હાસ્યાસ્પદ દાવા કરવામાં, જાતજાતના વાયદા કરવામાં અને ધડમાથા વગરની વાત કરીને જાતે જ પોતાની પીઠ થપથપાવવામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને સમર્થકોને કોઈ પહોંચી વળે એમ નથી. અમુક વખત તેમની કરતૂતો કોંગ્રેસને સારી કહેવડાવે તેવી હોય છે. આના કારણે જોકે હવે સમર્થકો અને નેતાઓને લોકોએ ગંભીરતાથી લેવાનું પણ ઓછું કરી દીધું છે પણ તાજો કિસ્સો એવો છે, જેમાં પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Kejriwal) ટ્રમ્પની (Donald Trump) એક જાહેરાતને આધાર બનાવીને હાસ્યાસ્પદ વાતો કરી નાખી છે.
શુક્રવાર (11 ઑક્ટોબર)ની કેજરીવાલની એક પોસ્ટ જુઓ. X પર પોસ્ટ કરતાં તેઓ લખે છે કે, ‘ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ વીજળીના દરો અડધા કરી દેશે. ફ્રીની રેવડી અમેરિકા પણ પહોંચી ગઈ.’ અહીં ‘ફ્રીની રેવડી’ લખીને તેઓ ભાજપ પર કટાક્ષ કરી રહ્યા હતા.
Trump has announced that he will reduce electricity rates by half. Free ki revri reach US… https://t.co/IHxQ4AhXcA
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 11, 2024
આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આ પોસ્ટ 4 લાખ લોકો સુધી પહોંચી ગઈ છે. મેઈનસ્ટ્રીમ મીડિયાની અમુક ચેનલો પણ કેજરીવાલના આ દાવાને આધાર બનાવીને ભારતનું મોડેલ અમેરિકા પહોંચી ગયું હોવાની તદ્દન વાહિયાત વાતો આગળ વધારી રહી છે.
વાસ્તવમાં થયું શું એ જોઈએ.
અમેરિકામાં નવેમ્બર મહિનામાં ચૂંટણી છે, જેના માટે હાલ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રિપલ્બિકનના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઠેરઠેર પ્રચાર સભાઓ સંબોધી રહ્યા છે. એવામાં મિશિગનમાં એક સભા સંબોધતાં તેમણે એલાન કર્યું કે તેઓ સત્તામાં આવ્યા તો 12 મહિનાની અંદર ઊર્જા અને વીજળીના દરો અડધા કરી નાખશે અને વીજક્ષમતાને બમણી કરી દેશે.
ટ્રમ્પની પોસ્ટ આવી છે: ‘હું 12 મહિનાની અંદર ઊર્જા અને વીજળીના દરો અડધા કરી નાખીશ. અમે જલ્દીથી પર્યાવરણીય મંજૂરીઓ મેળવી લઈશું અને વીજક્ષમતા બમણી કરી નાખીશું. અમે ફુગાવાને પણ કાબૂમાં લઈ લઈશું અને ફેક્ટરીઓ બનાવવા માટે અમેરિકા અને મિશિગનને દુનિયાની શ્રેષ્ઠ જગ્યા બનાવીશું.’
I will cut the price of ENERGY and ELECTRICITY in HALF within 12 months. We will seriously expedite our environmental approvals, and quickly double our electricity capacity. This will DRIVE DOWN INFLATION, and make AMERICA and MICHIGAN the best place on earth to build a factory… pic.twitter.com/N3UFtLXf8L
— Donald J. Trump (@realDonaldTrump) October 10, 2024
હવે અહીં ટ્રમ્પે વાત કરી છે કે વીજળીના દરો અડધા કરીને વીજક્ષમતા બમણી કરવાની. જે તદ્દન સમાન્ય અને સમજવા જેવી વાત છે. પણ કેજરીવાલને આ ‘ફ્રીની રેવડી’ લાગે છે.
ટ્રમ્પે અહીં સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ ક્ષમતા બમણી કરીને વીજળીનું ઉત્પાદન બમણું કરીને વીજળીના દરો ઓછા કરશે. ક્યાંય એવું નથી કહ્યું કે તેઓ સત્તામાં આવતાંની સાથે જ લોકોને અડધા દરે વીજળી આપવા માંડશે.
દુનિયાની કોઈ પણ કંપની હોય, તેઓ ખર્ચ ઘટાડવા માટે ક્ષમતાનો વિસ્તાર કરે તે સ્વાભાવિક વાત છે. ઉત્પાદન ક્ષમતા વધારીને કંપનીઓ આર્થિક ફાયદો મેળવી શકે અને ત્યારબાદ ગ્રાહકોને ઓછા ખર્ચે સેવાઓ પ્રદાન કરી શકે છે. આ સર્વસામાન્ય નિયમ છે. ભારતમાં પણ અને અમેરિકામાં પણ.
અહીં પૂર્વ US રાષ્ટ્રપતિનું કહેવું એમ છે કે સરકારમાં આવ્યા બાદ તેઓ વીજક્ષમતામાં વધારો કરશે અને તેને બમણી કરી દેશે. જેના કારણે ગ્રાહકો પર જે ખર્ચ આવે છે તેમાં ઘટાડો થશે. પરંતુ પોતાની સરકારની મફતની લ્હાણીઓને વ્યાજબી ઠેરવવા માટે કેજરીવાલ એટલા તલપાપડ હતા કે તેમને આ સમાન્ય બાબત પણ ધ્યાને લીધી નહીં અને સમર્થકો સાથે મળીને પોતાનું મોડેલ USમાં પણ અપનાવવામાં આવતું હોવાના બણગાં ફૂંકવાના શરૂ કરી દીધા.
US અને દિલ્હી વચ્ચે મારીમચડીને સરખામણી કરવાનો નિષ્ફળ પ્રયાસ
કેજરીવાલ, તેમના નેતાઓ અને સમર્થકો મારીમચેડીને તથાકથિત દિલ્હી મોડલને અમેરિકાની ચૂંટણી સાથે જોડી રહ્યા છે. પણ હકીકત એ છે કે બંને વચ્ચે ક્યાંય સરખામણી થઈ શકે એમ નથી. અમેરિકા એક તો ભારત કરતાં પણ ત્રણ ગણો મોટો વિસ્તાર ધરાવતો દેશ છે, જેની વસ્તી આપણા કરતાં અનેકગણી ઓછી છે. જ્યારે દિલ્હી એક મ્યુનિસિપાલિટી જેટલો વિસ્તાર છે, પૂર્ણ રાજ્ય પણ ન કહી શકાય.
અમેરિકા પાસે દિલ્હી કરતાં અનેકગણી વધુ સંપત્તિ અને સંસાધનો છે એ પણ હકીકત છે. એટલે એક ક્ષણ માટે માની પણ લઈએ કે US સબસિડી થકી વીજ ક્ષમતા વધારશે તો તેમાં પણ તેને કોઈ વાંધો આવે એમ નથી. પણ કેજરીવાલ સરકારને સત્તા સુધી પહોંચવામાં મદદરૂપ થતી આ મફતની યોજનાઓના કારણે દિલ્હીને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે તેની તેઓ વાત કરતા નથી.
તાજેતરના જ અહેવાલો સંકેત આપી રહ્યા છે કે દિલ્હીની આર્થિક સ્થિતિ ઠીક નથી અને નાણાકીય સંકટ સર્જાય શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. નાણા વિભાગે મુખ્યમંત્રીને સૂચિત કર્યાં છે કે 2024-25ના અંત સુધી રાજ્ય નાણાકીય સંકટ હેઠળ દબાઈ શાકે છે અને રાજ્યને જેટલી આવક થાય છે તેના કરતાં ખર્ચ વધી શકે છે.
આજતકના એક રિપોર્ટ અનુસાર, NCT દિલ્હીના નાણાકીય રેકર્ડ પરથી જાણવા મળે છે કે રાજ્યે આમ કાયમ રેવન્યુ સરપ્લસ જાળવી રાખી છે. પરંતુ પહેલી વખત એવું બનશે કે ખોટ હેઠળ જઈ શકે છે. કારણ એ છે કે પહેલી વખત એવું બનશે કે રાજકોષમાં જેટલી આવક થાય છે તેના કરતાં ખર્ચ વધી જશે. ટેક્સ-નોનટેક્સ રેવન્યુ, કેન્દ્ર સરકારની યોજનાથી મળતી રકમ, કેન્દ્ર સરકારની ગ્રાન્ટ વગેરે મળીને જોવામાં આવે તો વર્ષ 2025ના અંત સુધીમાં અનુમાનિત ₹64,142 કરોડથી ઘટીને ₹62,415 કરોડ સુધી પહોંચી જવાની સંભાવના છે.
બીજી તરફ, ખર્ચ ₹60,911 કરોડથી વધીને ₹63,911 પર પહોંચવાનું અનુમાન છે. આ સિવાય પણ અન્ય અમુક યોજનાઓ માટે પૈસાની જરૂર પડશે, જે બજેટમાં સામેલ નથી. આ રકમ પણ સાતેક હજાર કરોડ સુધી પહોંચે છે. આ બધું જોતાં આગળ દિલ્હી માટે નાણાકીય સંકટ બહુ દૂર નથી.
આ પરિસ્થિતિમાં પણ ફ્રીની રેવડીને યોગ્ય સાબિત કરવા માટે કેજરીવાલ એન્ડ કંપની અમેરિકાનાં ઉદાહરણો આપી રહ્યા છે, જે કોઈ વાતે કોઈ પણ સમજદાર માણસના મગજમાં ફિટ બેસે એમ નથી.