દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો રકાસ અને નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ નામના ઇસમનો પરાજય- આ બંને આ દાયકાની નિર્ણાયક ઘટનાઓ સાબિત થશે તેમાં કોઈ શંકા નથી. પાટનગરની ચૂંટણીનાં પરિણામો આવનારાં ઘણાં વર્ષો માટે ભારતીય રાજકારણનાં સમીકરણો ગોઠવવામાં ભૂમિકા ભજવવાનાં હતાં અને તે યોગ્ય રીતે ગોઠવાય તે માટે આમ આદમી પાર્ટી અને કેજરીવાલની હાર અત્યંત જરૂરી હતી.
જો કેજરીવાલની જીત થઈ હોત, ‘આપ’ની જીત થઈ હોત તો તેમણે આ પાછલા એક દાયકામાં જે ગંદુ, ઉતરતી કક્ષાનું અને ભયાનક રાજકારણ કર્યું તેની ઉપર એક થપ્પો લાગી ગયો હોત, એક પ્રકારનું જનતાનું વેલિડેશન મળી ગયું હોત અને તેના આધારે આ લોકોએ બીજાં પાંચ વર્ષ સુધી જે ગંદવાડ મચાવ્યો હોત તેને સાફ કરવામાં ઘણા બધાની મહેનત લાગી હોત અને અનેક રીતે નુકસાન થયું હોત એ અલગ.
એક આંદોલનના જોરે મુખ્યધારાના રાજકારણમાં પ્રવેશેલા આ ભાઈએ પછીથી એક આખી પાર્ટી બનાવી નાખી અને ત્યારબાદ રાજકારણ બદલવાનાં સપનાં દેખાડીને પોતે જે સિસ્ટમ બદલવાની વાત કહી હતી એ જ સિસ્ટમમાં રહીને પોતે જે ન કરવાનું કહ્યું હતું, પોતે જેની સામે લડત ચલાવવાના વાયદા કર્યા હતા એ જ ધંધા આદરવા માંડ્યા અને પછી જે થયું એ તો રાજકારણ સમજનારા સૌ કોઈ જાણે છે.
સંભવતઃ આ એકમાત્ર એવી પાર્ટી હશે, જે સ્થાપના પછી તુરંત સત્તામાં આવી ગઈ હતી અને સત્તાનો નશો એવો છે કે ભલભલાને માર્ગ ભટકતા કરી દે છે. કેજરીવાલના કિસ્સામાં એવું હતું કે માર્ગ ભટકવો એ પહેલેથી નક્કી હતું, પણ માર્ગ સુધી પહોંચવા માટે નાટકો એવાં કર્યાં અને એક છદ્માવરણ એવું તૈયાર કર્યું કે ભલભલા વાતમાં આવી ગયા હતા.
ભારતનું રાજકારણ નૈતિકતા અને પ્રમાણિકતા છોડી ચૂક્યાને દાયકાઓ વીતી ગયા છે, પણ સત્તા સુધી પહોંચવાની મહત્ત્વાકાંક્ષા અને પછીથી રાષ્ટ્રીય સ્તરે વિકલ્પ બનવાની લાલસામાં કેજરીવાલે કોઈ સીમા ન રાખી. અહીં સુધી કે સર્જિકલ સ્ટ્રાઈકના સબૂતો માંગવા સુધી પહોંચ્યા કે નરેન્દ્ર મોદી અને અન્ય રાજકારણીઓ પર છેક છેલ્લી કક્ષાના પ્રહારો કરીને ગરિમા બાજુ પર મૂકી દીધી. અહીં સુધી કે કાશ્મીરી હિંદુઓની પીડા દર્શાવતી ફિલ્મની મજાક ઉડાવવાનું અને રામ મંદિરનો વિરોધ કરવાનું દુષ્કૃત્ય પણ આ વ્યક્તિ કરી ચૂકી છે.
રાજકીય પક્ષો સત્તા સુધી પહોંચવા માટે શામ, દામ, દંડ અને ભેદ અપનાવે એ જાણીતી વાત છે પણ આ ભાઈ તેનાથી પણ ઘણા આગળ નીકળી ગયા, જ્યાં આજ સુધી કોઈ પહોંચ્યું ન હતું. કેજરીવાલે રાજકારણની શરૂઆત જે લોકોના વિરોધ સાથે કરી હતી, જેમને સત્તાની ગાદી પરથી ઉખાડી ફેંકવાના સંકલ્પ સાથે એક પાર્ટીની સ્થાપના કરી હતી, એક દાયકા પછી કોઈ લાજ-શરમ રાખ્યા વગર તેમની ટોળકીમાં જઈને તેઓ ગોઠવાય ગયા. પોતે ગાડી-બંગલા ન લેવાની ઘોષણા કરી ચૂકેલા આ નેતાજીએ કોરોના મહામારી વખતે કરોડો રૂપિયાના ખર્ચે શીશમહેલ તાણી બાંધ્યો હતો. પોતે જે-જે વાયદાઓ કરીને સરકારો બનાવતા રહ્યા તે વાયદાઓ પર લેશમાત્ર કામ ન કર્યું અને જ્યારે પ્રશ્નો થયા ત્યારે ‘ઉપરાજ્યપાલ કામ કરવા નથી દેતા’ કે ‘કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી રહી છે’નાં તદ્દન વાહિયાત બહાનાં ધરી દેવામાં આવ્યાં.
કોઈ પ્રકારના આધાર-પુરાવા વગર આરોપો લગાવી દેવા, કોઈ ઠોસ અને નક્કર તથ્યો અને સાબિતી વગર માત્ર રાજકીય લાભ ખાટવા માટે કોઈ પણ વાતો વહેતી મૂકી દેવી કે મીડિયા અને સોશિયલ મીડિયા મેનેજ કરીને જાતજાતના નરેટિવ ઊભા કરવા એ કેજરીવાલની રાજકારણ કરવાની ‘સ્ટાઇલ’ છે. તેમણે આ બધાનો જ મુખ્યધારાના રાજકારણમાં પ્રવેશ કરાવવા માંડ્યો હતો પણ ભલું થાજો દિલ્હીની જનતાનું જેમણે બહુ સાચા સમયે બ્રેક લગાવી દીધી.
તેમ છતાં કેજરીવાલે ‘ફ્રીબીઝ પોલિટિક્સ’ને મુખ્યધારાના રાજકારણમાં ઘૂસાડી જ દીધું છે. તેના કારણે અર્થતંત્રને જે નુકસાન થશે તેની ભરપાઈ કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. પરંતુ હવે અન્ય પક્ષોએ પણ વિરામ લઈને વિચારવાની જરૂર છે કે આ પ્રકારના ઘાતકી રાજકારણ પર આગળ વધવું કે તેને AAPના આ અધ્યાયની સમાપ્તિ સાથે જ તિલાંજલિ આપવી. કારણ કે કલ્યાણકારી યોજનાઓ અલગ વાત છે અને આ મફતની લ્હાણી અલગ.
દિલ્હી ચૂંટણીમાં AAPની હાર એ કેજરીવાલના આ ‘અલગ પ્રકાર’ના રાજકારણનો પણ અંત છે. એક ચૂંટણીમાં હાર કે જીત રાજકીય કારકિર્દી અને ભવિષ્ય નક્કી કરતી નથી. તેવું હોત તો રાહુલ ગાંધી આજે ભારતીય રાજકારણમાંથી ક્યાંય ફેંકાઈ ગયા હોત. પણ રાહુલની વાત જુદી છે. તેમને આખી એક ઇકોસિસ્ટમનો ટેકો છે. કેજરીવાલના કિસ્સામાં એવું નથી, કારણ કે તેઓ હવે વિશ્વસનીયતા ગુમાવતા જાય છે. હારતા ઘોડા પર કોઈ બાજી લગાવતું નથી. આ કિસ્સામાં અહીંથી ઉપર ઉઠવું એ કેજરીવાલ માટે બહુ અઘરું કામ થઈ પડશે.
કેજરીવાલને હવે સમજાશે કે માત્ર વાયદાઓ કરીને તેને પૂરા ન કરીને, આડીઅવળી વાતો કરીને માત્ર ઊઠાં ભણાવીને કે મીડિયા મેનેજ કરીને બહુબહુ તો એક દાયકો સત્તા પર રહી શકાય છે. એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે, સત્તા ટકાવી રાખવા માટે કામ કરવું પડે છે, મહેનત કરવી પડે છે. કારણ કે દર પાંચ વર્ષે જનતા હિસાબ લે છે અને જનતાની કોર્ટમાં જઈએ ત્યારે માત્ર વાતો નથી ચાલતી, હિસાબો પણ આપવા પડે છે.