Thursday, April 25, 2024
More
  હોમપેજરાજકારણમોટાભાગની બેઠકો પર ડિપોઝીટ ડૂલ, ક્યાંય 1 ટકા પણ વોટશેર નહીં: ત્રણ...

  મોટાભાગની બેઠકો પર ડિપોઝીટ ડૂલ, ક્યાંય 1 ટકા પણ વોટશેર નહીં: ત્રણ રાજ્યોમાં AAPને સમ ખાવા પૂરતી 1 સીટ પણ નહીં, પ્રચારનું બહાનું કાઢીને ED સામે હાજર ન થયા હતા કેજરીવાલ

  ત્રણ રાજ્યોમાં પાર્ટીએ ખૂબ પ્રચાર કર્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને રેલીઓ પણ કરી હતી અને દિલ્હી અને પંજાબનાં મોડેલ આ રાજ્યોમાં પણ લાગુ કરવાની વાત કહી હતી. પરંતુ મતદારોને તેમના વાયદા પર ઝાઝો વિશ્વાસ બેઠો હોય તેમ જણાય રહ્યું નથી. 

  - Advertisement -

  દેશનાં ચાર રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત મેળવી લીધી છે, જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ જીતી છે. બે રાજ્યો છત્તીસગઢ અને રાજસ્થાન ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધાં છે, જ્યારે મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા ટકાવી રાખી છે, તે પણ જંગી બહુમતી સાથે. આ બધા વચ્ચે એક પાર્ટી જેની ચર્ચા ક્યાંય નથી, તે છે આમ આદમી પાર્ટી. 

  આમ આદમી પાર્ટી પણ આ રાજ્યોમાં ચૂંટણી લડી હતી. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. એટલું જ નહીં, પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માને પણ ખૂબ પ્રચાર કર્યો હતો. જ્યારે EDએ પૂછપરછ માટે તેડું મોકલ્યું હતું ત્યારે પણ કેજરીવાલે પોતે પ્રચાર માટે જવાનું હોવાનું કહીને પોતે હાજર થયા ન હતા. 

  રાજસ્થાનમાં AAPના 85 ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા. MPમાં 66 ઉમેદવારો જ્યારે છત્તીસગઢમાં પણ 54 ઉમેદવારો આમ આદમી પાર્ટીની ટીકીટ પર લડ્યા હતા. ત્રણેયનું ટોટલ કરીએ તો કુલ AAPના 205 ઉમેદવારો થાય છે. પરંતુ આજે જ્યારે પરિણામો જાહેર થયાં ત્યારે આમાંથી એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી અને મોટાભાગનાની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ છે. 

  - Advertisement -

  અહીં નોંધવું જોઈએ કે ચૂંટણી લડતો કોઇ ઉમેદવાર જે-તે બેઠક પરના કુલ માન્ય મતોના છઠ્ઠા ભાગના મત પણ ન મેળવી શકે તો તેની સિક્યોરીટી ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. આ રકમ તેઓ ચૂંટણી લડવા પહેલાં ફોર્મ ભરતી વખતે ભરે છે. અર્થ એ થયો કે અમુક બેઠકો પર તો AAP ઉમેદવારોને છઠ્ઠા ભાગના પણ મત મળ્યા નહીં. 

  તેલંગાણામાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા ન હતા. પરંતુ બાકીનાં ત્રણ રાજ્યોમાં પાર્ટીએ ખૂબ પ્રચાર કર્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને રેલીઓ પણ કરી હતી અને દિલ્હી અને પંજાબનાં મોડેલ આ રાજ્યોમાં પણ લાગુ કરવાની વાત કહી હતી. પરંતુ મતદારોને તેમના વાયદા પર ઝાઝો વિશ્વાસ બેઠો હોય તેમ જણાય રહ્યું નથી. 

  વોટશેરની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં AAPનો વોટ શેર 0.37 ટકા છે. મધ્ય પ્રદેશમાં 0.49 ટકા જ્યારે છત્તીસગઢમાં 0.93 ટકા જેટલો વોટશેર રહ્યો છે. એટલે કે ક્યાંય પાર્ટી 1 ટકા જેટલો પણ વોટશેર મેળવી શકી નથી. 

  જોકે, આમ આદમી પાર્ટીને આ ડિપોઝીટ ગુમાવવામાં ઘણો અનુભવ છે. ગુજરાત ચૂંટણીમાં પાર્ટી 182માંથી 5 બેઠકો જીતી હતી, પણ 126 બેઠકો પર ડિપોઝીટ ગુમાવી હતી. હિમાચલ પ્રદેશમાં તમામ બેઠકો જ્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પણ તમામ બેઠકો પર ડિપોઝીટ ગુમાવી દીધી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં