Saturday, October 12, 2024
More
    હોમપેજમંતવ્યએમનેસ્ટી ઇન્ડિયાના પૂર્વ હેડ આકાર પટેલે ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થવા પાછળ ગુજરાતીઓનું...

    એમનેસ્ટી ઇન્ડિયાના પૂર્વ હેડ આકાર પટેલે ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થવા પાછળ ગુજરાતીઓનું કોમવાદી થવું ગણાવ્યું, પરંતુ એમ થવાના કારણો તો બીજા જ છે!

    એમનેસ્ટી ઇન્ડિયાના પૂર્વ ચીફ આકાર પટેલે ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં વર્ષોથી નથી એ માટે ગુજરાતીઓને કોમવાદી ગણાવ્યા છે. પરંતુ ખરેખર ચિત્ર બીજું જ છે.

    - Advertisement -

    એક તરફ વર્ષાન્તે આવી રહેલી વિધાનસભા ચૂંટણીના કારણે આખા દેશની નજર ગુજરાત તરફ મંડાવા લાગી છે ત્યારે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ આકાર પટેલે ગુજરાતને લઈને એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે. આકાર પટેલે ટ્વિટ કરીને આડકતરી રીતે ફરિયાદ કરી છે કે ગુજરાત આમ તો બે પાર્ટીઓનું રાજ્ય રહ્યું છે પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી અહીં ભાજપ શાસન ભોગવે છે અને 1990 બાદ કોંગ્રેસ સત્તા પર આવી નથી.

    આકાર પટેલ લખે છે કે, “ગુજરાત બે પક્ષોનું (ભાજપ અને કોંગ્રેસ) રાજ્ય રહ્યું છે, પરંતુ ત્રણ દાયકાઓથી અહીં એક જ પાર્ટીએ (ભાજપ) શાસન કર્યું છે. ‘બાબરી મસ્જિદ’ના વિધ્વંસ બાદ અહીં વિધાનસભા કે લોકસભામાં કોંગ્રેસ પાર્ટી જીતી શકી નથી.”

    આકાર પટેલના શબ્દોનો અર્થ કાઢીએ તો એ એવો નીકળે કે રામજન્મભૂમિ આંદોલન અને ત્યાં સ્થિત વિવાદિત માળખાના વિધ્વંસના કારણે દેશમાં અને ગુજરાતમાં હિંદુત્વ તરફી જુવાળ ઉભો થયો અને જેનો સીધો ફાયદો હિંદુત્વવાદી ગણાતી ભારતીય જનતા પાર્ટીને થયો અને તેથી છેલ્લા ત્રણ દાયકાથી તેઓ શાસનમાં છે. 

    - Advertisement -

    કોઈ પણ પાર્ટી માટે સતત ત્રણ દાયકા સુધી એકધારું શાસન કરવું એ નાની વાત ન કહેવાય. એથી પણ વધુ અગત્યની વાત એ છે કે વધુ એક ચૂંટણી માથે છે તેમ છતાં પાર્ટી વિરુદ્ધ એન્ટી-ઈન્કમબન્સી ક્યાંય જોવા મળી રહી નથી, અને આજની તારીખે ચૂંટણી થાય તો ફરી વખત ભાજપ સત્તા મેળવે તેવો માહોલ છે. આટલા વર્ષોથી ભાજપ સત્તામાં છે કે બીજા શબ્દોમાં કોંગ્રેસ સત્તાની બહાર છે તેનું કોઈ એક કારણ નથી.

    આ ચર્ચા આગળ વધારીએ તે પહેલાં એ જાણી લેવાની જરૂર છે કે 1992માં રામજન્મભૂમિ આંદોલને વેગ પકડ્યો અને વિવાદિત માળખું (જેને સામાન્ય રીતે ‘બાબરી મસ્જિદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે) તોડી પાડવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સમર્થનની સરકાર હતી. 1995માં પહેલીવાર કેશુભાઈ પટેલ ભાજપને સત્તા સુધી લઇ ગયા હતા. પરંતુ તે બાદ શંકરસિંહ વાઘેલાની મહત્વકાંક્ષાએ પહેલીવાર ‘રિસોર્ટ પોલિટિક્સ’નો પરિચય કરાવ્યો અને કેશુભાઈની સરકાર પડી ભાંગી હતી. કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ 1996 થી 1998 સુધી કોંગ્રેસના સમર્થન સાથે સરકાર ચલાવી હતી. ત્યારબાદ કોંગ્રેસે સમર્થન ખેંચી લીધું અને 1998ની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હતી. ત્યારથી ગુજરાતની જનતાએ ભાજપ સિવાયનો મુખ્યમંત્રી જોયો નથી. 

    શા માટે ગુજરાતની જનતા ભાજપ સિવાય કોઈને ચૂંટતી નથી?

    ગુજરાતના રાજકારણના કેન્દ્રમાં બે જ પાર્ટીઓ રહી છે- ભાજપ અને કોંગ્રેસ. હવે મેઈન સ્ટ્રીમ મીડિયાની મહેરબાનીથી આમ આદમી પાર્ટીને ત્રીજો વિકલ્પ ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ ભૂતકાળમાં શંકરસિંહની રાજપાથી લઈને કેશુભાઈની ગુજરાત પરિવર્તન પાર્ટી સુધી અનેક ‘ત્રીજા મોરચાઓ’ આવી ગયા છે અને તેમાંથી એકેય સફળ થયા નથી. ‘આપ’ હજુ પ્રારંભિક સ્થિતિમાં છે અને ગુજરાત માટે તો સાવ નવો કહી શકાય તેવો પક્ષ છે. એટલે જ્યારે ભાજપ સિવાયની પાર્ટીની વાત થાય તો એ સામાન્યપણે કોંગ્રેસ સંદર્ભે હોય છે.

    કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી તેનું કારણ એ છે કે ગુજરાતની બહુમતી જનતાએ કોંગ્રેસ શાસનકાળ અને ભાજપનો શાસનકાળ બંને જોયા છે અને જ્યારે બંને મત માંગવા આવે ત્યારે લોકો એ બંનેને સરખાવે છે. 2002 પછી ગુજરાતમાં એક નાનું કોમી છમકલું પણ થયું નથી, પણ કોંગ્રેસ શાસન દરમિયાન ગુજરાતે અનેક કોમી, જાતિવાદી રમખાણો, હિંદુ વિરોધી તોફાનો અને હિંદુઓની હત્યા થતી જોઈ છે, ભગવાન જગન્નાથની રથયાત્રા પર થયેલો પથ્થરમારો જોયો છે. 

    પહેલાં છાશવારે કોમી હિંસાઓ ફાટી નીકળતી હતી. ક્યારેક પતંગ ચગાવવા જેવી નજીવી બાબતોને લઈને બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળતી તો ક્યારેક તોફાનોના કારણે  દિવસો સુધી મોટા શહેરોના લોકોએ ઘરમાં પુરાઈ રહેવું પડતું. કોંગ્રેસ સરકારો દરમિયાન રથયાત્રા પણ શાંતિથી નીકળી શકતી નહીં અને ભગવાનની રથયાત્રા પર પણ પથ્થરમારો થયો હોવાના અને રથ હાઈજેક કરી લેવામાં આવ્યો હોવાના બનાવો બન્યા છે. 

    એક રિપોર્ટ મુજબ, 1960 માં ગુજરાતની સ્થાપના થઇ પછીના એક દાયકા દરમિયાન રાજ્યના 19માંથી 16 જિલ્લાઓમાં રમખાણો થયા હતા. 1969ના એક જ વર્ષમાં ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસાઓની ફૂલ 578 જેટલી ઘટનાઓ નોંધાઈ હતી. સ્થાપનાના એક જ દાયકા દરમિયાન કોંગ્રેસે સત્તામાં રહીને અનેક સમસ્યાઓ સર્જી નાંખી હતી અને સીધી કે આડકતરી રીતે હિંદુ-મુસ્લિમ વૈમનસ્યનું પ્રમાણ પણ વધારી દીધું હતું.

    જોકે, તેમ છતાં ત્યારપછીની ચૂંટણીઓમાં પણ ગુજરાતની જનતાએ કોંગ્રેસને જ સત્તા સોંપી હતી. 1980 માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં પાર્ટીએ 149 બેઠકો જીતી હતી. આ એ રેકોર્ડ છે જેને આજ સુધીના ગુજરાતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી. 

    આટલી પ્રચંડ બહુમતીએ જીતેલી સરકારનો એજન્ડા સૌને સાથે લઈને વિકાસકાર્યો તરફ આગળ વધવાનો હોવો જોઈએ. પણ કોંગ્રેસે અવળે પાટે ચાલીને ‘KHAM’ થિયરી લાગુ કરી અને જે બાદ રાજ્યમાં જાતિવાદી રમખાણો ફાટી નીકળ્યાં અને મહિનાઓ સુધી આંદોલનો અને તોફાનો હેઠળ રાજ્ય સળગતું રહ્યું. આ આંદોલનો અને રમખાણો પરથી જનતાનું ધ્યાન ભટકાવવા તેને સાંપ્રદાયિક રૂપ આપી દેવામાં આવ્યું અને લતીફ જેવા મુસ્લિમ ગુંડાઓને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. જે બાદ હિંદુઓની હત્યાઓનું પ્રમાણ પણ વધી ગયું હતું અને કેશુભાઈ પટેલ આ જ લતીફનો અંત લાવવાના વચનથી સત્તા પર આવ્યા હતા અને તેમણે એ કાર્ય કરી પણ બતાવ્યું હતું.

    અયોધ્યાનો વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યા બાદ ગુજરાતમાં સૌથી ભીષણ તોફાનો થયાં હતાં અને ફરીથી અમદાવાદ, વડોદરા અને સુરત આ તોફાનોનાં કેન્દ્ર બની ગયાં હતાં. તે પછી થોડો સમય શાંતિ રહ્યા બાદ ફરીથી બદલાની ભાવનાથી રમખાણો ફાટી નીકળ્યાં અને આ વખતે આ શહેરોમાં ચાકુ મારવાની (સ્ટેબિંગ) અને પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હતી. 

    બીજી તરફ, 2002 માં અયોધ્યાથી પરત ફરતા કારસેવકોને લઈને આવતી ટ્રેનમાં મુસ્લિમોએ આગ લગાવીને 59 હિંદુઓને જીવતા સળગાવી મૂક્યા બાદ પણ તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે પાડોશી કોંગ્રેસ સરકારોના અસહયોગ છતાં કઈ રીતે શાંતિ વ્યવસ્થા જાળવી રાખી હતી તે પણ ગુજરાતીઓએ જોયું છે. ત્યારપછી નરેન્દ્ર મોદીએ કરેલી ગુજરાતની કાયાપલટ ગુજરાતીઓએ જ નહીં આખા દેશે ધ્યાનમાં લીધી અને આજે મોદી કેન્દ્રમાં છે તો તેનું એક કારણ ગુજરાતમાં તેમણે કરેલો વિકાસ પણ છે.

    ગુજરાતીઓ એ પણ નથી ભૂલ્યા કે કેવી રીતે તેમના દ્વારા કેશુભાઈ પટેલને સંપૂર્ણ બહુમતિ આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને તેમને સત્તાસ્થાનેથી દૂર કર્યા અને છેવટે તો તેઓ કોંગ્રેસના જ ખોળે જઈને બેઠા હતા. આ જ કોંગ્રેસે જે પોતાના નેતાઓને ભાજપ લઇ જાય છે અને વિચારધારા બદલી નાખે છે એવી આજે ફરિયાદ કરે છે એણે આ જ વાઘેલાને જે RSSના સ્વયંસેવક હતા તેમને પોતાના પ્રદેશ અધ્યક્ષ કે પછી ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ આપતા જરા પણ ખંચકાટ અનુભવ્યો ન હતો. ટૂંકમાં કહીએ તો યે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ જેવું છે અને આકાર પટેલ કદાચ આ જ હકીકત અંગે આંખ આડા કાન કરી રહ્યા છે.

    એ પણ ધ્યાને લેવા જેવું છે કે નરેન્દ્ર મોદી ગુજરાતની ગાદીએ બેઠા પછી 2004 થી 2014 દરમિયાન યુપીએ સરકારે ગુજરાત સરકાર સાથે ઓરમાયું વર્તન કરીને અનેક વિકાસકાર્યો અટકાવી રાખ્યાં હતાં. આ વાતનો ઉલ્લેખ હાલમાં જ વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા ત્યારે કરી ગયા. સરદાર સરોવરથી માંડીને અનેક યોજનાઓ તત્કાલીન યુપીએ સરકારના કારણે ખોરંભે પડી રહી હતી. 

    પીએમ મોદી કાયમ જાહેરમંચ પરથી ડબલ એન્જીન સરકારનો ઉલ્લેખ કરે છે. આ ડબલ એન્જીન સરકારના ફાયદા તેઓ જનતાને સમજાવવામાં સફળ રહ્યા છે. અને કોઈ સમજાવે કે ન સમજાવે પરંતુ બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈ-વેથી માંડીને ગિફ્ટ સીટી, સાબરમતી રિવરફ્રન્ટ અને વિવિધ યોજનાઓ થકી જનતા જોતી અને અનુભવ કરતી આવી છે. 

    દિશાહીન અને બિનકાર્યક્ષમ નેતૃત્વ 

    નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પછી પણ કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને સત્તા પરથી હટાવી શકી નથી તેનું એક કારણ એ પણ છે કે હાલનું નેતૃત્વ દિશાહીન અને બિનકાર્યક્ષમ છે. એક તરફ નેતાઓ આવા નેતૃત્વથી ત્રાસીને પાર્ટી છોડી રહ્યા છે તો બીજી તરફ જે નેતાઓ છે તેઓ સક્રિયપણે કામ કરી રહ્યા નથી. સાવ ક્ષુલ્લ્ક બાબતોમાં રચ્યાપચ્યા રહે છે.

    કોંગ્રેસ માને છે કે સોશિયલ મીડિયા પર રોજ બે પોસ્ટ કરી દેવાથી લોકો મત આપવા માંડે છે, પણ હકીકત એ છે કે સોશિયલ મીડિયા સત્તા સુધી પહોંચાડી શકતું નથી. સત્તા સુધી પહોંચવા માટે જમીની સ્તરે કામો કરવા પડે છે અને લોકો સાથે ભેગાવું પડે છે, જે આજે કોંગ્રેસના જૂજ ઓછા નેતાઓ કરી શકે છે અને જેઓ કરી શકે છે તેમને નેતૃત્વ ખુલીને કરવા દેતું નથી અને આખરે તેઓ ધીમેધીમે ભાજપમાં આવી જાય છે.

    કોંગ્રેસ પાર્ટી બહાર ભલે સત્તા મેળવવાના બણગા ફૂંકતી હોય પરંતુ ગુજરાતમાં તેમની વાસ્તવિક સ્થિતિ એ છે કે તેઓ મહિનાઓ સુધી એ પણ નક્કી કરી શકતા નથી કે પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ કે વિપક્ષ નેતા કોણ હશે. આખરે નિમણુંક થાય પછી પણ નવા નેતાઓ કશું ખાસ ઉકાળી શકતા નથી. ભાજપને કોઈ સમસ્યા આવે તો તેનો હલ તેમનું હાઈકમાન્ડ લાવે છે. કોંગ્રેસ પાસે ‘હાઈકમાન્ડ’ના રૂપમાં રાહુલ ગાંધી છે! જેઓ ઘણીવાર અપરિપક્વ નિર્ણય લઈને પાર્ટીને વધુ મુશ્કેલીમાં મૂકી દે છે. 

    કોંગ્રેસ માટે શ્રેષ્ઠ સમય 2017 ની ગુજરાત ચૂંટણીનો હતો, જ્યારે જાતિવાદી આંદોલનોના જોરે ભાજપ વિરોધી માહોલ થોડાઘણા પ્રમાણમાં સર્જાયો હતો. પરંતુ એ માહોલમાં પણ ભાજપે મોદીની છબીના જોરે સત્તા જાળવી રાખી હતી. 2017 ની સ્થિતિ કરતાં ભાજપ આજે અનેકગણી વધુ મજબૂત છે, સામે કોંગ્રેસ અનેકગણી વધુ કમજોર.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં