લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી દળોને એક કરવા માટે રચાયેલું ગઠબંધન I.N.D.I.A મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દિલ્હીની તમામ 7 બેઠકો પર લડવાની તૈયારી કરી રહી છે. આ અંગે કોંગ્રેસ નેતા અલકા લાંબાએ પાર્ટી હાઈકમાન્ડની બેઠક બાદ માહિતી આપી હતી. AAP વિષે પણ ટિપ્પણી કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં અલકા લાંબાએ કહ્યું કે, “ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને દિપક બાબરીયા હાજર રહ્યા હતા. અમને આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે. અમે આ તમામ સાત બેઠકો પર ચૂંટણી લડીશું તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીને 7 મહિના બાકી છે ત્યારે પાર્ટીના તમામ કાર્યકરોને દિલ્હીની સાતેય બેઠકો માટે તૈયારી શરુ કરવા માટે કહેવામાં આવ્યું છે.”
#WATCH | Congress leader Alka Lamba says "In the three-hour long meeting, Rahul Gandhi, Kharge ji, KC Venugopal and Deepak Babaria ji were present. We have been asked to prepare for the upcoming Lok Sabha elections. It has been decided that we will contest on all 7 seats. Seven… pic.twitter.com/TKaHAIl2yW
— ANI (@ANI) August 16, 2023
‘AAPના 2 મોટા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં, CMનું પણ કાંઈ નક્કી નહીં’- કોંગ્રેસ
અલકા લાંબાએ ઉમેર્યું હતું કે, “આંદોલનની શરૂઆતથી લઈને અંત સુધી કેજરીવાલ કોંગ્રેસની જ નિંદા કરતા રહ્યા. અમારો જ મત આમ આદમી પાર્ટીની તરફ ગયો છે. આમ આદમી પાર્ટીના 2 મોટા નેતાઓ હાલ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે. મુખ્યમંત્રી (કેજરીવાલ) પણ સાણસામાં આવી શકે છે. આ બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.”
લાંબાએ ઉમેર્યું હતું કે, “લોકસભા ચૂંટણીની તૈયારી બાબતે દિલ્હી પહેલા 18 રાજ્યોની બેઠક થઇ ચુકી છે. દિલ્હી 19મું રાજ્ય હતું જેની ચર્ચા કરવામાં આવી છે. આદેશ થયો છે કે, દિલ્હીની સાતેય બેઠકો પર મજબૂત સંગઠન સાથે દરેક નેતાઓએ આજથી અને અત્યારથી જ કામમાં લાગવાનું છે.”
‘પાર્ટીના ટોચના નેતાઓ લેશે નિર્ણય’- આપનેતા સૌરભ ભારદ્વાજ
કોંગેસના આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, પાર્ટીના ટોચના નેતાઓ આ અંગે નિર્ણય લેશે. પાર્ટીની રાજકીય સમિતિ I.N.D.I.A ગઠબંધન સાથે બેઠક કરી આ અંગે ચર્ચા કરશે.
નોંધનીય છે કે, શાસક પક્ષ ભાજપના વિરુદ્ધમાં વિપક્ષી દળોને એક કરવા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, જેડીયુ, આરજેડી સહિત અનેક વિપક્ષી દળોએ I.N.D.I.A ગઠબંધનની રચના કરી હતી. જો કે, ગઠબંધનમાં સામેલ અમુક દળોના વલણ નજરે પડતાં પક્ષોમાં એકતા કરતાં મહાગઠબંધનમાં ભાગલા થવાની શક્યતા વધુ જોવા મળી રહી છે.