ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના નેતા ચંપાઈ સોરેન ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોવાની અટકળો દાવાનળની પેઠે ચાલી રહી છે. એક તરફ શનિવારે (17 ઑગસ્ટ, 2024) કોલકાતા ખાતે તેમણે ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક કરી હોવાના દાવાથી રાજકારણ ગરમાયું તો હતું જ, તો બીજી તરફ તેઓ અચાનક તેઓ દિલ્હી પહોંચી જતાં અટકળોની આગમાં ઘી હોમાયું છે. દાવો તેવો પણ છે કે તેમની સાથે JMMના કેટલાક ધારાસભ્યો પણ દિલ્હી આવ્યા છે. જોકે હજુ સુધી સોરેને આ મામલે કોઈ સ્પષ્ટતા નથી કરી અને કહ્યું છે કે તેઓ અંગત કામ માટે દિલ્હી આવ્યા છે અને હાલ જ્યાં છે ત્યાં જ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે બપોરે 1 વાગ્યા આસપાસ ચંપાઈ સોરેન દિલ્હી પહોંચ્યા હતા. તેમને જોતાં જ મીડિયાએ ઘેરી લીધા. મીડિયાએ તેમને ભાજપમાં જોડાવા અંગે અને અચાનક કોલકાતા અને દિલ્હીના પ્રવાસ અંગે પ્રશ્ન કર્યા હતા. જોકે તેમણે આ એક પણ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર નહોતો આપ્યો. તેમણે મીડિયાને કહ્યું હતું કે દિલ્હીમાં તેમનાં સંતાનો રહે છે અને આથી તેઓ અહીં આવ્યા છે.
મીડિયાએ તેમને ભાજપમાં જોડાવા અંગે પૂછતાં સવાલનો સીધો જવાબ આપવાની જગ્યાએ કહ્યું હતું કે તેઓ જ્યાં હતા, હાલ ત્યાં જ (ઝારખંડ મુક્તિ મોરચામાં) છે. જોકે તેમણે આ અટકળો કે દાવાનું ખંડન પણ નથી કર્યું અને મીડિયાના સવાલ પર તેમના ચહેરા પર સ્મિત નવાજૂની તરફ ઈશારા કરી રહ્યું હતું. અહેવાલોમાં જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેનના ઝારખંડના સરાયકેલા-ખરસવાં જિલ્લાના જિલિંગગોડા સ્થિત તેમના ઘર પરથી તેમની પાર્ટી JMMનો ઝંડો પણ ઉતારી લેવામાં આવ્યો છે.
#WATCH | Delhi: When asked if he met West Bengal LoP Suvendu Adhikari in Kolkata, former Jharkhand CM and JMM leader Champai Soren says, "I have not met anyone. I have come here for personal work…" pic.twitter.com/c2mg33FvLi
— ANI (@ANI) August 18, 2024
મીડિયાની વાતનું ખંડન કર્યા વગર તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના અંગત કામથી દિલ્હી આવ્યા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ આગામી 2થી 3 દિવસ દિલ્હીમાં જ રહેશે. બની શકે કે આ દરમિયાન તેઓ ભાજપ નેતૃત્વના કેટલાક મોટા નેતાઓની મુલાકાત કરે. કહેવામાં તેમ પણ આવી રહ્યું છે કે તેમની સાથે JMMના કેટલાક ધારાસભ્યો પણ દિલ્હી પહોંચ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર પાર્ટી કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ સંપર્ક સ્થાપિત થઈ રહ્યો નથી. ઑપઇન્ડિયાએ ચંપાઈ સોરેનનો પણ સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમનો ફોન સ્વિચ ઑફ આવી રહ્યો છે.
નોંધવું જોઈએ કે જાન્યુઆરી અંતમાં હેમંત સોરેનની ED દ્વારા ધરપકડ બાદ જેલ થઈ હતી, જેના કારણે તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ચંપાઈ સોરેનને CM બનાવવામાં આવ્યા હતા. જોકે EDના કેસમાં જામીન મળ્યા બાદ જેવા હેમંત બહાર આવ્યા કે પોતે ફરી મુખ્યમંત્રીની ખુરસી પર બેસી ગયા. જેના કારણે ચંપાઈ સોરેને રાજીનામું આપવું પડ્યું હતું. આ વાતને લઈને તેઓ નારાજ હોય તેવી સંભાવનાઓ નકારી શકાય નહીં. જોકે, આ તમામ અનુમાનો છે. વધુ ચિત્ર તો થોડા દિવસમાં સ્પષ્ટ થશે.