દેશનાં 15 રાજ્યોની કુલ 56 રાજ્યસભા બેઠકો ખાલી પડી હતી, જેની ઉપર તાજેતરમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાંથી 41 જેટલી બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની 15 બેઠકો માટે ચૂંટણી યોજાવામાં આવી હતી. 56 બેઠકોમાંથી ભાજપે 30 બેઠકો જીતી લીધી છે, જેમાંથી 20 પર પાર્ટીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, જ્યારે બાકીની 10 બેઠકો ચૂંટણી થકી જીતી હતી. ભાજપે ઉત્તર પ્રદેશમાં 8 બેઠક જ્યારે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં એક-એક બેઠક જીતી છે.
રાજ્યસભા ચૂંટણીમાં 10 બેઠકો જીતવાની સાથે જ પાર્ટી રાજ્યસભામાં બહુમતી સ્થાપિત કરવા તરફ આગળ વધી રહી છે. હાલમાં રાજ્યસભામાં 97 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી છે. જોકે, ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળું NDA હજુ પણ બહુમતીમાં નથી. રાજ્યસભામાં બહુમત માટે કુલ 121 બેઠકો હોવી જોઈએ. હાલ NDA પાસે કુલ 117 બેઠકો છે.
આ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે
રાજ્યસભાની જે 56 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી તેમાંથી 10 બેઠકો ઉત્તર પ્રદેશની હતી, જ્યારે મહારાષ્ટ્ર અને બિહારમાં 6-6 બેઠકો હતી. પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાંથી 5-5 બેઠકો હતી, જ્યારે ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશની 4-4 બેઠકો હતી. તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશામાંથી ત્રણ-ત્રણ અને ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાંથી 1-1 બેઠક હતી. જેમાં ઉત્તર પ્રદેશની 10માંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો હતા અને 2 બેઠકો પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હતો.
મહારાષ્ટ્રમાં ભાજપને ત્રણ બેઠકો પર જીત મળી હતી, જ્યારે કોંગ્રેસને એક, એનસીપી (અજિત પવાર જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે જૂથ)ને એક-એક બેઠક પર જીતી મળી હતી. બિહારની 6 બેઠકોમાંથી ભાજપના 2 સાંસદ, જેડીયુના 1 સાંસદ, કોંગ્રેસના 1 સાંસદ અને આરજેડીના 2 સાંસદો જીત્યા હતા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીએ 4 અને ભાજપે એક બેઠક જીતી હતી, તો મધ્યપ્રદેશમાં ભાજપે 4 અને કોંગ્રેસે એક બેઠક જીતી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપે ચારેય બેઠકો બિનહરીફ જીતી હતી, જ્યારે કર્ણાટકમાં ભાજપે એક અને કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી હતી.
આંધ્ર પ્રદેશમાં YSRCPને ફાળે ત્રણ બેઠકો આવી હતી, જ્યારે તેલંગાણામાં કોંગ્રેસને બે અને BRSને એક બેઠક મળી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસે એક બેઠક અને ભાજપે બે બેઠકો બિનહરીફ જીતી હતી. ઓડિશામાંથી ભાજપને 1 અને બીજેડીને 2 સીટ મળી છે. ઉપરાંત ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાંથી ભાજપે એક-એક બેઠક જીતી છે.
આ છે રાજ્યસભામાં પાર્ટીઓના હિસાબથી સીટોનું ગણિત
રાજ્યસભામાં કોઈપણ સંજોગોમાં સભ્યોની મહત્તમ સંખ્યા 250 હોય છે, પરંતુ હાલમાં આ સંખ્યા 245 સભ્યોની છે. તેમાંથી 233 સભ્યો વિધાનસભાઓ દ્વારા ચૂંટાય છે, જ્યારે 12 રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે છે. જોકે હાલમાં 5 સીટો ખાલી છે, જેમાંથી 4 સીટો જમ્મુ અને કાશ્મીરની છે, જ્યારે એક નોમિનેશનવાળી સીટ ખાલી છે. આ રીતે, ગૃહમાં હવે કુલ સાંસદોની સંખ્યા 240 થઈ ગઈ છે, જેમાંથી બહુમત માટે 121 બેઠકો જરૂરી છે. 12 નામાંકિત સભ્યોમાંથી હાલમાં માત્ર 11 સભ્યો છે, જેમાંથી 5 ભાજપમાં જોડાય ગયા છે. આ નામાંકિત સભ્યો સહિત ભાજપ પાસે રાજ્યસભામાં કુલ 97 સાંસદો છે.
એનડીએની વાત કરીએ તો હાલમાં કુલ 117 સાંસદ એનડીએ કેમ્પમાં છે. જેમાં 97 સાંસદો ભાજપના, 5 જેડીયુ, બે અપક્ષ અને એક-એક સાંસદ જેડીએસ, એનસીપી (અજિત પવાર), આરએલડી, પીએમકે, એજીપી, એમએનએફ, ટીએમસી (એમ), એનપીપી, આરપીઆઈ (એ), યુપીપીએલ પાર્ટીના છે.
જ્યારે સામે પક્ષે કોંગ્રેસ અને તેના ગઠબંધનની વાત કરીએ તો આ કેમ્પમાં 92 સાંસદો છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ પાસે સૌથી વધુ 29 સાંસદો છે જ્યારે TMC પાસે 13 સાંસદો છે. DMK અને AAP પાસે 10-10 સાંસદ છે. આરજેડી પાસે 6 સાંસદ છે અને સીપીએમ પાસે 5 સાંસદ છે.
અ બધામાં રાજ્યસભાના 240 સાંસદોમાંથી 30 સાંસદો કોઈ છાવણીમાં નથી. આ 30 સાંસદોમાંથી મહત્તમ 9-9 YSRCP અને BJD, 7 BRS, 3 AIADMK, 1 TDP અને 1 BSP છે. તેમાંથી બીજેડી-વાયએસઆરસીપીના સાંસદો મોટાભાગનાં મુદ્દાઓ પર સરકાર સાથે જોવા મળે છે. આ જ કારણ છે કે રાજ્યસભામાં બહુમતી કરતાં ચાર બેઠકોનો આંકડો ઓછો હોવા છતાં વર્તમાન સરકારનું કોઈ કામ અટકતું નથી.
શું છે રાજ્યસભાની ચૂંટણીનું ગણિત?
ભારતની સંસદમાં બે ગૃહોની વ્યવસ્થા છે. એક લોકસભા અને બીજી રાજ્યસભા. લોકસભામાં સાંસદો સીધા લોકો દ્વારા ચૂંટાય છે. જેને સામાન્ય ગૃહ પણ કહેવામાં આવે છે. જ્યારે રાજ્યસભાને ઉચ્ચ ગૃહ કહેવામાં આવે છે. જોકે, રાજ્યસભાની ચૂંટણી આડકતરી રીતે યોજાય છે. આનો અર્થ એ છે કે અહિયાં લોકો નહિ પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મત આપે છે. આ પ્રતિનિધિઓ રાજ્યની વિધાનસભામાંથી હોય છે.
નોંધ લેશો કે અહીં વિધાનસભાની વાત થાય છે નહિ કે વિધાનપરિષદની. કારણ કે, વિધાન પરિષદ માટે પણ સભ્યો સીધા જ લોકો દ્વારા ચૂંટાતા નથી, આવી સ્થિતિમાં જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ રાજ્યસભા માટે મતદાન કરે છે. ઉપરાંત દરેક રાજ્યમાં રાજ્યસભા બેઠક માટે મતદાનની ફોર્મ્યુલા પણ અલગ-અલગ હોય છે.
આ મુદ્દાને એ રીતે સમજીએ કે રાજ્યની ખાલી પડેલી રાજ્યસભાની બેઠકોમાં એક એક બેઠક ઉમેરવામાં આવે છે અને પછી તેને કુલ વિધાનસભા બેઠકોમાંથી વિભાજિત કરવામાં આવે છે અને ફરી એક બેઠક તેમાં ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ધારાસભ્યોએ એક કાગળ પર તેમની પસંદગી દર્શાવવી પડે છે. દરેક ધારાસભ્યનો મત માત્ર એક જ વાર ગણાય છે. પ્રાથમિકતાના આધારે ધારાસભ્યએ જણાવવાનું રહેતું હોય છે કે તેમની પ્રથમ પસંદગી કોણ છે અને બીજી પસંદગી કોણ. જેને પ્રથમ પસંદગીના વધુ મત મળશે તે જીતી જશે.
આ ગણતરી સમજવા માટે જો ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશને લઈએ તો અહીં 10 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કુલ 403 બેઠકો છે. આવી સ્થિતિમાં તમામ સભ્યોના મતોની કુલ તાકાત 100ની બરાબર થાય છે. આ રીતે, ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી માટે કુલ મત 403X100=40,300 થયા. હવે જો આપણે તેને 10 સીટો+1=11 વડે ભાગીએ તો 3663ની સંખ્યા મળે છે. એટલે કે ઉત્તર પ્રદેશની દરેક સીટ માટે 36+ મત એટલે કે 37 મતોની જરૂર પડે છે. આ 37 મત 37 ધારાસભ્યોના થયા. આ રીતે જો ફર્સ્ટ પ્રેફરન્સ વોટના આધારે જીત હાંસલ કરવામાં આવે તો 37-37 ધારાસભ્યોના હિસાબે ભાજપને સીધી 7 સીટો મળી. આઠમી બેઠક માટે, સપાના બળવાખોર ધારાસભ્યો, BSPના ધારાસભ્ય, રાજા ભૈયાના ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું, અને આમ ભાજપે 10માંથી 8 બેઠકો જીતી હતી.