દિલ્લીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડમાં ED દ્વારા આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલને સમન મોકલવામાં આવ્યું હતું. પરંતુ પાછલી વારની જેમ આ વખતે પણ AAP સંયોજક EDના હાથમાં આવે તેમ લાગતું નથી. દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ ‘પહેલાથી નક્કી કરેલા’ વિપશ્યના કાર્યક્રમમાં 30 ડિસેમ્બર સુધી રોકાશે જેના કારણે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સામે હાજર થઇ શકશે નહીં. અત્યાર સુધી 2 વાર તપાસ એજન્સી દ્વારા આ પ્રકારે સમન મોકલવામાં આવ્યું છે પરંતુ એક પણ વખત કેજરીવાલ હાજર થયા નથી.
અહેવાલો મુજબ, તાજેતરમાં દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ વિશે પૂછપરછ કરવા એજન્સી EDએ સમન મોકલ્યું હતું અને ગુરુવારે (21 ડિસેમ્બર) હાજર થવા માટે જણાવ્યું હતું. પરંતુ CM અરવિંદ કેજરીવાલ બુધવારે જ વિપશ્યના માટે ઊપડી ગયા છે. જેથી આ વખતે પણ તેઓ એજન્સી ED સામે હાજર થઈ શકશે નહીં. તેઓ પંજાબ ગયા છે, જ્યાં 30 ડિસેમ્બર સુધી વ્યસ્ત રહેશે. આમ તો તેઓ 19 તારીખે રવાના થવાના હતા, પરંતુ INDI ગઠબંધનની બેઠકને લીધે કાર્યક્રમ થોડો પાછળ ઠેલાયો હતો.
આ મામલે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, કેજરીવાલનો વિપશ્યના કાર્યક્રમ પહેલેથી જ નક્કી હતો. તેમણે એમ પણ કહ્યું કે, વકીલો હાલ એજન્સીના સમન પર કામ કરી રહ્યા છે અને કાયદાકીય સલાહ પણ લેવામાં આવી રહી છે. જોકે, કેજરીવાલે એજન્સીને કોઇ જવાબ આપ્યો કે નહીં તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
જોકે, આ પહેલી વાર નથી કે EDએ સમન મોકલ્યું હોય અને અરવિંદ કેજરીવાલ હાજર ન થયા હોય. આ પહેલાં પણ એજન્સી એક વખત કેજરીવાલને સમન પાઠવી ચૂકી છે. પરંતુ ત્યારે તેઓ મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં જવાનું હોવાનું બહાનું ધરીને હાજર થયા ન હતા. એ વાત અલગ છે કે મધ્ય પ્રદેશની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમ ખાવા પૂરતી એક બેઠક પણ નહીં મળી અને અનેક ઠેકાણે ડિપોઝીટ પણ ગુમાવવી પડી. તે પહેલાં 16 એપ્રિલ, 2023ના રોજ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દિલ્લીમાં થયેલા લિકર પોલીસી કૌભાંડ મામલે દિલ્લીના CM કેજરીવાલની 9 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.
શું છે લિકર પોલીસી કૌભાંડ ?
આ કેસ દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી એક્સાઈઝ પોલિસીને લગતો છે. 17 નવેમ્બર 2021ના રોજ દિલ્હી વહીવટીતંત્ર દ્વારા લિકર પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી ભ્રષ્ટાચારના આરોપોને કારણે સપ્ટેમ્બર 2022ના અંતમાં તેને રદ કરવામાં આવી હતી. આરોપ છે કે આ પોલિસી હેઠળ અમુક ડીલરોને લાભ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેમણે તે માટે લાંચ આપી હતી. ઇડીએ આ મામલે ગત વર્ષે પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારથી અત્યાર સુધી એજન્સી 200 સર્ચ ઓપરેશન ચલાવી ચૂકી છે.
આ જ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને કેજરીવાલના સાથી મનીષ સિસોદિયા જેલભેગા થઈ ચૂક્યા છે. તાજેતરમાં AAP સાંસદ સંજય સિંઘની પણ આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પણ હાલ જેલમાં છે. હવે ગાળિયો કેજરીવાલ પર કસાવા જઈ રહ્યો છે તેવી ચર્ચા ચાલી રહી છે.