દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન, ભાજપના પૂર્વ પ્રમુખ અને રામ રથયાત્રાના નાયક ‘ભારત રત્ન’ લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) શુક્રવારે (8 નવેમ્બર, 2024) 97 વર્ષના થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ આ અવસરે કહ્યું છે કે આ વખતે તેમનો જન્મદિવસ ખાસ છે કારણ કે આ વર્ષે તેમને ભારત રત્ન આપવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણીને ભારતના અગ્રણી રાજનેતાઓમાંના એક ગણાવ્યા છે અને કહ્યું કે, તેમણે દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહે પણ અડવાણીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
Best wishes to Shri LK Advani Ji on his birthday. This year is even more special because he was conferred the Bharat Ratna for his outstanding service to our nation. Among India's most admired statesmen, he has devoted himself to furthering India's development. He has always been…
— Narendra Modi (@narendramodi) November 8, 2024
લાલકૃષ્ણ અડવાણી રામ મંદિર આંદોલન અને ભાજપના પ્રખર જમણેરી અવતાર માટે ભારતમાં હંમેશા જાણીતા રહેશે. તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે મળીને દેશને કોંગ્રેસ સિવાયનો એક રાષ્ટ્રવ્યાપી મજબૂત વિકલ્પ આપ્યો, જે વામપંથી વિચારધારા 5 દાયકામાં પણ ન કરી શકી.
લાલકૃષ્ણ અડવાણીનું જીવન પણ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. હવે તેઓ એવા ગણ્યાગાંઠ્યા નેતાઓમાંના એક છે જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો છે અને સાવરકર અને ગાંધી જેવા મહાન લોકોના સમયના સાક્ષી રહ્યા છે. લાલકૃષ્ણ અડવાણીનું જીવન પરિચયમાં ફિલ્મો, પુસ્તકો, આધ્યાત્મિકતા અને હિંદુત્વની રાજનીતિ, દરેક બાબતો રહી છે.
કરાચીમાં જન્મ, અંગ્રેજી ભણતર, પારસી પાડોશી
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ કરાચી, સિંધમાં (જે હવે પાકિસ્તાનમાં છે) થયો હતો. તેમના સિવાય તેના પરિવારમાં માત્ર તેના માતા-પિતા અને બહેન જ હતાં. તેમના જન્મ પછી તરત જ તેમના પરિવારે જમશેદ ક્વાર્ટર્સ (પારસી કોલોની) વિસ્તારમાં ‘લાલ કોટેજ’ નામનો એક માળનો બંગલો બનાવ્યો. ઘણા સમૃદ્ધ પારસી લોકો એ જ વિસ્તારમાં રહેતા હતા.
તેમનો પરિવાર સિંધી હિંદુઓની અમિલ શાખામાંથી આવતો હતો. આ લોકો લોહાનો રાજવંશના બે મુખ્ય ભાગો સાથે સંબંધ ધરાવતા હતા, જે વૈશ્ય સમુદાયના હતા. મુસ્લિમ સમ્રાટો પણ તેમની વહીવટી વ્યવસ્થામાં તેમની મદદ લેતા હતા.
આ સમુદાય નાનકપંથી રહેતો અને તેઓ શીખ ધર્મની ખૂબ નજીક હતા. પાછળથી સિંધમાં સરકારી નોકરીઓ પર પણ તેમનો દબદબો રહ્યો. લાલકૃષ્ણ અડવાણીના દાદા ધરમદાસ ખૂબચંદ અડવાણી સંસ્કૃતના વિદ્વાન હતા અને સરકારી હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક પણ હતા. તેના પિતા કિશનચંદ મોટા વેપારી હતા.
તેમનું શિક્ષણ ‘સેન્ટ પેટ્રિક્સ હાઇ સ્કૂલ ફોર બોયઝ’માં થયું હતું. આ શાળામાં, જેની સ્થાપના 1845માં આયર્લેન્ડના કેથોલિક મિશનરીઓ દ્વારા કરવામાં આવી હતી, એક ચર્ચ પણ હતું. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. લાલકૃષ્ણ અડવાણીનો 1936થી ’42નો સમય આ શાળામાં વીત્યો હતો.
ફિલ્મોથી પ્રેમ, પુસ્તકોનો શોખ
તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે કે ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણી બાળપણ અને યુવાનીમાં ખૂબ જ અંગ્રેજી ફિલ્મો જોતા હતા અને ઘણાં બધાં અંગ્રેજી પુસ્તકો વાંચતા હતા. લાલકૃષ્ણ અડવાણીનું સિનેમા અને અંગ્રેજી પુસ્તકો પ્રત્યેનું આકર્ષણ તેમના પ્રારંભિક જીવનનો એક વિશેષ ભાગ રહ્યો છે.
તેમણે પોતાની આત્મકથા ‘મારો દેશ, મારું જીવન‘માં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આમાં તેમણે જણાવ્યું છે કે કેવી રીતે તે પોતાના 4 મામાઓમાં સૌથી નાના મામા સાથે ઘણીવાર ફિલ્મો જોવા માટે જતા હતા. તેમણે પુસ્તકમાં ‘ફેન્કેનસ્ટાઇન’ નામની એક હોરર ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે, જે તેમણે તે સમયે જોઈ હતી.
લાલકૃષ્ણ અડવાણીના જીવનમાં 1942-56 દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમણે 15 વર્ષ સુધી કોઇ ફિલ્મ જોઇ ન હતી. પછી જ્યારે તે પોતાના મામા પાસે મુંબઈ ગયા ત્યારે તેમણે ‘હાઉસ ઓફ વેક્સ’ નામની ફિલ્મ જોઈ. આ એક 3ડી ફિલ્મ હતી. તે પણ એક મિસ્ટ્રી હોરર ફિલ્મ હતી.
લાલકૃષ્ણ અડવાણીનો પુસ્તકો પ્રત્યેનો પ્રેમ કોલેજ પહોંચ્યા પછી શરૂ થયો. અડવાણીએ 1942માં દયારામ ગિદુમલ કોલેજ, હૈદરાબાદમાં (પાકિસ્તાનનું) એડમિશન લીધું હતું. તેઓ અહીં કોલેજની લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચવામાં સમય પસાર કરતા હતા. તેમને વિદેશી વ્યવસ્થાઓમાં વધારે રસ હતો.
તેમણે ફ્રેન્ચ લેખક જૂલે વર્નની તમામ નવલકથાઓ વાંચી નાખી હતી – ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ’, ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અંડર ધ સી’, ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઝ’ વગેરે. આ ઉપરાંત લાલકૃષ્ણ અડવાણીએ ચાર્લ્સ ડિકન્સની ‘અ ટેલ ઓફ ટુ સિટીઝ’ અને એલેક્ઝાન્ડર ડુમાની નવલકથા ‘ધ થ્રી મસ્કિટિયર્સ’ પણ વાંચી હતી. તેમને ક્રિકેટમાં પણ રસ હતો.
સંઘે બદલી જીવનની દિશા
લાલકૃષ્ણ અડવાણીના રાજકારણમાં પ્રવેશનો પાયો એ જ દિવસે નંખાયો હતો જ્યારે તેઓ 14 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં (RSS) જોડાયા હતા. RSS સાથેનું તેમનું જોડાણ એક મિત્ર દ્વારા થયું હતું. RSSના માધ્યમથી તેઓ પૂર્ણકાલીન પ્રાંત પ્રચારક રાજપાલ પુરી સાથે પરિચયમાં આવ્યા, જેઓ તેમના માર્ગદર્શક પણ બન્યા.
જ્યારે RSSમાં તેમને બે રાષ્ટ્રના સિદ્ધાંત વિશે પણ જાણકારી મળી, જે અંતર્ગત મુસ્લિમ નેતાઓ પોતાના માટે અલગ ઈસ્લામિક દેશની માંગ કરી રહ્યા હતા. ભાગલાનો વિચાર કરીને તેમને આશ્ચર્ય થયું. આ સમય દરમિયાન તેમણે છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને ગુરુ ગોવિંદ સિંહ વિશેનાં પુસ્તકો વાંચ્યાં હતાં.
લાલકૃષ્ણ અડવાણીએ રાજપાલ પુરીની સલાહ બાદ 1857માં આઝાદીના પ્રથમ યુદ્ધ પર વીર વિનાયક દામોદર સાવરકર દ્વારા લખવામાં આવેલું પુસ્તક વાંચ્યું હતું. નવેમ્બર 1947માં એક સમય હતો જ્યારે અડવાણી સાવરકરને તેમના બોમ્બે નિવાસસ્થાને મળ્યા હતા અને દેશના ભાગલા અંગે ચર્ચા કરી હતી. RSSમાં રહેતા તેઓ સતત રાષ્ટ્રવાદ તરફ ઢળતા ગયા હતા.
દેશના ભાગલા અને મુંબઈમાં જીવનની નવી શરૂઆત
ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણી અને તેમનો પરિવાર 1947ના ભાગલામાં ભારત સ્થળાંતર થયો. અહીં તેઓ મુંબઈમાં સ્થાયી થયા. તેમના પિતાએ અહીં તેમનો વ્યવસાય ફરી શરૂ કર્યો, જ્યારે અડવાણી સંઘના કરાચી ક્ષેત્રના પ્રચારક તરીકે સંગઠનાત્મક કાર્યમાં મગ્ન થઈ ગયા.
1947થી 1951 વચ્ચે લાલકૃષ્ણ અડવાણીએ રાજસ્થાનના અલગ-અલગ ભાગોમાં સંઘ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારપછી જ્યારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ, ત્યારે તે તેના પ્રથમ કેટલાક સભ્યોમાંના એક હતા. 1957 સુધીમાં અડવાણી પાર્ટીના મહાસચિવ બની ગયા હતા અને બાદમાં તેઓ દિલ્હી જનસંઘના અધ્યક્ષ પણ બન્યા હતા.
આ સમય દરમિયાન અટલ બિહારી વાજપેયી સાથે તેમની નિકટતા વધી. તેઓ વાજપેયી અને અન્ય નેતાઓને તેમના સંસદીય કાર્યમાં મદદ કરતા હતા. અડવાણી 1970 સુધી દિલ્હીના રાજકારણમાં સક્રિય હતા. તેઓ અહીંની સ્થાનિક સંસ્થાના વડા પણ હતા. 1970માં તેઓ દિલ્હીથી પહેલીવાર રાજ્યસભામાં પહોંચ્યા હતા. ઇન્દિરા ગાંધી સરકારમાં કટોકટીનો વિરોધ કરવા બદલ તેમને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા હતા.
1977માં જ્યારે મોરારજી દેસાઈની જનતા પાર્ટી દેશમાં સત્તા પર આવી ત્યારે તેઓ સૂચના અને પ્રસારણ બાબતોના કેબિનેટ મંત્રી બન્યા. 1980 સુધીમાં સમાજવાદીઓ દેશને કોંગ્રેસનો વિકલ્પ આપી શકે તેમ નથી તે વાત સ્પષ્ટ થઈ જતાં તેમણે અટલ બિહારી વાજપેયી સાથે ભાજપનો પાયો નાખ્યો હતો.
RSSના પ્રચારક બન્યા હિંદુત્વના નાયક
1988 સુધીમાં ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણી બે વખત ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. આ દરમિયાન દેશમાં રામ મંદિર આંદોલન વેગ પકડી રહ્યું હતું. અત્યાર સુધી સૌમ્ય સ્વભાવના મનાતા લાલકૃષ્ણ અડવાણીએ આ મંદિર આંદોલનને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે રામરથ યાત્રાની જાહેરાત કરી હતી.
આ યાત્રા 25 સપ્ટેમ્બરે સોમનાથથી શરૂ થઈ હતી અને અલગ-અલગ રાજ્યોમાંથી પસાર થયા બાદ 30 ઑક્ટોબર, 1990ના રોજ અયોધ્યા પહોંચવાની હતી. જ્યાં પણ તેમનો રામરથ પસાર થતો, ત્યાં લોકો તેની ધૂળ માથે ચઢાવતા. રથની પાછળ હિંદુઓની મોટી રેલી ચાલી. લોકો એક જ વાત કહેતા, “લાઠી-ગોલી ખાયેંગે, મંદિર વહીં બનાયેંગે”
અડવાણીની આ રથયાત્રાની અસર એ થઈ કે દેશભરમાંથી કારસેવકો અયોધ્યામાં એકઠા થવા લાગ્યા. કારસેવકો મક્કમ હતા કે તત્કાલીન રાજ્ય સરકાર ગમે તેટલી મહેનત કરે તો પણ મંદિર નિર્માણ કરવામાં આવશે. આ કડીમાં 30 ઑક્ટોબર, 1990ના રોજ અયોધ્યામાં કારસેવકો પર ફાયરિંગ થયું હતું, જેમાં કોઠારી બંધુઓ સહિત અઢળક કારસેવકો વીરગતિ પામ્યા હતા.
એક કારસેવકે મરતી વખતે પોતાના લોહીથી રસ્તા પર ‘જય શ્રી રામ’ લખ્યું હતું. યાત્રા શરૂ થયા બાદ એક તરફ દેશના કરોડો હિંદુઓની આસ્થાના સેવક અડવાણી ઊભા હતા તો બીજી તરફ વીપી સિંહ, મુલાયમ સિંહ અને લાલુ યાદવ જેવા નેતાઓ વધુને વધુ મુસ્લિમ મતો એકઠા કરવા માટે અંદરોઅંદર સ્પર્ધા કરી રહ્યા હતા.
બિહારના સમસ્તીપુરમાં લાલુ યાદવે આ યાત્રા રોકી હતી. લાલુ યાદવ આ પગલા દ્વારા પોતાને મુસ્લિમોના મસીહા તરીકે સ્થાપિત કરવા માંગતા હતા. આ સાથે જ તેઓ એ પણ બતાવવા માંગતા હતા કે તેઓ એકમાત્ર એવી તાકાત છે જે દેશમાં હિંદુત્વના ઉદયને રોકી શકે છે.
રામ રથયાત્રાએ મંદિર આંદોલનને ઘરે-ઘરે ચર્ચાનું કારણ બનાવ્યું હતું. અડવાણીને આંદોલનના રાજકીય નેતા તરીકે નિર્વિવાદપણે માન્યતા આપવામાં આવી હતી. અડવાણીએ પણ પીછેહઠ કર્યા વગર કહ્યું હતું કે મંદિર ત્યાં જ બનશે, અને કોઈ તેના નિર્માણને રોકી નહીં શકે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, દેશની અદાલતો નક્કી નહીં કરે કે કરોડો સનાતનીઓના આરાધ્યનો જન્મ ક્યાં થયો છે.
આ આંદોલન અને રામ રથયાત્રા પછી હિંદુત્વ અને જમણેરીઓનો વિકલ્પ દેશના રાજકારણમાં માર્ક્સવાદ, વામપંથ, સમાજવાદ અને કોંગ્રેસના તકવાદની સમકક્ષ ઊભો રહ્યો. અડવાણીએ આ હિંદુત્વને દેશના પટલ પર એવી તાકાત બનાવી, જેનો તોડ કોંગ્રેસ જેવા પક્ષો આજ સુધી શોધી શક્યા નથી.
ઉપ-વડાપ્રધાન, ભારત રત્ન અને પાર્ટીનો ઉદય
ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણી માત્ર હિંદુત્વના જ નાયક નથી, પરંતુ દેશની સૌથી મોટી રાજકીય હસ્તીઓ પૈકીના એક છે. અડવાણી દેશના નાયબ વડાપ્રધાન રહ્યા, ગૃહમંત્રી રહ્યા. તેઓ ભાજપના અધ્યક્ષ થયા અને તે જ સમયે નરેન્દ્ર મોદી જેવા નેતાઓને તેમના હાથ નીચે રાજકારણની બારીકાઈઓ શીખવાની તક મળી.
તેમની નજર સામે જ પાર્ટી અત્યાર સુધી 6 વખત કેન્દ્રમાં સત્તામાં રહી ચૂકી છે. તેમની સામે જ પાર્ટીનું વિસ્તરણ 2 સીટથી 300 સુધી પહોંચી ગયું છે. પાર્ટી ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાંથી કર્ણાટક અને કેરળ તરફ વળી છે અને પૂર્વોત્તર રાજ્યોમાં કોંગ્રેસ અને ડાબેરીઓનો સફાયો કરી નાખ્યો છે.