Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણકૅશ ફોર ક્વેરી કેસ: મહુઆ મોઈત્રાએ સ્વીકાર્યું- ઉદ્યોગપતિ હિરાનંદાનીને આપ્યાં હતાં સંસદના...

    કૅશ ફોર ક્વેરી કેસ: મહુઆ મોઈત્રાએ સ્વીકાર્યું- ઉદ્યોગપતિ હિરાનંદાનીને આપ્યાં હતાં સંસદના લૉગિન આઇડી અને પાસવર્ડ, પણ પૈસા લેવાના આરોપો નકાર્યા

    વિદેશોમાંથી આઇડી ઓપરેટ થવાને લઈને મહુઆએ કારણ આપ્યું કે NIC લૉગિન માટે કોઈ નિયમ નથી. મેં પોતે સ્વિટ્ઝર્લેન્ડથી લૉગિન કર્યું હતું. મારી બહેનની દીકરી કેમ્બ્રિજમાં ભણે છે, તેની પાસે પણ મેં પ્રશ્નો પોસ્ટ કરાવ્યા છે.

    - Advertisement -

    ‘કૅશ ફોર ક્વેરી’ કૌભાંડમાં સપડાયેલાં TMC સાંસદ મહુઆ મોઈત્રાએ હવે સ્વીકાર્યું છે કે તેમણે સંસદ લૉગિન આઇડી અને પાસવર્ડ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીને આપ્યાં હતાં. જોકે, તેમની પાસેથી કોઇ પૈસા લેવાનો ઇનકાર કર્યો છે. તાજેતરમાં તેમણે ઇન્ડિયા ટુડેને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં આ વાતો કહી હતી. 

    ઉલ્લેખનીય છે કે મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ પાસેથી પૈસા અને મોંઘી ભેટો લઈને સંસદમાં અદાણી જૂથને ટાર્ગેટ કરતા પ્રશ્નો પૂછવાનો આરોપ છે. જેને લઈને લોકસભા સ્પીકરને ફરિયાદ થયા બાદ મામલો સંસદની એથિક્સ સમિતિ પાસે પહોંચ્યો હતો, જે હાલ તપાસ કરી રહી છે. આ મામલે સમિતિએ મોઈત્રાને હાજર થવા માટે 31 ઓક્ટોબરની તારીખ પણ આપી હતી, પણ તેમણે પોતે હાજર ન રહી શકે તેમ જણાવીને નવી તારીખ માંગી છે. 

    ઈન્ટવ્યુમાં મહુઆ મોઈત્રાએ પોતાને જ ક્લીનચિટ આપતાં કહ્યું કે, “સંસદસભ્યો બે રીતે પ્રશ્નો પૂછી શકે છે. કાં તો હાથથી લખીને, હસ્તાક્ષર કરીને આપી શકાય છે અથવા 2019થી લાગુ થયેલી નવી સિસ્ટમ પ્રમાણે ઓનલાઈન પણ પ્રશ્નો પોસ્ટ કરી શકાય છે. જો મારે કોઇના વતી પ્રશ્નો પૂછવાના હોય તો હું પ્રશ્નો લખીને, હસ્તાક્ષર કરીને આપી દઈશ. તમારા માટે પ્રશ્નો પોસ્ટ કરવા માટે કોઈને લૉગિન આઇડી-પાસવર્ડ આપવાનો કોઈ અર્થ નથી.” 

    - Advertisement -

    કહ્યું- સાંસદો પોતે પ્રશ્ન પૂછતા નથી, NIC લૉગિનને લઈને કોઇ નિયમ નહીં

    તેમણે જણાવ્યું કે કઈ રીતે તેઓ NIC લૉગિન પર કામ કરે છે. તેમણે કહ્યું, “કોઇ પણ સાંસદ જાતે પ્રશ્નો પોસ્ટ કરતા નથી. NIC લૉગિનને એવી રીતે પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે જાણે કે તેનો ઉપયોગ RBIની તિજોરી સુધી પહોંચવા માટે કરી શકાતો હોય કે પછી બજેટ રજૂ થાય તે પહેલાં જ તેનું એક્સેસ મેળવી શકાતું હોય. વાસ્તવમાં તે માત્ર પ્રશ્ન પૂછવામાં મદદ કરે છે અને મોબાઈલ પર એક OTP મોકલે છે.” તેઓ આગળ કહે છે કે, “સાંસદો પોતાના પ્રશ્નો જાતે મૂકતા નથી. તેમના PA, ઈન્ટર્ન, PRS જેવા લોકો પ્રશ્નો ટાઇપ કરે છે અને પોસ્ટ કરે છે. ઘણા સાંસદો તો જાણતા પણ નથી હોતા કે પ્રશ્નો કયા છે. કોઇ MP પાસે તેમના લૉગિન-પાસવર્ડ હોતા નથી. તેમની ટીમ પાસે હોય છે.” તેમણે એવો પણ દાવો કર્યો કે NIC લૉગિન માટે કોઈ નિયમો નથી.

    મહુઆ મોઈત્રાએ દાવો કર્યો કે તેઓ દર્શન હિરાનંદાનીની મદદ એટલા માટે માંગતા હતા જેથી પ્રશ્નો પોસ્ટ કરવામાં તેમને મદદ મળી રહે. તેમણે કહ્યું, “મેં દર્શનને કહ્યું હતું કે તેમની ઑફિસમાંથી કોઇ પાસે મારા પ્રશ્નો ટાઇપ કરાવે. મારી પાસે એ મોબાઈલ નંબર રહે છે જેની ઉપર OTP આવે છે. જેથી કોઇ બીજું મારા પ્રશ્નો પોસ્ટ કરતું હતું તે બાબત હાસ્યાસ્પદ છે કારણ કે મારો મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે. હું દરેક પ્રશ્ન પોસ્ટ કરતાં પહેલાં વાંચું છું.”

    તેમણે ઉમેર્યું કે, “મેં મારાં આઇડી-પાસવર્ડ દર્શન હિરાનંદાનીને આપ્યાં હતાં અને કહ્યું હતું કે, જ્યારે પણ મારે પ્રશ્ન પૂછવાના હોય ત્યારે તેઓ તેમની ઑફિસમાંથી કોઇ પાસે ટાઇપ કરાવીને પોસ્ટ કરી દે. મેં આપેલા પ્રશ્નો તેમની ઑફિસમાં કોઇ વ્યક્તિ ટાઇપ કરતું હતું. મારી પાસે OTP આવતો અને હું તેમને આપતી હતી. આજ સુધી માત્ર મારો મોબાઈલ નંબર જ રજિસ્ટર્ડ છે, દર્શનનો નહીં. તેમની ઑફિસમાંથી માણસ મને ફોન કરતો અને હું તેને OTP આપતી હતી. ત્યારપછી જ પ્રશ્નો પોસ્ટ થતા હતા.” 

    વિદેશોમાંથી આઇડી ઓપરેટ થવાને લઈને મહુઆએ કારણ આપ્યું કે NIC લૉગિન માટે કોઈ નિયમ નથી. મેં પોતે સ્વિટ્ઝર્લેન્ડથી લૉગિન કર્યું હતું. મારી બહેનની દીકરી કેમ્બ્રિજમાં ભણે છે, તેની પાસે પણ મેં પ્રશ્નો પોસ્ટ કરાવ્યા છે.

    પૈસા લેવાના આરોપ નકાર્યા

    મહુઆ મોઈત્રાએ ઉદ્યોગપતિ પાસેથી પૈસા લેવાના આરોપ નકારી કાઢ્યા અને કહ્યું કે તે બોગસ અને ખોટા છે. સાથે વકીલ જય અનંત દેહદ્રાઈ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને દાવો કર્યો કે કે તેમણે જે ભેટોની યાદી આપી હતી તેની સાથે કોઇ દસ્તાવેજી પુરાવા નથી આપ્યા. એવો પણ દાવો કર્યો કે જય પાસે પહેલાં આરોપો લગાવડાવવામાં આવ્યા અને પછીથી હિરાનંદાનીના માથે બંદૂક મૂકીને તેમણે ગવાહ બનવા માટે કહેવામાં આવ્યું. તેમણે ઉમેર્યું કે, જો દર્શન હિરાનંદાનીએ મને ભેટો આપી હોય તો તેમણે યાદી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા જોઈએ.

    મોઈત્રાએ કહ્યું કે, “દર્શન હિરાનંદાની કેમ ભેટની યાદી આપતા નથી? મને તેમની પાસેથી માત્ર એક સ્કાર્ફ મળ્યો છે, મારા જન્મદિવસે. તેઓ મારા નજીકના મિત્ર છે. તેઓ જ્યારે દુબઈથી આવ્યા ત્યારે મને કૉલ કરીને પૂછ્યું હતું કે મારે શું જોઈએ છે. તેમણે મારા માટે લિપસ્ટિક અને આયશેડો ખરીદ્યા હતા. ત્રીજી ચીજ જે તેમણે મને આપી છે એ, જ્યારે પણ હું મુંબઈ જાઉં ત્યારે તેમની કાર મને એરપોર્ટ પર લેવા-મૂકવા માટે આવતી હતી. તેઓ મારા મિત્ર છે, કાલે પણ કદાચ ફરી મુંબઈ જાઉં તો તેમની કાર મને લેવા માટે આવશે.” 

    આ સિવાય મોઈત્રાએ ઇન્ટરવ્યુમાં ભાજપ સાંસદ નિશિકાંત દૂબે અને વકીલ જય અનંત દેહદ્રાઈ વિશે પણ ઘણી ટિપ્પણી કરી હતી. સાથે અદાણી જૂથનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ તેમની સામે બોલવાનું ચાલુ રાખશે. થોડા દિવસ પહેલાં TMCએ અમે આ મામલે કંઈ ન કહીએ તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા પણ મહુઆ મોઈત્રા દાવો કરે છે કે તેમની પાર્ટી તેમની સાથે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં