કોંગ્રેસ પાર્ટી આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં યોજાનારા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી અને સાંસદ સોનિયા ગાંધીને મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસે બુધવારે (10 જાન્યુઆરી, 2024) અધિકારીક રીતે જાહેરાત કરતાં કહ્યું કે તેઓ આ નિમંત્રણનો અસ્વીકાર કરે છે.
કોંગ્રેસે આધિકારિક નિવેદનમાં જણાવ્યું કે, ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પાર્લામેન્ટ્રી પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીને 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના ઉદઘાટન પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ મળ્યું હતું.
Here is the statement of Shri @Jairam_Ramesh, General Secretary (Communications), Indian National Congress. pic.twitter.com/JcKIEk3afy
— Congress (@INCIndia) January 10, 2024
પાર્ટીએ આગળ જણાવ્યું કે, “દેશના લાખો લોકો ભગવાન રામને પૂજે છે. ધર્મ એક વ્યક્તિગત બાબત છે, પરંતુ RSS/BJPએ અયોધ્યાના મંદિરને એક રાજકીય પ્રવૃત્તિ બનાવી દીધું હતું. ભાજપ અને RSS દ્વારા આ અધૂરા મંદિરનું ઉદ્ઘાટન પણ સ્વાભાવિક રીતે ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે જ કરવામાં આવ્યું છે. આગળ કહેવામાં આવ્યું કે, 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદર કરીને ભગવાન રામની આરાધના કરતા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરતાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ સન્માનપૂર્વક નિમંત્રણ અસ્વીકાર કર્યું છે, કારણ કે આ RSS/BJPનો કાર્યક્રમ છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2023માં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત ચર્ચા ચાલતી રહી કે આખરે કોંગ્રેસ નેતાઓ શું નિર્ણય લેશે. અંતે પાર્ટીએ કાર્યક્રમમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.
બીજી તરફ, વિશ્વભરના હિંદુઓમાં આ ઐતિહાસિક અવસરને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામેગામ પૂજિત અક્ષત સાથે નિમંત્રણ પહોંચી રહ્યું છે તો બીજી તરફ લોકો 22 જાન્યુઆરીએ દિવાળી ઉજવવા માટેની તૈયારી કરી રહ્યા છે. અયોધ્યામાં પણ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને એક ભવ્ય અને દિવ્ય ઉત્સવ ઉજવવાનું આયોજન છે. કાર્યક્રમ માટે દેશની અનેક મોટી હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે, જેઓ 22 જાન્યુઆરીએ આ પ્રસંગના સાક્ષી બનશે અને પ્રભુ શ્રીરામને પાંચસો વર્ષો બાદ ભવ્ય મંદિરમાં બિરાજમાન થતા નિહાળશે.