Wednesday, April 1, 2026
More
    હોમપેજરાજકારણમેકૉલે માઇન્ડસેટ, મોદીનો સંકલ્પ

    મેકૉલે માઇન્ડસેટ, મોદીનો સંકલ્પ

    જે મેકૉલેનું નામ મોદીએ મંચ પરથી લીધું તેના વિશે આપણે ભણી ચૂક્યા છીએ. પણ પાઠ્યપુસ્તકો કે ઇતિહાસનાં પણ મોટાભાગનાં પુસ્તકમાં તેને સુધારાવાદી તરીકે અને નવી શિક્ષણ પદ્ધતિ લાગુ કરનાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ પણ આ કોલોનિયલ માનસિકતાનું જ પરિણામ છે. વાસ્તવમાં તેણે શું કરતૂતો કરી હતી તેના વિશે પીએમ મોદી સમજાવે છે.

    - Advertisement -

    પાટનગર નવી દિલ્હીમાં અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા સ્થાપક રામનાથ ગોયન્કાના નામે આયોજિત કાર્યક્રમ ‘રામનાથ ગોયન્કા લેક્ચર’ના છઠ્ઠા સંસ્કરણને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યું. લગભગ પાંત્રીસેક મિનિટના આ કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશને લગતી, દેશના વર્તમાન સામાજિક-રાજકીય વાતાવરણને લગતી, ચૂંટણીને લગતી, વિકાસને લગતી ઘણી વાતો કહી છે. સાંભળવા જેવી છે.

    આ જ કાર્યક્રમના અંત ભાગમાં મોદીએ લગભગ દસેક મિનિટ એક બહુ અગત્યના વિષય માટે ફાળવી. આ વિષય સંભવતઃ આજ સુધી કોઈએ આટલા મોટા મંચ પરથી સ્પર્શ્યો નથી. ભૂતકાળના વડા પ્રધાનોએ કે અહીં સુધી મંત્રીઓએ પણ આ વિષય પર ધ્યાન આપ્યું હોય એવી આશા રાખવી વધારે પડતી છે. મહેનત કરીને ઇતિહાસ તપાસીએ તોય નિરાશા જ સાંપડવાની. પણ નરેન્દ્ર મોદીએ બહુ સમયસર ધ્યાન દોર્યું.

    અંગ્રેજો શાસન માટે આવ્યા ત્યારે જ બહુ લાંબો સમય અહીં ટકી રહેવાના ઇરાદે ધામા નાખ્યા હતા. આ બધું ઇતિહાસમાં આપણે જોઈ ચૂક્યા છીએ. કોઈ પ્રજા પર શાસન કરવા માટે, તેને ગુલામી હેઠળ લાવવા માટે તેની માનસિકતા પર કામ કરવું પડે છે. તેને મૂળ ઓળખથી વિમુખ કરીને એ માનસિકતા હેઠળ લાવવી પડે છે કે તેની ઉપર શાસન કરનારાના તોર-તરીકા જ જીવનમાં આગળ વધવા માટે એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે. અંગ્રેજોએ આ કામ બખૂબી કર્યું. તેના માટે શિક્ષણ વ્યવસ્થામાં જોઈએ તેટલા તમામ સુધારા કરવામાં આવ્યા, ઇતિહાસ એ રીતે લખવામાં આવ્યો, સરકારો એ રીતે ચલાવવામાં આવી.

    - Advertisement -

    અંગ્રેજોએ જે માનસિકતા આપણા મગજમાં નાખી એને ‘કોલોનિયલ માઇન્ડસેટ’ કહીએ. બહુ ગુજરાતી કરીએ તો ઉપનિવેશવાદ થાય. આ માનસિકતા અંગ્રેજ શાસન બાદ પણ જેમની તેમ રહી અને અમુક કિસ્સાઓમાં વધારે બળવત્તર બનતી ગઈ. ‘ડિકોલોનાઇઝેશન’નું કામ 1947માં પહેલી સરકાર બની એના પહેલા દિવસથી શરૂ થઈ જવું જોઈતું હતું, પણ જવાહરલાલ નેહરુ જેવા નેતાઓ સત્તાના શિખરે બેઠા હોય, જેઓ પોતે આ માનસિકતાથી ‘પીડાતા’ હોય તો તમે આવી આશા રાખી શકો નહીં. ત્યારપછી જે સરકારો આવી એ પણ વત્તે-ઓછે અંશે આ જ માનસિકતા સાથે કામ કરતી રહી. એટલે જ આ ગુલામીની માનસિકતા અહીં રહી ગઈ. નરેન્દ્ર મોદીએ હવે આ માનસિકતાને ખતમ કરવાનું બીડું ઝડપ્યું છે.

    મોદી કહે છે, “ભારતની મૂળ શિક્ષણવ્યવસ્થા એટલી સુંદર હતી, જેમાં આપણને આપણી સંસ્કૃતિ પર ગર્વ કરવાનું શીખવવામાં આવતું હતું. તેમાં ભણતર સાથે કૌશલ્ય પર એટલો જ ભાર આપવામાં આવતો. એટલે બ્રિટિશ સાંસદ મેકૉલેએ ભારતીય શિક્ષણ વ્યવસ્થાની કમર તોડવાનું નક્કી કર્યું અને તેમાં સફળ પણ રહ્યો. તે સમયે બ્રિટિશ માન્યતાઓને, બ્રિટિશ ભાષા, બ્રિટિશ સોર્સને વધુ માન્યતા મળે તે સુનિશ્ચિત કર્યું અને તેનું પરિણામ ભારતે પછીની સદીઓમાં ભોગવવું પડ્યું.”

    જે મેકૉલેનું નામ મોદીએ મંચ પરથી લીધું તેના વિશે આપણે ભણી ચૂક્યા છીએ. પણ પાઠ્યપુસ્તકો કે ઇતિહાસનાં પણ મોટાભાગનાં પુસ્તકમાં તેને સુધારાવાદી તરીકે અને નવી શિક્ષણ પદ્ધતિ લાગુ કરનાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ પણ આ કોલોનિયલ માનસિકતાનું જ પરિણામ છે. વાસ્તવમાં તેણે શું કરતૂતો કરી હતી તેના વિશે પીએમ મોદી સમજાવે છે.

    1835 યાદ કરાવીને પીએમ મોદીએ કહ્યું, “1835માં બ્રિટિશ સાંસદ મેકૉલેએ ભારતને પોતાનાં મૂળથી વિમુખ કરવા મોટું અભિયાન ઉપાડ્યું હતું. તેનો ઉદ્દેશ્ય એ હતો કે ભારતીયો દેખાવમાં પણ ભારતીય રહે, પણ મનથી અંગ્રેજ રહે. તેના માટે તેણે ભારતીય શિક્ષણ વ્યવસ્થાને નષ્ટ કરવાનું અભિયાન ઉપાડ્યું.”

    તેમણે આગળ કહ્યું, “મેકૉલેએ આપણો આત્મવિશ્વાસ તોડી નાખ્યો. આપણી અંદર એક હીનભાવનાનો સંચાર કરી દીધો. એક ઝાટકે આપણાં હજારો વર્ષોનાં જ્ઞાન-વિજ્ઞાન અને જીવનશૈલીને કચરાપેટીમાં ફેંકી દીધાં. ત્યાં જ એ બી વવાયાં કે ભારતીયોએ આગળ વધવું હોય તો વિદેશી પદ્ધતિ પ્રમાણે જ કરવું જોઈએ. આ ભાવ સ્વતંત્રતા પછી પણ યથાવત રહ્યો.”

    “આપણું શિક્ષણ, આપણી અર્થવ્યવસ્થા, આપણી સામાજિક વ્યવસ્થાઓ… બધું જ વિદેશો સાથે જોડાઈ ગયું. જે આપણું છે તેની ઉપર ગૌરવ કરવાનો ભાવ ઓછો થતો ગયો. ગાંધીજીએ જે સ્વદેશીને સ્વતંત્રતાનો આધાર બનાવ્યો હતું, તેને પૂછનારું કોઈ ન રહ્યું. આપણે ગવર્નન્સથી માંડીને ઇનોવેશન માટે વિદેશો તરફ નજર કરવા માંડ્યા અને આ જ માનસિકતાના કારણે ઈમ્પોર્ટેડ આઈડિયા, ઈમ્પોર્ટેડ સામાન અને સર્વિસને જ શ્રેષ્ઠ માનવાની પ્રકૃતિ સમાજમાં સ્થાપિત થઈ ગઈ.”

    આ વાત આ રીતે જાહેર મંચ પરથી ઓછી ચર્ચાઈ છે. સરકાર સ્તરેથી તો બહુ ઓછી. 2014 પહેલાં લગભગ નહિવત્. પરંતુ આ કામ સૌથી જરૂરી છે. 2014માં વૈચારિક પવન બદલાયો પછી પરિવર્તન દેખાય છે. પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાના ધર્મ પ્રત્યે હીનભાવના ઓછી થતી જાય છે. માઈન્ડસેટ બદલવાં, વિચારધારાઓ પર કામ કરવું એ એક-બે કે પાંચ વર્ષનું કામ નથી, કે ઇવન એક દાયકાનું પણ નથી એટલે બહુ ફેર ન દેખાતો હોય પણ સાવ ન ફેર પડ્યો હોય એમ પણ નથી.

    ઇતિહાસ હવે નવેસરથી લખાવાનો ધીમેધીમે શરૂ થયો છે. જાહેર મંચો પર હવે એવા વિષયો ચર્ચાવા માંડ્યા છે, જેમને પહેલાં સ્પર્શવામાં જ આવતા ન હતા, કારણ કે આપણે વેસ્ટર્ન દેશો પાસેથી સર્ટિફિકેટ લેવાની હોડમાં રહેતા હતા. વર્ષો સુધી આપણી સરકારો, આપણું મીડિયા, આપણા લોકો પશ્ચિમી મીડિયા શું કહે છે એની ઉપર બહુ આધાર રાખતા હતા, હવે તેમને ગંભીરતાથી લેવાનું ઓછું કરવાનું શરૂ કર્યું છે. હજુ થોડો સમય લાગશે. આ એક ઉદાહરણ થયું, આવું દરેક ક્ષેત્રમાં જોવા મળતું.

    આ કામ સમાજના સ્તરે શરૂ થઈ ગયું હતું તો સરકારે પણ જે થઈ શકે એ કર્યું જ છે. એક બહુ નાનું ઉદાહરણ છે પણ તેની અસર મોટી થાય છે. વડા પ્રધાન મોદી તેમના લેટર હેડમાં હિંદુ તિથિ પણ લખે છે. રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવું કે પછી શાસનમાં અમુક પરિવર્તનો લાવવાં– આ બધું જ જરૂરી છે. સરકાર કરતી રહી છે.

    આ માટે મોદી પોતાની રીતે પણ ઘણું કરતા રહ્યા છે. તેઓ સંભવતઃ પહેલા વડા પ્રધાન છે જેઓ મંદિરોમાં જવામાં છોછ અનુભવતા નથી. માથે ચંદન લગાવીને શિવજીની પૂજા કરવામાં ગર્વ અનુભવે છે. મંદિરોમાં જાય છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરે છે. તેમના શાસનકાળ દરમિયાન જે વૈચારિક પવન બદલાયો એનું જ પરિણામ છે કે આપણે હવે આપણાં ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણા વારસા પર હીનભાવના અનુભવ્યા કરવાને બદલે ગર્વ લેતા થયા છીએ.

    હવે વડા પ્રધાન મોદીએ સંકલ્પ જાહેર કર્યો છે, 2035માં જ્યારે મેકૉલેના કારસ્તાનનાં 200 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ માનસિકતામાંથી સંપૂર્ણપણે મુક્તિ મેળવવાનો. સમાજ પોતાની રીતે કરતો રહ્યો છે, કરતો રહેશે, પણ સત્તાનું તેને સમર્થન મળે, પ્રોત્સાહન મળે ત્યારે ડબલ એન્જિન જેવું કામ શરૂ થઈ જાય છે. દસ વર્ષમાં આપણે આ કામ પાર પાડીએ તો 2047ની વિકસિત ભારતની યાત્રા વધારે સરળ થઈ જશે એ મોદીને ખબર છે. મોદીને એ પણ ખબર છે કે કોલોનિયલ માઇન્ડસેટ માત્ર અંગ્રેજોના સંદર્ભમાં જ નહીં, ઈસ્લામિક શાસનના સંદર્ભમાં પણ એટલું જ લાગુ પડે છે. તેમાંથી પણ મુક્તિ મળશે. થોડું કામ સરકાર કરશે, ઘણુંખરું કામ સમાજે ઉપાડી લેવું પડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં