ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં નાગરિકોએ ભાજપને અભૂતપૂર્વ બેઠકો આપી છે. તો સામે કોઈ વિપક્ષી દળને વિરોધપક્ષ બનવા લાયક પણ નથી છોડ્યો એવી કારમી હાર આપી છે. આવામાં પોતાની હારથી વ્યથિત આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તાએ હિન્દૂ ધાર્મિક સંસ્થાઓ પર હુમલો કરીને પોતાનો બળાપો કાઢ્યો છે.
આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા યોગેશ જાદવાણીએ ટ્વીટ કરીને લખ્યું કે, “સુરતમાં AAPના મુખ્ય ચહેરાઓનું ચૂંટણી હારવાનું કારણ BAPS, હરિધામ સોખડા, વડતાલ ગાદી સહિતની સ્વામિનારાયણ અને બીજી અન્ય ધાર્મિક સંસ્થાઓ છે.”
પોતાની આ જ ટ્વીટમાં તે આગળ લખે છે કે, “મતદાનના આગળના દિવસે તમામ સંસ્થાઓએ અરવિંદ કેજરીવાલ મુસલમાન છે એટલે AAPને મત નહિ આપવો એવું જુઠ્ઠાણું ફેલાવેલું અને ભરમાવેલા.”
યોગેશ જાદવાણીએ પોતાની ટ્વીટમાં હિન્દૂ સંસ્થાઓ, ખાસ કરીને સ્વામિનારાયણ સંસ્થાઓ, પર આરોપ તો લગાવ્યો હતો પરંતુ એ આરોપ સાબિત કરી શકે તેવા કોઈ પુરાવા નહોતા મુક્યા.
જે બાદ ભાજપે તરત જ વળતો પ્રહાર કર્યો હતો. ભાજપમાં ગુજરાત પ્રદેશના મીડિયા સહ-પ્રભારી ઝુબીન આશરાએ વળતો જવાબ આપતા લખ્યું હતું કે, “ચૂંટણી પૂરી થતાં જ આમ આદમી પાર્ટીએ પોતાનો હિંદુ વિરોધી ચહેરો બતાવવાનું શરૂ કરી દીધું હતું. BAPS, હરિધામ, સ્વામિનારાયણ, આ બધી સંસ્થાઓ આપણા માટે આદરણીય છે, આ રીતે કાદવ ઉછાળીને તેમનું અપમાન કરવું એ નિંદનીય છે.”
આ સાથે જ તેમણે આ બાબતે અરવિંદ કેજરીવાલને ટાંકીને કહ્યું હતું કે, “તેમણે માફી મંગાવી જોઈએ.”
ઇટાલિયાએ સ્વામિનારાયણ સંપ્રદાયને કહ્યો હતો ‘BullShit’
જો કે આ પહેલી વાર નથી કે AAPના કોઈ નેતાએ હિન્દૂ ધર્મ કે સ્વામિનારાયણ સંપ્રદાય પર કાદવ ઉછાળ્યું હોય. થોડા સમય પહેલા જ AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો સ્વામિનારાયણ સંપ્રદાયને ‘Bullshit‘ કહેતો વિડીયો વાઇરલ થયો હતો.
Gopal Italia, AAP state president, and close confidant of Kejriwal, ridicules followers of Swaminarayan Sampraday and calls their beliefs “BULLSHIT”.
— Amit Malviya (@amitmalviya) November 29, 2022
Millions of Hindus across the world revere and follow teachings of Bhagwan Swaminarayan.
Gujarat will never accept such bigots… pic.twitter.com/cz2T1QeBal
વાઇરલ વીડિયોમાં આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય અને તેમના અનુયાયીઓનું અપમાન કરતા દેખાઈ રહ્યા હતા.
ઇટાલિયા કહે છે, “આ લોકો લસણ ડુંગળી ન ખાવાનું કહે છે. આપણી બાજુમાં કોઈ બેઠું હોય અને પૂછીએ લસણ ડુંગળી નથી ખાતા એટલે ખબર પડી જાય કે તે કયા મંદિરના કે સમુદાયના છે. આ બધું એક મોટું બુલશીટ (બકવાસ) છે.” તેમણે આગળ કહ્યું હતું, “આ સંપ્રદાયને માનનારાઓ ખોટા હોય છે અને હું તેમનો નિષેધ કરું છું.”
આમ ગજરાતની જનતાએ તેમને હળાહળ નકારી દેતા કારમી હાર આપી હોવા છતાં આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પોતાના હિન્દૂ ધર્મ વિરોધી વલણમાંથી બહાર આવી રહેલા માલુમ નથી પડી રહ્યા.