લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પહોંચી છે. યાત્રાના ત્રીજા દિવસે (9 માર્ચ) રાહુલ ગાંધી યાત્રા લઈને ભરૂચ પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમને આવકારવા માટે પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓથી થોડાઘણા પ્રમાણમાં આવ્યા પરંતુ સમગ્ર યાત્રા દરમિયાન કોંગ્રેસના મરહૂમ નેતા અહેમદ પટેલનાં સંતાનો ગેરહાજર રહ્યાં. ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ બંને યાત્રામાં જોવા મળ્યાં ન હતાં. તાજેતરમાં જ બંનેએ ભરૂચ બેઠક પર AAP સાથે ગઠબંધનને લઇને નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે તેમની ગેરહાજરી ઘણું સૂચવે છે.
ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પંક્તિઓ પોસ્ટ કરીને નારાજગીના સંકેત આપ્યા હતા. તેમણે રાહુલ ગાંધીને ટેગ કરીને પંક્તિઓ લખી કે, “ખો કર પાને કા મજા હી કુછ ઔર હૈ, રો કર મુસ્કુરાને કા મજા હી કુછ ઔર હૈ, હાર તો જિંદગી કા હિસ્સા હૈ મેરે દોસ્ત, હારને કે બાદ જીતને કા મજા હી કુછ ઔર હૈ.”
Khokar paane ka maja hi kuch aur hai,
— Faisal Ahmed Patel (@mfaisalpatel) March 9, 2024
Roo-kar muskurane ka maja hi kuch aur hai,
Haar to zindagi ka hissa hai mere dost,
Harne ke baad jitne ka maja hi kuch aur hai.@INCIndia @RahulGandhi
જોકે, મુમતાઝ પટેલે X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને સમર્થન આપ્યું હતું. તેમણે રાહુલ ગાંધીના ભાષણની પ્રશંસા કરી હતી અને કોંગ્રેસને આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતીઓના અધિકારો માટે લડનારી પાર્ટી ગણાવી હતી. તેમણે રાહુલ ગાંધીનું સમર્થન પણ કર્યું છે. પરંતુ ન્યાય યાત્રામાં સામેલ ના થવા પર હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે.
‘ચાલે ચાલે કોંગ્રેસ જ ચાલે’ Electrifying speech by @RahulGandhi in Bharuch. Congress stands as the only beacon for the rights of Adivasis,OBCs, minorities.We will fight on the streets & roots of villages championing Rahul Gandhi's visionary ideology. @INCIndia #bharuchkibeti pic.twitter.com/FTuXaxFFib
— Mumtaz Patel (@mumtazpatels) March 9, 2024
હકીકતમાં ગુજરાતની લોકસભા બેઠકોને લઈને AAP અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. જેને લઈને ભરૂચ અને ભાવનગર એમ બે લોકસભા સીટો AAPને ફાળે જાય છે. જ્યારે બાકીની 24 લોકસભા બેઠકો કોંગ્રેસને મળી છે.. AAP દ્વારા ભરૂચ બેઠક પર ડેડિયાપાડાના વિવાદિત ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ સોનિયા ગાંધીના વિશ્વાસુ મરહૂમ અહેમદ પટેલના સંતાનો ફૈઝલ પટેલ અને મુતાઝ પટેલે પણ ભરૂચ બેઠક પર દાવો કર્યો હતો. જોકે, ગઠબંધનની શરતો આગળ તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકી નહીં.
કોંગ્રેસ-AAPના ગઠબંધન બાદ ભરૂચ લોકસભા બેઠક પર AAPના ચૈતર વસાવાના નામની જાહેરાત બાદથી જ આખો વિવાદ ઊભો થયો છે. જેનાથી અહેમદ પટેલના બંને સંતાનો નારાજ થયાં હતાં. ચૈતર વસાવાની જાહેરાત બાદ મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓની માફી માંગી હતી. તેમને જણાવ્યું હતું કે, આપણે અહેમદ પટેલના 45 વર્ષના વારસાને નિષ્ફળ જવા દેવાનો નથી.
બીજી તરફ ફૈઝલ પટેલે પણ કોંગ્રેસના આ નિર્ણય પર નારાજગી દર્શાવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, INDI ગઠબંધન હેઠળ કોંગ્રેસ દ્વારા ભરૂચ બેઠક છોડવાના નિર્ણયથી સ્થાનિક કાર્યકરો ખુશ નથી. સાથે તેમણે તો એવું પણ કહી દીધું હતું કે, જો કાર્યકરો કહેશે તો તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર પણ નહીં કરે. જ્યારે કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ પણ હાઈકમાન્ડના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને અહેમદ પટેલના સંતાનોના પક્ષે છે.
તેવામાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ભરૂચ પહોંચી હતી અને તેમાં પણ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલનું હાજર ન રહેવું એક ચર્ચાનો વિષય બન્યો છે. એવી રાજકીય અટકળો વહેતી થઈ છે કે, બંને નેતાઓ હજુ પણ કોંગ્રેસથી નારાજ છે.