Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘અજિત પવાર જૂથ જ સાચી NCP’: ચૂંટણી પંચ બાદ હવે વિધાનસભા સ્પીકરે...

    ‘અજિત પવાર જૂથ જ સાચી NCP’: ચૂંટણી પંચ બાદ હવે વિધાનસભા સ્પીકરે આપ્યો ચુકાદો, ધારાસભ્યોને બરતરફ કરવાની માંગ કરતી અરજી ફગાવી

    સ્પીકરે કહ્યું કે, જ્યારે ભાગલા પડ્યા ત્યારે અજિત પવાર જૂથ પાસે વિધાનસભામાં બહુમતી હતી અને જેથી આ જૂથ સાચી NCP પાર્ટી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, અજિત પવાર જૂથ પાર્ટીની ઇચ્છાશક્તિ પ્રદર્શિત કરે છે અને તેઓ બરતરફ થઈ શકે નહીં. 

    - Advertisement -

    કેન્દ્રીય ચૂંટણી પંચે અજિત પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં નામ અને નિશાન આપ્યા બાદ હવે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે પણ તેમની જ પાર્ટીને સાચી NCP ઠેરવી છે. અજિત પવાર જૂથના  8 ધારાસભ્યોને બરતરફ કરવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર ગુરુવારે (15 ફેબ્રુઆરી, 2024) સ્પીકરે ચુકાદો આપ્યો હતો. જેમાં તેમણે અજિત જૂથને જ સાચી NCP માનીને અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ શરદ પવાર જૂથના ધારાસભ્યોને ડિસ્કવોલિફાય કરવાની અજિત પવાર જૂથની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. 

    મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો સંભળાવતાં કહ્યું કે, અજિત પવાર પાસે 31 ધારાસભ્યોનું સમર્થન છે એ બાબત નિર્વિવાદિત છે અને તેમની પાસે શરદ પવાર જૂથ કરતાં વધુ સંખ્યાબળ છે. એમ પણ કહ્યું કે, બરતરફ કરવાની માંગ કરતી અરજીની સંખ્યા પરથી પણ ખ્યાલ આવી શકે કે કયા જૂથ પાસે સંખ્યાબળ વધુ છે. સ્પીકરે કહ્યું કે, અજિત પવાર પાસે વૉટ શેર પણ વધુ છે તે બાબત પણ હકીકત છે. 

    સ્પીકરે કહ્યું કે, જ્યારે ભાગલા પડ્યા ત્યારે અજિત પવાર જૂથ પાસે વિધાનસભામાં બહુમતી હતી અને જેથી આ જૂથ સાચી NCP પાર્ટી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, અજિત પવાર જૂથ પાર્ટીની ઇચ્છાશક્તિ પ્રદર્શિત કરે છે અને તેઓ બરતરફ થઈ શકે નહીં. 

    - Advertisement -

    સાથે સ્પીકરે કહ્યું કે, (બંધારણની) 10મી અનુસૂચિમાં આ બાબતો લાગુ પડતી નથી અને 10મી અનુસૂચિ લોકશાહીના રક્ષણ માટે પક્ષપલટા પર પ્રતિબંધ લગાવવા માટે છે. તેમણે ઉમેર્યું કે, “અસહમતિને દબાવવા માટે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નુકસાનથી બચાવવાને સ્થાને અંગત હિતોને અનુરૂપ સત્તા માટેના સંઘર્ષની નવી દિશાઓ ખોલવા માટે પાર્ટીઓ દ્વારા તેનો દુરુપયોગ દુઃખદ બાબત છે.

    સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે, પાર્ટીની અંદર જ વિરોધ થતો હોય તો તેને નિયંત્રિત કરવા માટે 10મી અનુસૂચિ પર આધાર રાખી શકાય નહીં. શરદ પવાર સાથે નારાજગી હોય તો તેને ગેરશિસ્ત કહી શકાય પણ તેને 10મી અનુસૂચિ હેઠળ પક્ષપલટો ન માની શકાય. સ્પષ્ટ છે કે આ ઘટનાઓ પાર્ટીની અંદર ઉદભવેલી નારાજગીના કારણે બની છે. શરદ પવારની ઇચ્છાઓ વિરુદ્ધ જવું એ પાર્ટી છોડવા સમાન કૃત્ય નથી. પાર્ટીના સભ્યો અન્ય સભ્યો પ્રત્યે અસહમતી વ્યક્ત. કરે તો તેને પક્ષપલટો માની શકાય નહીં.

    વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, અરજદાર (શરદ જૂથ) 10મી અનુસૂચિની ઉપયોગ સભ્યોને ચૂપ કરાવવા કે ડરાવવા-ધમકાવવા માટેના હથિયાર તરીકે ન કરી શકે. તેનો ઉદ્દેશ્ય પાર્ટીના સંચાલન માટે કે પાર્ટીની અંદર શિસ્ત સ્થાપિત કરવાનો નથી. સામૂહિક અસહમતિ હોય તો તેની સામે ધમકીઓ ઉચ્ચાઇ શકાય નહીં. પાર્ટીના સામાન્ય કાર્યકર્તાઓ મૂકદર્શક ન બની શકે. આવા કેસોમાં સ્પીકરના હસ્તક્ષેપની કોઇ જરૂર નથી અને તેઓ ત્યારે જ કરે છે જ્યારે કોઈ રાજીખુશીથી રાજીનામું આપે અને પાર્ટીના લાભ માટે કોઇ ગુપ્ત ઉદ્દેશ્ય ન હોય. જેથી (અજિત જૂથના ધારાસભ્યોને ડિસ્કવોલિફાય કરવાની) અરજી ફગાવી દેવામાં આવી છે. 

    નોંધનીય છે કે અજિત પવાર જૂથે પણ શરદ પવાર જૂથ વિરુદ્ધ ધારાસભ્યોને બરતરફ કરવાની માંગ કરતી અરજી કરી હતી, પરંતુ તે પણ ફગાવી દેવામાં આવી છે. જેથી હાલ કોઇ જૂથના કોઇ MLA ડિસ્કવોલિફાય થશે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં