Friday, November 22, 2024
More
    હોમપેજદેશકોઇએ વર્ષો પછી ફરી સાથે આવીને ચૂંટણીમાં ભજવી મહત્વની ભૂમિકા, કોઈએ 100%...

    કોઇએ વર્ષો પછી ફરી સાથે આવીને ચૂંટણીમાં ભજવી મહત્વની ભૂમિકા, કોઈએ 100% બેઠકો જીતી: જાણો એ પાર્ટીઓ વિશે, જેઓ બનશે NDA સરકારનો ભાગ

    JDUએ બિહારમાં 12 બેઠકો જીતી છે. જ્યારે આંધ્રપ્રદેશમાં TDPએ 16 લોકસભા બેઠકો જીતી લીધી છે. મહત્વની વાત એ છે કે, 2014 અને 2019 બાદ ત્રીજીવાર નરેન્દ્ર મોદી સત્તામાં વાપસી કરશે તે તો નક્કી છે. પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી નહીં હોય. પાર્ટીએ તેના સહયોગી પક્ષો સાથે મળીને સરકાર બનાવવી પડશે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો આવી ચૂક્યાં છે. 4 જૂનના રોજ જાહેર થયેલાં પરિણામમાં NDA બહુમતીનો આંકડો પાર કરી ગયું છે. તેથી કેન્દ્રમાં NDAની સરકાર બનવી પણ નિશ્ચિત થઈ ગઈ છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે 240 બેઠકો મળી શકી છે. તેથી આ વખતે સરકાર બનાવવામાં NDAની સહયોગી પાર્ટીઓ પણ મહત્વની ભૂમિકા ભજવશે. જોકે, આ પાર્ટીઓના સમર્થનથી સંખ્યાબળ 272 પાર કરી જાય છે, એટલે સરકાર પર કોઇ જોખમ નહીં રહે.

    આ ચુંટીમાં ભાજપને 240 બેઠકો મળી છે. જ્યારે NDAની વાત કરવામાં આવે તો તેને 290 બેઠકો મળી છે. બીજી તરફ INDI ગઠબંધનને 234 બેઠકો મળી છે. NDAએ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે, પરંતુ ભાજપ બહુમતીના આંકડા કરતાં દૂર અટકી ગઈ છે. તેવામાં તેને સહયોગી પાર્ટીઓની મદદ લેવી ખૂબ જરૂરી બની રહી છે. ખાસ કરીને તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને જનતા દલ યુનાઈટેડ (JDU) પાર્ટી સરકાર બનાવવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.

    ચૂંટણી પંચ અનુસાર, JDUએ બિહારમાં 12 બેઠકો જીતી છે. જ્યારે આંધ્રપ્રદેશમાં TDPએ 16 લોકસભા બેઠકો જીતી લીધી છે. મહત્વની વાત એ છે કે, 2014 અને 2019 બાદ ત્રીજીવાર નરેન્દ્ર મોદી સત્તામાં વાપસી કરશે તે તો નક્કી છે. પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી નહીં હોય. પાર્ટીએ તેના સહયોગી પક્ષો સાથે મળીને સરકાર બનાવવી પડશે. ત્યારે NDAની કેટલીક મહત્વની અને મુખ્ય પાર્ટીઓના ટ્રેક રેકોર્ડ અને ઇતિહાસ પર એક નજર કરવી પણ જરૂરી છે.

    - Advertisement -

    TDP

    ચંદ્રબાબુ નાયડુની TDPએ 2024ની લોકસભા ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આંધ્રપ્રદેશની કુલ 25 બેઠકોમાંથી 16 બેઠકો પર TDPના ઉમેદવારો જીત હાંસલ કરી શક્યા છે. NDA ગઠબંધનમાં ભાજપ પછીની સૌથી મોટી પાર્ટી TDP છે. તેથી 2024ની ચૂંટણીમાં તેને ‘કિંગમેકર’નો ટેગ પણ મળ્યો છે. ચંદ્રબાબુ નાયડુએ રાજકારણની શરૂઆત વિધાર્થીકાળમાં જ કરી દીધી હતી. વિદ્યાર્થી રાજકારણ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કેબિનેટ મંત્રી બન્યા હતા. જોકે, બાદમાં તેઓ TDPના સભ્ય બન્યા હતા. જેની સ્થાપના તેમના સ્વર્ગસ્થ સસરા અને સુપ્રસિદ્ધ અભિનેતા એનટી રામારાવ દ્વારા કરવામાં આવી હતી. નાયડુ સૌપ્રથમ 1995માં મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ ફરી બે વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.

    90ના દાયકાના અંતમાં નાયડુએ તે સમયની કેન્દ્ર સરકારની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને અટલ બિહારી વાજપેયી દ્વારા રચાયેલી પ્રથમ NDA સરકારને TDPએ બહારથી સમર્થન જાહેર કર્યું હતું. ત્યારબાદ TDP પાર્ટી ભાજપના NDAનો ભાગ બની ગઈ હતી. ત્યારબાદ માર્ચ 2018માં TDPએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નકારવા પર ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારપછી TDP મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવી હતી. 2019ની ચૂંટણી પહેલાં TDPએ કોંગ્રેસ અને બાકીના વિપક્ષો સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારબાદ ફરી એકવાર કેન્દ્ર સરકારમાં ભાજપની વાપસી થઈ હતી. જ્યારે ફેબ્રુઆરી 2024માં જ TDP ફરીથી NDAમાં સામેલ થઈ હતી. આંધ્ર પ્રદેશ વિધાનસભામાં 175માંથી 134 બેઠકો અને લોકસભાની 16 બેઠકો જીતવા સાથે નાયડુ કિંગમેકર બનવા માટે તૈયાર છે.

    JDU

    નીતીશ કુમારે છેલ્લાં 20 વર્ષમાં અનેક વખત આમથી તેમ કર્યું છે અને એટલે જ તેમને ભારતીય રાજકારણના ‘પલટુરામ’ પણ કહેવાય છે. તેઓ INDI ગઠબંધનના મુખ્ય ઘટક હતા. INDIમાં તેમને એક મુખ્ય ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા હતા. પરંતુ અચાનક જ તેમણે જાન્યુઆરીમાં INDI ગઠબંધનને ‘રામ રામ’ કહીને NDA સાથે હાથ મિલાવી દીધા હતા. છેલ્લાં 11 વર્ષોમાં 4 વખત નીતીશ કુમારે બિહારના રાજકારણમાં ઘણી ઉથલપાથલ કરી છે. JDUએ પહેલીવાર 2013માં ભાજપ સાથે સંબંધ તોડીને RJD સાથે હાલ મિલાવ્યા હતા. 2015માં કોંગ્રેસ, RJD, JDU અને અન્ય કોમ્યુનિસ્ટ પાર્ટીઓએ સાથે મળીને મહાગઠબંધન કરી વિધાનસભામાં ભાજપને હરાવી હતી. ત્યારબાદ નીતીશ કુમારે મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા, કારણ કે તેઓ લાલુપ્રસાદ યાદવ સાથે કામ કરવા માટે સહમત નહોતા. તેઓ 2017માં ફરીથી NDAમાં સામેલ થઈ ગયા. પછી 2022માં તેમણે ફરી પલટી મારી અને 2024 આવતાં ફરી NDA સાથે થઈ ગયા. જોકે, પછી તેઓ અનેક વખત કહી ચૂક્યા છે કે હવે ક્યાંય નહીં જાય.

    2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા NDAએ બિહારની 40માંથી 39 બેઠકો હાંસલ કરી લીધી હતી. ત્યારે હમણાં પણ એવી સંભાવના જોવા મળી રહી છે કે, NDAની સરકારને સ્થિર રાખવા માટે JDUની મોટી જરૂરિયાત ઊભી થશે. જોકે, તેઓ કદાચ પલટી પણ મારે તો સરકારને તાત્કાલિક કોઇ અસર થઈ શકે તેમ નથી, કારણ કે JDU સિવાય પણ ગઠબંધન પાસે પૂરતા આંકડા છે. નીતીશ કુમાર ક્યારે શું કરે તે કોઇ કહી શકે નહીં, પણ હાલના સંજોગોમાં તો તેઓ NDA સાથે જ રહેશે તે નિશ્ચિત છે.

    LJP (રામવિલાસ)

    NDAની સહયોગી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ 2024ની લોકસભા ચૂંટણીમાં લડેલી તમામ પાંચ બેઠકો જીતી લીધી છે. રામવિલાસના પુત્ર અને પાર્ટીના વડા ચિરાગ પાસવાન હાજીપુર લોકસભા બેઠકથી જીત્યા છે. તેમના પિતા રામવિલાસે પાર્ટીની સ્થાપના કરી હતી અને ઘણી વખત ચૂંટણી પહેલાં જ તેઓ પક્ષ બદલી નાખતા હતા. અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન NDAમાં રહ્યા પછી, રામવિલાસ 2014ની લોકસભા ચૂંટણીના અમુક મહિનાઓ પહેલાં ફેબ્રુઆરી 2014માં ફરીથી NDAમાં સામેલ થયા હતા અને ‘મોદી લહેર’ સાથે આગળ વધતા રહ્યા હતા. ચિરાગ પાસવાનને વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી માટે અપાર સન્માન છે અને અનેક વખત કહી ચૂક્યા છે કે ગમે તે સંજોગોમાં તેઓ મોદીનો અને ભાજપનો હાથ પકડી રાખશે.

    આ ચૂંટણીમાં ચિરાગ પાસવાન સૌથી સફળ નેતાઓ પૈકી એક છે. તેઓ બિહારમાં પાંચ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા અને તમામ પર જીત મેળવી લીધી છે. જેટલી બેઠકો પર લડી હોય તેટલી જીતી હોય તેવી તેમની એકમાત્ર પાર્ટી છે. ચિરાગ પોતે પિતા રામવિલાસની હાજીપુર બેઠક પરથી લડ્યા હતા, જ્યાંથી જંગી બહુમતીથી જીત મેળવી છે.

    શિવસેના અને NCP(અજીત પવાર)

    ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓએ મહારાષ્ટ્રમાં 17 લોકસભા બેઠકો જીતી છે, જે 2019માં મળેલી બેઠકો કરતાં અડધી છે. ભાજપની સહયોગી શિવસેનાએ 7 લોકસભા બેઠકો પર જીત નોંધાવી છે. જ્યારે અજીવ પવારના નેતૃત્વવાળી NCPએ એક બેઠક જીતી છે, પરંતુ તેમના પત્ની સુનેત્રા બારામતી બેઠક પર હારી ગયા છે. અજીત પવારે ગયા વર્ષે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને તોડીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવા માટે શિવસેના અને ભાજપ સાથે હાથ મિલાવી દીધો હતો. જ્યારે 2022માં એકનાથ શિંદેએ શિવસેનામાં વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. મહિનાઓ બાદ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ગુમાવી દીધું અને શિંદે જુથને ચૂંટણી પંચ દ્વારા ‘મૂળ’ શિવસેના તરીકેની માન્યતા આપવામાં આવી. ત્યારબાદ એકનાથ શિંદેએ રાજ્યમાં મહાયુતિની સરકાર બનાવી હતી.

    RLD અને JDS

    જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોક દળ (RLD)એ ઉત્તર પ્રદેશમાં લડેલી બંને બેઠકો જીતીને સારું પ્રદર્શન કર્યું છે. RLDએ ચૂંટણીના થોડા મહિના પહેલાં જ NDA સાથે હાથ મિલાવ્યા હતા અને બાગપત અને બિજનૌર બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ જયંત ચૌધરીના પિતા અને પાર્ટીના સ્થાપક ચૌધરી ચરણ સિંઘને ભારત રત્નથી સન્માનિત કરવા પર ફરીથી RLDએ NDA સાથે હાથ મિલાવી દીધા હતા. HD કુમારસ્વામીની JDSએ પણ કર્ણાટકમાં બે લોકસભા બેઠકો પોતાને નામ કરી લીધી છે. તેને પણ સરકારમાં ઠીકઠાક સ્થાન મળી શકે તેમ લાગી રહ્યું છે.

    આ પાર્ટીઓ NDAની મુખ્ય-મુખ્ય પાર્ટીઓ છે, જે રાષ્ટ્રીય રાજકારણની ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે. આ સિવાય અન્ય અમુક પાર્ટીઓ છે જેમણે એક-એક બેઠકો જીતી છે, જે પણ સરકાર બનાવવામાં સામેલ થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં