લોકસભા ચૂંટણીને હવે વધુ સમય રહ્યો નથી પરંતુ બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ બનાવેલા INDI ગઠબંધનમાં કોઇ પ્રગતિ થઈ રહી નથી. બીજી તરફ એક પછી એક પ્રાદેશિક પાર્ટીઓ કોંગ્રેસનો સાથ છોડતી જાય છે. હવે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પંજાબ અને ચંદીગઢમાં એકલા જ ચૂંટણી લડવાનું એલાન કરીને આગામી થોડા દિવસોમાં ઉમેદવારો ઉતરવાની પણ ઘોષણા કરી દીધી છે.
આવી ઘોષણા કેજરીવાલ અગાઉ પણ કરી ચૂક્યા છે. હવે ફરી એક વખત શનિવારે (10 ફેબ્રુઆરી) તેમણે કહ્યું કે પંજાબની તમામ 13 અને ચંદીગઢની 1 એમ કુલ 14 બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે.
કેજરીવાલે પંજાબમાં એક સભા સંબોધતાં કહ્યું, “આજે હું હાથ જોડીને તમારા આશીર્વાદ માગવા આવ્યો છું. પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે અને 1 બેઠક ચંદીગઢની છે. 14 બેઠકો છે. આવનારા 10-15 દિવસની અંદર આમ આદમી પાર્ટી આ તમામ 14 બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દેશે. તેમણે લોકોને સંબોધીને કહ્યું કે, હવે તમારી ઉપર છે કે જે રીતે વિધાનસભામાં આમ આદમી પાર્ટીને પંજાબમાં સમર્થન કર્યું હતું તેવું જ સમર્થન કરીને તમામ 14 ઉમેદવારોને જીતાડવાના છે.
VIDEO | Here's what Delhi CM Arvind Kejriwal (@ArvindKejriwal) said about fielding AAP candidates in Punjab, Chandigarh for Lok Sabha Election 2024.
— Press Trust of India (@PTI_News) February 10, 2024
"Today, I again seek your blessing with folded hands. There will be Lok Sabha elections after two months. In Punjab there are 13… pic.twitter.com/YInkC8tTk7
નોંધવું જોઈએ કે ક્યાંય પણ 2 પાર્ટીઓ વચ્ચે જો ગઠબંધન હોય તો બેઠકોની વહેંચણી થાય છે અને એક બેઠક પર જ્યાં એક પાર્ટીનો ઉમેદવાર હોય ત્યાં ગઠબંધનની બીજી સહયોગી પાર્ટી પોતાનો ઉમેદવાર ન ઉતારે. પરંતુ હવે કેજરીવાલે એકલા જ લડવાનું એલાન કરીને કોંગ્રેસને ઝાટકો આપ્યો છે. એટલે કે હવે કોંગ્રેસ અને AAP સાથે મળીને નહીં પરંતુ અલગ-અલગ જ લડશે.
આ પહેલાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પણ આવું જ એલાન કરી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે, તેઓ INDI ગઠબંધનનો ભાગ ભલે હોય પરંતુ બંગાળમાં તેમની પાર્ટી TMC એકલી જ ચૂંટણી લડશે. પછીથી તેમણે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ વિશે પણ અમુક ટિપ્પણીઓ કરી. મમતા બેનર્જીના એલાન બાદ પંજાબમાં પણ કોંગ્રેસ સાથે આવો જ ઘાટ થશે તેવું માનવામાં આવી રહ્યું હતું, હવે અરવિંદ કેજરીવાલે તેની ઉપર મહોર મારી દીધી છે.
આ તરફ ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ત્યાં પણ અખિલેશ યાદવે કોંગ્રેસને માત્ર 11 બેઠકો આપવાનું એલાન કર્યું છે, જ્યારે રાજ્યમાં લોકસભાની કુલ બેઠકો છે 80. આ સ્થિતિમાં સંઘ કાશીએ પહોંચશે કે કેમ તે મોટો સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે.