દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ED સમક્ષ હાજર થવાની ના પડી દીધી છે. તેમણે EDને જવાબ આપતો એક પત્ર લખ્યો છે. આ અંગે AAP પાર્ટીનું કહેવું છે કે, ED દ્વારા મોકલવામાં આવેલા નોટિસ ગેરકાયદેસર છે અને આ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટેનું કાવતરું છે.
અહેવાલો પ્રમાણે દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ અંગેની પુછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને ત્રીજી વાર કાનૂની નોટિસ પાઠવી હતી. આ પહેલા બે વારની નોટિસમાં તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારે હવે ત્રીજી વારની નોટિસના જવાબમાં પણ આપનેતાએ ED સમક્ષ હાજર થવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
અરવિંદ કેજરીવાલે EDને જવાબ આપતો એક પત્ર લખ્યો છે. આ અંગે આમ આદમી પાર્ટીએ EDની નોટિસને ગેરકાયદેસર ગણાવતા કહ્યું, કે અરવિંદ કેજરીવાલ EDની તપાસમાં સહયોગ આપવા તૈયાર છે. પરંતુ એજન્સી દ્વારા મોકલવામાં આવેલ નોટિસ ગેરકાયદેસર છે. આ તેમની ધરપકડ કરવા માટેનું ષડ્યંત્ર છે. આ અરવિંદ કેજરીવાલને ચુંટણી પ્રચાર કરતા રોકવા માટેનો એક પ્રયાસ છે.
Delhi CM Arvind Kejriwal will not go to the ED office today, CM wrote to ED.
— ANI (@ANI) January 3, 2024
"Ready to cooperate in ED investigation but the agency's notice is illegal. Their intention is to arrest Arvind Kejriwal. They want to stop him from election campaign: AAP https://t.co/Wh1GzkDAK4
ઉલ્લખનીય છે કે આ પહેલાં પણ 2 વાર ED અરવિંદ કેજરીવાલને સમન પાઠવી ચુકી છે. પરંતુ દર વખતે આપ નેતા કોઈને કોઈ બહાનું બતાવી ED સમક્ષ હાજર થતા નથી. આ પહેલાં EDએ 2 નવેમ્બર 2023ના રોજ CM કેજરીવાલને નોટિસ મોકલી હતી ત્યારે તેઓએ ચુંટણી પ્રચારની વ્યસ્તતાનું કારણ આપી ઈડીને સમન્સ પાછું ખેંચવા જણાવ્યું હતું અને ED સમક્ષ હાજર થયા ન હતા.
જે પછી તપાસ એજન્સીએ 18 ડિસેમ્બરે બીજી નોટિસ મોકલી હતી. જેમાં તેમને 21મી ડિસેમ્બરે હાજર રહેવા જણાવ્યું હતું. જેમાં પણ તેઓએ ‘પહેલાથી નક્કી કરેલા’ વિપશ્યના કાર્યક્રમમાં 30 ડિસેમ્બર સુધી રોકાશે એમ જણાવી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સામે હાજર ન થઇ શકવાની અસમર્થતા દર્શાવી હતી. આમ અત્યાર સુધી કુલ ત્રણ વાર તપાસ એજન્સી દ્વારા આ પ્રકારે સમન મોકલવામાં આવ્યું છે. પરંતુ એક પણ વખત અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા નથી.
આ મામલે મંગળવારે (2 જાન્યુઆરી 2024) આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે કહ્યું, “ED દ્વારા અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલ નોટિસ સામે પાર્ટી કાનૂની કાર્યવાહી કરશે. અમારી કાયદાકિય ટીમ આ સવાલનો જવાબ આપવા માટે તૈયાર છે. અમે કાયદેસર કામ કરીશું.”
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનું નામ પણ લિકર પોલિસી કૌભાંડ સાથે જોડાયું હતું. જેમાં અત્યાર સુધીમાં આપ નેતા મનીષ સિસોદિયા જેલભેગા થઈ ચૂક્યા છે. તાજેતરમાં AAP સાંસદ સંજય સિંઘની પણ આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પણ હાલ જેલમાં છે.