને સવાલો કરતા રહે છે, પણ બીજી તરફ સમાચાર છે કે કોંગ્રેસની જ સરકાર હેઠળનું રાજ્ય હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) હાલ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે હિમાચલ પ્રદેશની કેબિનેટે 2 મહિના માટે પગાર ન લેવાનો નિર્ણય કર્યો હતો છે. આ નિર્ણય અંગે સ્વયં મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુએ (Sukhwinder Singh Sukhu) વિધાનસભામાં જાહેરાત કરી હતી. એટલું જ નહીં, તેમણે ધારાસભ્યોને પણ પગાર છોડવા માટે કહ્યું છે. બીજી તરફ, ભાજપે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું છે કે આ જ તેમનું ‘ખટાખટ’ મોડેલ છે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુએ 29 ઑગસ્ટના (ગુરુવાર) રોજ આ અંગે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, હિમાચલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હોવાથી રાજ્યના તમામ મંત્રીઓ, મુખ્ય સંસદીય સચિવો (CPS) અને કેબિનેટ-રેન્કના સભ્યો પગાર લેશે નહીં. CMએ કહ્યું હતું કે, “કેબિનેટમાં ચર્ચા કર્યા પછી તમામ સભ્યોએ નિર્ણય લીધો કે આવનારા સમયમાં જ્યાં સુધી રાજ્યમાં સુધારો જોવા નહીં મળે ત્યાં સુધી અમે 2 મહિના સુધી પગાર અને TA-DA લઈશું નહીં.” આ સિવાય સુક્ખુએ રાજ્યના ધારાસભ્યોને પણ રાજ્યની સ્થિતિ ન સુધરે ત્યાં સુધી પગાર ન લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, “આ નાની રકમ છે, પણ પ્રતીકાત્મક છે. આ સિવાય હું ધારાસભ્યોને પણ વિનંતી કરીશ કે તેઓ આમાં સહયોગ આપે.”
#WATCH | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu says, "After discussing in the cabinet, all the members of the cabinet decided that until the state sees good improvement in the coming times, we will not take any salary, nor TA, nor DA for 2 months… This is just a small… pic.twitter.com/zMpw7hQRtF
— ANI (@ANI) August 29, 2024
ભાજપે કર્યું વિધાનસભામાંથી વૉકઆઉટ, કહ્યું- આ કાયમી ઉકેલ નથી
મુખ્યમંત્રી સુખુની આ જાહેરાત બાદ ભુતપૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરની આગેવાની હેઠળ ભાજપના નેતાઓએ વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું હતું. ઉપરાંત જયરામ ઠાકુરે કહ્યું હતું કે, “મને મળેલી માહિતી અનુસાર રાજ્યમાં આર્થિક સંકટ હોવાના કારણે તેઓ બે મહિના સુધી પગાર લેશે નહીં. પરંતુ તેમણે મુખ્ય સંસદીય સચિવો બનાવ્યા છે, જે બંધારણ અનુસાર ન બનાવી શકાય. ઘણા લોકોને કેબિનેટ અને અધ્યક્ષના દરજ્જાની બધી જ સુવિધાઓ આપવામાં આવી છે. મને ચોક્કસપણે લાગે છે કે તેમની પાસે સમસ્યાઓનો ઉકેલ નથી અને ધારાસભ્યોને પગાર છોડવાની વિનંતી કરી રહ્યા છે.”
ભાજપ પ્રવકતાએ કહ્યું- આ જ રાહુલનું ‘ખટાખટ મોડેલ’
આ સિવાય ભાજપ પ્રવકતા પ્રદીપ ભંડારીએ પણ આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઘેર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “હિમાચલ પ્રદેશમાં એવી સ્થિતિ છે કે મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, ધારાસભ્યોને વેતન આપવાના પૈસા નથી. આ દર્શાવે છે કે ‘રાહુલ ગાંધીના ખટાખટ મોડેલ’ના કારણે રાજ્યની આર્થિક સ્થિતિ ભયંકર બની છે. રાહુલ ગાંધીની આર્થિક વિચારસરણી અને ગેરેન્ટી મોડેલ અહીં દેખાઈ આવે છે.” વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ રેવડી કલ્ચર અંગે દેશને ચેતવણી આપી રહ્યા હતા. જેમાં વોટ માટે, ચૂંટણી જીતવા માટે લોકો સમક્ષ લોભામણી જાહેરાત કરવામાં આવે છે, પરંતુ તેનો જમીનીસ્તર પર અમલ થઈ શકતો નથી.”
#WATCH | On Himachal CM Sukhu's statement, BJP spokesperson Pradeep Bhandari says, "The situation in Himachal Pradesh is such that the Chief Minister does not have money to pay his own salary, there is no money to pay the Chief Secretary, there is no money to pay the MLAs. This… https://t.co/2X4XUMzhtz pic.twitter.com/pBJ6Eg5rvq
— ANI (@ANI) August 29, 2024
તેમણે કર્ણાટકનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે “કર્ણાટકમાં પણ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યાં પણ રોજિંદા જીવન જરૂરિયાતોની ચીજ વસ્તુઓની કિંમતો વધી છે, પછી તે દૂધ હોય કે પાણી.” વધુમાં તેમણે રાહુલ ગાંધી માટે કહ્યું હતું કે, “રાહુલ ગાંધીએ દેશની જનતાની માફી માંગવી જોઈએ કારણ કે, તેમણે આપેલા તમામ વાયદાઓ આજે ખોટા સાબિત થયા છે. કોંગ્રેસ પાર્ટી જે દેશના 1 કરોડ યુવાઓને રોજગારી આપવાની વાત કરે છે, તે પહેલાં પોતાના મુખ્યમંત્રીનું વેતન ચૂકવે.”