Friday, September 13, 2024
More
    હોમપેજસ્પેશ્યલકઈ રીતે થાય છે રાજ્યસભાની ચૂંટણી, લોકસભાની પ્રત્યક્ષ ચૂંટણીથી કઈ રીતે પડે...

    કઈ રીતે થાય છે રાજ્યસભાની ચૂંટણી, લોકસભાની પ્રત્યક્ષ ચૂંટણીથી કઈ રીતે પડે છે અલગ- સરળ શબ્દોમાં સમજો: સિંગલ ટ્રાન્સફરેબલ વૉટ સિસ્ટમ વિશે પણ જાણો 

    વિધાનસભા કે લોકસભાની ચૂંટણી બહુ સરળ રીતે થાય છે. પરંતુ રાજ્યસભાની ચૂંટણીનું ગણિત આટલું સીધું અને સરળ નથી. 

    - Advertisement -

    દેશમાં હાલ રાજ્યસભા ચૂંટણીનો માહોલ છે. આગામી 27 ફેબ્રુઆરીએ દેશનાં 15 રાજ્યોની કુલ 56 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેના માટે પાર્ટીઓ ઉમેદવારો જાહેર કરવામાં લાગી છે. ગુજરાતની પણ 4 બેઠકો પર ચૂંટણી થશે, પરંતુ અહીં કોંગ્રેસ કે બીજી કોઇ પણ પાર્ટી પાસે એક બેઠક જીતાય તેટલું પણ સંખ્યાબળ ન હોવાના કારણે ભાજપ જે ઉમેદવારો જાહેર કરે તેઓ બિનહરીફ જ ચૂંટાશે અને કોઇ મતદાન થશે નહીં. પરંતુ અન્ય રાજ્યોમાં તેમ નથી. ત્યાં રીતસરની ચૂંટણી થશે.

    આ ચૂંટણી કઈ રીતે થાય છે અને લોકસભાથી તે કઈ રીતે અલગ પડે છે તે વિગતે જાણીએ. 

    વિધાનસભા કે લોકસભાની ચૂંટણી બહુ સરળ રીતે થાય છે. વિધાનસભાની ગુજરાતમાં કુલ 182 બેઠકો છે, આ તમામ બેઠકો પર પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઉતારે છે, અપક્ષ ઉમેદવારો પણ હોય છે. લોકસભા ચૂંટણી હોય તો 26 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવે છે. 18 વર્ષથી ઉપરના નાગરિકો પોતપોતાના મતવિસ્તારમાં મતદાન કરે છે અને જે ઉમેદવારને વધુ મત મળે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જે પાર્ટી કુલ બેઠકોના અડધાથી એક વધારે સીટ જીતે તે સરકાર બનાવે છે. પરંતુ રાજ્યસભાની ચૂંટણીનું ગણિત આટલું સીધું અને સરળ નથી. 

    - Advertisement -

    રાજ્યસભા શું છે?

    રાજ્યસભા એ દેશની સંસદનું ઉપલું ગૃહ છે. લોકસભા દર પાંચ વર્ષે ભંગ થઇ જાય છે અને નવી ચૂંટણી થાય ત્યારે તમામ સાંસદો નવેસરથી ચૂંટાય છે. પણ રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી. તેની કુલ ક્ષમતા 250 સભ્યોની છે, જેમાંથી 238 ચૂંટાય છે અને બાકીના 12ને રાષ્ટ્રપતિ નામાંકિત કરે છે. રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને દર બે વર્ષે ⅓ સભ્યો નિવૃત્ત થાય છે, એટલે કે ત્યાં ચૂંટણી હાથ ધરવામાં આવે છે અને નવા સાંસદો ચૂંટવામાં આવે છે. 

    જેમ લોકસભામાં દરેક રાજ્યની અમુક ચોક્કસ બેઠકો હોય તે જ પ્રણાલી રાજ્યસભામાં પણ લાગુ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો લોકસભામાં 26 બેઠકો છે, જ્યારે રાજ્યસભાની 11. આ બેઠકો વસ્તીના આધારે ફાળવવામાં આવી છે. હાલ ગુજરાતની 11માંથી 8 બેઠકો ભાજપ પાસે અને 3 કોંગ્રેસ પાસે છે. હમણાં જો કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીનું પોતાનું કંગાળ પ્રદર્શન નડ્યું ન હોત અને થોડાઘણા વધારે ધારાસભ્ય હોત અને પાર્ટીએ ઉમેદવારો ઉતાર્યા હોત તો કાયદેસરની ચૂંટણી થાત. આ ચૂંટણી કઈ રીતે થાય છે એ સમજીએ. 

    ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે, માત્ર ધારાસભ્યો મતદાન કરી શકે છે 

    રાજ્યસભાની ચૂંટણીમાં સામાન્ય નાગરિકો મતદાન કરી શકતા નથી એ બાબત તેને લોકસભા અને વિધાનસભા ચૂંટણીથી અલગ પાડે છે. આ ચૂંટણીમાં માત્ર રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો જ મતદાન કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો ધારાસભ્યો. પરંતુ એવું હોતું નથી કે જે પાર્ટી પાસે વિધાનસભામાં બહુમતી હોય તેના જ સાંસદો જીતે. કારણ કે પ્રક્રિયા થોડી અલગ હોય છે. 

    રાજ્યસભાની ચૂંટણીમાં જો કુલ ખાલી બેઠકો કરતાં ઉમેદવારોની સંખ્યા વધારે હોય તો જ મતદાન હાથ ધરવામાં આવે છે. આ પહેલાં જ્યારે જુલાઈ, 2023માં ગુજરાતમાં 3 બેઠકો પર ચૂંટણી હતી ત્યારે ત્રણ જ ફોર્મ ભરાયાં, એટલે ચૂંટણી ન થઇ અને સીધા ત્રણ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા. જો કોઈ પણ બેઠક પર વધુ એક ઉમેદવારી થઇ હોત તો મતદાન થયું હોત. 

    શું છે ફોર્મ્યુલા? 

    રાજ્યસભામાં કોઈ પણ ઉમેદવારને જીત માટે કેટલા મત જોઈએ તે માટેનું ગણિત થોડું અલગ છે. આ માટે વિધાનસભાની કુલ બેઠકોને કુલ ખાલી બેઠકોમાં એક ઉમેરીને ભાગવામાં આવે છે. તેનો જે જવાબ મળે તેમાં 1 અંક ઉમેરી દેવામાં આવે છે.

    ઉદાહરણ તરીકે- ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે અને રાજ્યસભાની 3 બેઠકો ખાલી છે. તો ત્રણ ખાલી બેઠકોમાં 1 અંક ઉમેરીને એટલે કે 4ને 182 સાથે ભાગવામાં આવે તો જવાબ મળે- 45.5=45. તેમાં 1 અંક ઉમેરીએ તો જવાબ 46 મળે. એટલે કે એક બેઠક જીતવા માટે 46 મતોની જરૂર પડે. રાજ્યસભા ચૂંટણીમાં એક મતનું મૂલ્ય 100 હોય છે એટલે ગુજરાતમાં કુલ 18200 મૂલ્યના મત થાય. જેમાંથી કોઈ પણ ઉમેદવારે જીત મેળવવી હોય તો 4600 વેલ્યુ પોઈન્ટ્સ મેળવવા જરૂરી છે. 

    ચૂંટણી કઈ રીતે થાય છે?

    વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે તો હવે ઈવીએમ મશીન વપરાય છે. કે બેલેટ પેપર પણ વપરાય તો તેની પ્રક્રિયા સાવ સરળ હોય છે. મશીન કે બેલેટ પેપરમાં ક્રમવાર ઉમેદવારોનાં નામ લખ્યાં હોય છે, મતદાર તેમાંથી કોઈ પણ એક પસંદ કરીને ક્યાં બટન દબાવે છે કાં સિક્કો મારે છે. કોઈ એક જ ઉમેદવારને મત આપી શકાય છે. EVMમાં તો બે ઉમેદવારોને મત આપવા શક્ય નથી પણ બેલેટ પેપરમાં જો બે ઉમેદવારોને મત અપાયા હોય તો તેને અમાન્ય ગણવામાં આવે છે. 

    આ થઇ પ્રત્યક્ષ રીતે થતી ચૂંટણીની વાત, પણ રાજ્યસભા ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. અહીં મતદાનની પ્રક્રિયા પણ થોડી અલગ છે, જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ પણ કહેવાય છે. આ ચૂંટણીમાં ધારાસભ્યો દરેક બેઠક માટે મતદાન કરતા નથી, પરંતુ ઉમેદવારોને પ્રાથમિકતાના આધારે મત આપે છે. જેને પહેલી પ્રાથમિકતા આપવાની હોય તેમના નામ આગળ ‘1’ લખવામાં આવે છે. ત્યારબાદ ક્રમશ: 2, 3, 4… એમ મત આપવામાં આવે છે. 

    રાજ્યસભાની ચૂંટણીનું મતદાન ગુપ્ત હોતું નથી, એટલે કે ધારાસભ્યોએ મત આપ્યા બાદ પાર્ટીના અધિકારીક એજન્ટને બેલેટ બતાવવાનું રહે છે. જો તેમ નહીં કરે તો મત અમાન્ય ગણવામાં આવે છે. જોકે, અપક્ષ ઉમેદવારો માટે આ નિયમ લાગુ પડતો નથી. બીજું કે આ ચૂંટણીમાં NOTAનો વિકલ્પ હોતો નથી. 

    મતગણતરી 

    મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવે છે. ગણતરીમાં સૌથી પહેલાં કયા ઉમેદવારને પહેલી પ્રાથમિકતા મળી છે (એટલે કે કોની સામે અંક 1 લખવામાં આવ્યો છે) તે ચકાસવામાં આવે છે. તેમાં જેને જરૂરી મત કરતાં વધુ મત મળ્યા હોય તે વિજેતા જાહેર કરવામાં આવે છે. ગુજરાતના કિસ્સામાં જેને 46થી વધુ મતો મળ્યા હશે તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે. આમ તો મોટાભાગની ચૂંટણીઓમાં પહેલા રાઉન્ડની ગણતરીમાં જ પરિણામો સ્પષ્ટ થઇ જાય છે પરંતુ જો ત્યારપછી પણ સ્પષ્ટ ન થાય તો બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવે છે. 

    બીજા રાઉન્ડની ગણતરી દરમિયાન પહેલા રાઉન્ડમાં જે ઉમેદવારને સૌથી ઓછા પહેલી પ્રાથમિકતાના મત મળ્યા હોય તેને બહાર કરી દેવામાં આવે છે. પરંતુ તેના મત વેડફાતા નથી. આ બહાર કરવામાં આવેલા ઉમેદવારોના બેલેટમાં જેને બીજી પ્રાથમિકતા આપવામાં આવી હોય તેમના ખાતામાં મત ટ્રાન્સફર થઇ જાય છે. ત્યારબાદ વિજેતા નક્કી કરવામાં આવે છે. એટલે તેને સિંગલ ટ્રાન્સફર સિસ્ટમ કહેવામાં આવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં