કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ‘ટેની’એ નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે CAA લાગુ કરવામાં અમારી સરકાર તરફથી કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું કે સરકાર બની કે તરત જ અમે 2016માં બિલ સંસદમાં લાવ્યા અને તે સંયુક્ત સંસદીય સમિતિ પાસે ગયું. તેનો રિપોર્ટ 7 જાન્યુઆરી, 2019ના રોજ આવ્યો હતો અને બીજા જ દિવસે તેને લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ, રાજ્યસભામાં NDAની બહુમતી ન હોવાને કારણે તે પસાર થઈ શક્યું નહિ. જ્યારે હવે માર્ચ 2024 સુધીમાં CAAના કાયદા-નિયમો તૈયાર થઈ જશે.
અજય મિશ્રા ‘ટેની’એ યાદ કર્યું કે 2019માં લોકસભાની ચૂંટણીઓ સાથે જ આ અધિનિયમ સમાપ્ત થઈ ગયો કારણ કે તેને ફરીથી બંને ગૃહોમાં પસાર કરવાની જરૂર હતી. 2019માં સરકારની રચના સાથે 9 ડિસેમ્બરે લોકસભામાં તેનું બિલ મૂકવામાં આવ્યું અને બીજા જ દિવસે તે લોકસભામાં પસાર થયું. 11 ડિસેમ્બરે તેને રાજયસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું અને તે 12ના રોજ કાયદો બન્યું હતું. CAA દેશમાં 10 જાન્યુઆરી, 2020ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. યાદ રહે કે CAA વિરુદ્ધ આંદોલન થયું હતું અને મુસ્લિમ મહિલાઓએ શાહીન બાગમાં ઘણા સમય સુધી વિરોધ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, “લાગુ કરાયા બાદ કાયદાના નિયમો બનાવવામાં આવે છે. તેના પછી જ કાયદો સંપૂર્ણ અમલમાં આવે છે. તેના નિયમો બનાવવા માટે આપવામાં આવ્યા છે. લોકસભાની કાયદા નિર્માતા સમિતિએ 9 જાન્યુઆરી, 2024 અને રાજ્યસભાની કાયદા નિર્માતા સમિતિએ 30 માર્ચ, 2024ની તારીખ આપી છે. ત્યાં સુધીમાં તે થઈ જશે. બિલ જ્યારે સંસદમાંથી પાસ થઈને કાયદો બન્યું છે તો લાગુ પણ થઈને જ રહેશે.”
#WATCH | On Citizenship (Amendment) Act (CAA), Union Minister of State (MoS) for Home Affairs Ajay Mishra Teni says, "This bill was passed in Lok Sabha on Dec 9, 2019. In Rajya Sabha, it was passed on Dec 11, 2019. On December 12 it was made an Act. On January 10, 2020, the Act… pic.twitter.com/SHZZO0C00S
— ANI (@ANI) November 27, 2023
આ દરમિયાન તેમણે યાદ કર્યું કે કેવી રીતે ભાજપ વિરોધી તત્વોએ સુપ્રીમ કોર્ટમાં પણ CAAને ગેરબંધારણીય ગણાવીને પડકાર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ડિસેમ્બર 2023માં તેની સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી. નોંધનીય છે કે અત્યાર સુધીમાં 8 વાર CAAના ફાઇનલ ડ્રાફ્ટને પૂર્ણ કરવાની અવધિ લંબાવવામાં આવી છે. છેલ્લી વાર ઓગસ્ટ 2023 સુધી લંબાવાઈ હતી. તેવી જ રીતે, તે જાન્યુઆરી 2023માં 7મી વખત લંબાવવામાં આવી હતી. આ અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળવાની છે.