કોલકાતાની RG કર હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. ડોક્ટરના સાથીદારો તથા દેશભરના તબીબો અને સામાન્ય લોકો આ ઘટનાનો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા હતા. બીજી તરફ, કેસને લઈને હોસ્પિટલ પ્રશાસન અને મમતા બેનર્જી સરકારની પોલીસ પર પણ ગંભીર સવાલો સર્જાયા હતા. પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જી ક્યારેક પ્રદર્શનોમાં સામેલ થતાં જોવા મળ્યાં તો ક્યારેક વડાપ્રધાનને પત્ર લખીને રેપ અને છેડતી જેવા મહિલા વિરોધી ગુનાઓમાં કડક કાયદાઓ બનાવવાની માંગ કરતાં નજરે પડ્યાં. જ્યારે હકીકતે આવા કડક કાયદાઓ પહેલેથી અમલમાં છે જે અને રાજ્ય સરકારોએ તેને માત્ર અમલ કરવાની જરૂર છે. બીજું, કાયદો અને વ્યવસ્થા તો સંપૂર્ણપણે રાજ્યોનો વિષય છે. આ બધી ચર્ચાઓ વચ્ચે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મમતા બેનર્જીને મહિલા સુરક્ષા મામલે આડેહાથ લીધાં હતાં અને ઉદાહરણો સાથે જવાબ આપ્યો હતો.
9 ઑગસ્ટે 31 વર્ષીય ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના ઘટી હતી. આ ઘટના બાદ લોકો વિરોધ કરી મમતા સરકાર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા હતા. બીજી તરફ મમતા બેનર્જીએ કેસની તપાસ કરતી એજન્સી CBI સામે જ મોરચો માંડી દીધો હતો અને તાત્કાલિક કેસનો નિકાલ લાવવા માટે અલ્ટીમેટમ આપી દીધું હતું. તેઓ રેલીમાં પણ સામેલ થયાં હતાં. જ્યારે હકીકત જોઈએ તો કલકત્તા હાઈકોર્ટે બંગાળ પોલીસની બેદરકારી જોઈને જ તપાસ એજન્સીને સોંપી હતી. છતાં મમતા પોલીસ પર લાલ આંખ કરવાના સ્થાને અન્ય પ્રવૃતિઓમાં જ વ્યસ્ત રહ્યાં. લોકોએ એવા પ્રશ્ન પણ કર્યા કે કોઇ રાજ્યમાં આવી ઘટના બને અને મુખ્યમંત્રી જ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરે એવું કઈ રીતે બની શકે? પણ બંગાળમાં બન્યું હતું.
નોંધવા જેવી વાત એ પણ છે કે મમતા બેનર્જી જ રાજ્યનાં ગૃહ મંત્રી પણ છે અને સ્વાસ્થ્ય મંત્રાલય પણ તેમની જ પાસે છે. તેમ છતાં તેમણે રેલીઓ કરતાં લોકોએ એમ પણ કહ્યું હતું કે, મમતા બેનર્જી જ મમતા બેનર્જી પાસે ન્યાય માંગવા પ્રદર્શનો કરી રહ્યાં છે.
Mamata Banerjee's protest against Mamata Banerjee. pic.twitter.com/SZWhhkUrXM
— AKTK (@AKTKbasics) August 16, 2024
મમતા આટલેથી ન અટક્યાં. જેમજેમ તેમની ઉપર આ કેસમાં દબાણ વધતું ગયું તેમ તેઓ નવા-નવા રસ્તા શોધતા જ રહ્યાં. થોડા દિવસો બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો પણ લખ્યા હતા. પહેલો પત્ર તેમણે 22 ઑગસ્ટે લખ્યો હતો, અને તે પત્રનો PMOમાંથી જવાબ ન આવ્યો હોવાનું કહીને 7 દિવસ બાદ બીજો પત્ર લખ્યો હતો. જેમાં તેમણે POCSO કોર્ટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપીને ઝડપી ન્યાયની વ્યવસ્થા કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, આવા કેસો માટે ઝડપી ન્યાય મળે તે માટે કડક કાયદાઓ હોવા જોઈએ. પછીથી કેન્દ્ર સરકારે તેમને વળતો પત્ર લખીને સમજાવ્યું કે કાયદાઓ પહેલેથી છે જ, માત્ર જરૂર છે કે તેમની સરકાર તેનો અમલ કરે છે જ્યાં સુધી વાત ફાસ્ટટ્રેક કોર્ટની હતી તો કેન્દ્રનું કહેવું છે કે મમતા બેનર્જીના રાજ્યમાં 11 એડિશનલ પોક્સો કોર્ટ હોવી જોઈએ, જે શરૂ કરવામાં આવી નથી.
CM પટેલે X પોસ્ટ કરીને આપ્યાં ઉદાહરણો
એક તરફ RG કર હોસ્પિટલ કેસને લઈને મમતા બેનર્જી પર સવાલો સર્જાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની ઉપર વાકપ્રહારો કર્યા. તેમણે ઉદાહરણો આપીને શિખામણ આપી કે કઈ રીતે બોલ્યા વગર અને હોહા કર્યા વગર મહિલા સુરક્ષા માટે કામ કરાય અને જે કાયદાઓ છે જ, જે કાયદાઓ પહેલેથી જ સરકારે બનાવ્યા છે, તેનો ઉપયોગ કરીને ગુનેગારોને સજા સુધી પહોંચાડી શકાય. તેમની આ પોસ્ટ હમણાં ખાસ્સી વાયરલ થઈ રહી છે.
CM ભૂપેન્દ્ર પટેલે X પર એક પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “મમતા દીદી, આપણને માત્ર શબ્દોની નહીં પણ કામ કરવાની પણ જરૂર છે. POCSO એક્ટ અને મહિલા સુરક્ષા માટેના અન્ય કાયદા મજબૂત છે, પરંતુ સ્થાનિક પોલીસ કેટલી ઝડપી અને ન્યાયોચિત કાર્યવાહી કરે તેની ઉપર આધારિત છે કે તેની કેટલી અસર થાય. તપાસથી લઈને આરોપી ગુનેગાર ઠેરવાય ત્યાં સુધી, સમયસર ન્યાય મળવો એ અતિમહત્વપૂર્ણ છે.”
મુખ્યમંત્રીએ સુરતના પાંડેસરામાં સગીરા સાથે બનેલા પોક્સો કેસનો હવાલો આપતાં લખ્યું હતું કે, “10 દિવસમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી અને 22 દિવસમાં આરોપીને ફાંસીની સજા પણ સંભળાવી દેવામાં આવી. તેમણે વધુમાં પુના અને ભાવનગરના કેસનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે, પુનામાં 32 દિવસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી અને ભાવનગર પોક્સો કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ રજૂ કરીને 52 દિવસમાં ન્યાય મળ્યો હતો.”
Mamta Didi, we need actions, not just words.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 6, 2024
The POCSO Act and other laws for women's safety are robust, but their impact depends on swift and fair action by local police. From investigation to conviction, timely justice is crucial.
Consider these cases:
Surat's Pandesara…
તેમણે બળાત્કાર સિવાયના કેસમાં પણ ઝડપથી મળેલા ન્યાયના કેસને ટાંકતાં લખ્યું હતું કે, “માત્ર બળાત્કારના કેસમાં જ નહીં, પરંતુ 22 વર્ષની પુત્રીની હત્યાના કેસમાં પણ ગુજરાત પોલીસે 9 દિવસમાં ચાર્જશીટ દાખલ કરીને હત્યારાને 75 દિવસમાં ફાંસીની સજા સાથે ન્યાય અપાવ્યો.” આ સિવાય તેમણે સ્ટોકિંગ અને જાતીય સતામણીના કેસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં ગુનેગારોને 5 વર્ષની અંદર સજા થઈ ગઈ હોય.
આ ઉદાહરણો આપીને CM પટેલ લખે છે કે, “મહિલાઓની સુરક્ષા એ રાજકીય મુદ્દો નથી પણ મૂળભૂત માનવ અધિકાર છે. આપણે અત્યાવશ્યક્ત, પારદર્શિતા અને સામૂહિક જવાબદારી સાથે કામ કરવું પડે છે. એ સુનિશ્ચિત કરીએ કે આપણી માતાઓ, પુત્રીઓ અને બહેનો ભય વિના જીવે. ના કોઈ વધુ વિલંબ, ના કોઈ વધુ બહાનાં નહીં- માત્ર તાત્કાલિક અસરથી લેવામાં આવતાં પગલાં અને જવાબદારી.”