Friday, September 13, 2024
More
    હોમપેજરાજકારણગુજરાતના રમખાણો: રામનવમીની ઘટના એ શા માટે ગુજરાતીઓ માટે પીડાનું પુનરાવર્તન છે?

    ગુજરાતના રમખાણો: રામનવમીની ઘટના એ શા માટે ગુજરાતીઓ માટે પીડાનું પુનરાવર્તન છે?

    હાલમાં જ ગુજરાતના બે શહેરોમાં રામનવમી શોભાયાત્રા દરમ્યાન થયેલા તોફાનો શું આપણે ઈતિહાસને ભૂલી ગયા હોવાનું યાદ અપાવે છે?

    - Advertisement -

    જયારે જયારે ગુજરાતના રમખાણો ચર્ચામાં આવે છે ત્યારે હંમેશા 2002નાં એ રમખાણોની વાત થાય છે, જ્યાં ગોધરામાં અયોધ્યાથી હિંદુ કારસેવકોને લઈને પરત ફરી રહેલી ટ્રેનના એક ડબ્બામાં આગ લગાવી દેવામાં આવી હતી અને જેમાં 60 લોકો માર્યા ગયા હતા.પરંતુ આપણાં આ રાજ્યમાં છેલ્લી કેટલીય પેઢીઓથી રહેતા અમારા જેવા લોકો માટે સાંપ્રદાયિક હિંસા એટલી સામાન્ય વાત બની ચૂકી છે કે 2002 પછીની શાંતિ હવે તોફાન પહેલાની શાંતિ જેવું લાગે છે.

    તાજેતરમાં જ રામનવમીના દિવસે ગુજરાતમાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની બે ઘટનાઓ બની. દેશના કેટલાક લિબરલ પત્રકારોના તર્કમુજબ, શોભાયાત્રા જ્યારે ‘મુસ્લિમ વિસ્તારો’માંથી પસાર થઇ રહી હતી ત્યારે મસ્જિદોમાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આપણને યાદ રહેવું જોઈએ કે, આમ તો ભારત ધર્મ નિરપેક્ષ દેશ છે પરંતુ અહીં કેટલાક વિસ્તારો ‘મુસ્લિમ વિસ્તારો’ છે જ્યાં કદાચ હિંદુનું અસ્તિત્વ માત્ર ઉશ્કેરણીનું કારણ બની જાય છે.

    ગુજરાત બહાર રહેતા લોકો હિંમતનગર અને ખંભાતની આ ઘટનાઓને તે જ દિવસની સાંજે દેશના અન્ય ભાગોમાં બનેલી આ જ પ્રકારની ઘટનાઓ સાથે સરખાવશે. પરંતુ સામાન્ય ગુજરાતીઓ માટે અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટાં શહેરોમાં રહેતા લોકો માટે તો આ પીડાના પુનરાવર્તન જેવું હતું.

    - Advertisement -

    દેશના કથિત લિબરલોએ ગુજરાત વિશે એવી છાપ ઘડી કાઢી છે કે 2002 પહેલાં રાજ્ય અત્યંત શાંતિપ્રિય હતું અને જ્યાં ‘સાંપ્રદાયિક સદ્ભાવ’ ખૂબ ઊંડે સુધી જોવા મળતો હતો. પરંતુ ખરેખર એમ નથી. આજે જરા પાછળ જોઈએ અને એક નજર કરીએ વિભાજન સમયથી છેક 2002 સુધીના ગુજરાતના રમખાણોના લોહિયાળ ઈતિહાસ તરફ.

    2002નાં રમખાણો પહેલાં પણ અહીં કોમી હિંસા છાશવારે ફાટી નીકળતી હતી.‘સાંપ્રદાયિક સદભાવ’ સાથે રહેતા બે સમુદાયો વચ્ચે ઉત્તરાયણ પર પતંગ કાપવા જેવી બાબતમાં રમખાણો ફાટી નીકળતાં તો રથયાત્રાના દિવસે અમુક વિસ્તારોમાંથી પસાર થતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર હુમલાઓ-પથ્થરમારો થતા. 1998 પછી ગુજરાતીઓએ કોંગ્રેસીઓને ફરી ક્યારેય સત્તા પર ન આવવા દીધા તેનું એક કારણ આ કોમી હિંસાઓ પણ છે.

    વર્ષ 1985માં એક બાળક તરીકે અને પછી 1992માં એક યુવાન તરીકે હું માનું છું કે 2002નાં ગુજરાતના રમખાણો ગુજરાતના કાયદો-વ્યવસ્થાના ઈતિહાસના એ બે કાળા અધ્યાયો સામે કંઈ પણ ન હતા. આગળ કહ્યું તેમ,આમ તો સ્વતંત્રતા બાદથી જ ગુજરાતમાં મોટેભાગે સાંપ્રદાયિક બાબતોને લઈને રમખાણો થતાં રહ્યાં છે પરંતુ ગુજરાતે પતંગ ચગાવવા જેવા સાવ નાનકડા મુદ્દાને લઈને પણ શેરીઓ સળગતી જોઈ છે. અમુકવાર હિંદુ અને મુસ્લિમ બાળકો વચ્ચે પતંગને લઈને શરૂ થયેલી એક નાની લડાઈ પણ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી અને આખા શહેરમાં રમખાણો ફાટી નીકળતાં. આ અમારો જીવંત ઈતિહાસ છે.

    પરંતુ એક સુવ્યવસ્થિત ઢબે અત્યંત નિપુણતા સાથે કામ કરતી ઇકોસિસ્ટમના (અપ)પ્રચારને કારણે ભારતના મેઈનસ્ટ્રીમ મીડિયાએ એક નકલી તસ્વીર ઘડી કાઢી છે કે ગુજરાત માત્ર 2002નાં રમખાણોનું જ શિકાર બન્યું હતું. પરંતુ વાસ્તવિકતા એ છે કે 2002નાં રમખાણો બાદ આજ સુધી ગુજરાત 90 ટકા જેટલું શાંત રહ્યું છે. 60 હિંદુઓને જીવતા સળગાવી મૂકાયા બાદ પણ રાજ્યમાં ભીષણ કોમી રમખાણો નહીં થયાં તે જ દર્શાવે છે કે તે સમયે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેટલી સારી હતી અને તે સમયના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિ નિયંત્રણની બહાર જવા દીધી ન હતી.

    મૂળ વાત એ છે કે ગુજરાતમાં મોટાભાગનાં રમખાણો કોંગ્રેસ કે બિન-ભાજપી સરકારોના કાર્યકાળ દરમિયાન જ થયાં છે. એક અહેવાલ અનુસાર 1961 અને 1971 વચ્ચેના દાયકામાં, એટલેકે અલગ રાજ્ય બન્યાં બાદ પહેલા જ દાયકામાં ગુજરાતમાં તે સમયનાં 19 માંથી 16 જિલ્લાઓમાં રમખાણો થયાં  હતાં. જ્યારે 1969માં એક જ વર્ષમાં ગુજરાતમાં સાંપ્રદાયિક રમખાણોની 578 જેટલી ઘટનાઓ નોંધાઈ હતી.

    આ દાયકા દરમિયાન ત્રણ કોંગ્રેસી મુખ્યમંત્રીઓ સત્તા પર હતા- જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા અને હિતેન્દ્ર દેસાઈ. નોંધનીય છે કે હિતેન્દ્ર દેસાઈના કાર્યકાળ બાદ ગુજરાત વિધાનસભા ભંગ કરી નાંખવામાં આવી હતી અને રાજ્યમાં 309 દિવસો સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહ્યું હતું. વિચાર કરો કે ગુજરાતની સ્થાપનાના માત્ર એક જ દાયકામાં કોંગ્રેસે હિંદુ-મુસ્લિમ વચ્ચે આ પ્રકારે કેટલી ગંભીર સમસ્યાઓ સર્જી નાંખી હતી. જોકે, કોંગ્રેસી મુખ્યમંત્રીઓ આ રમખાણો નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા કે પોતાના રાજનૈતિક લાભને ધ્યાનમાં લઈને તેને થવા દીધાં એ આજે પણ એક પ્રશ્નાર્થ છે.

    એક કાલ્પનિક અને આદર્શ દુનિયામાં જે પાર્ટી પાસે વિધાનસભામાં પૂર્ણ બહુમત હોય તે પાર્ટીએ રાજ્યમાં એક પણ તોફાન નહીં થાય તે પ્રકારની તકેદારી રાખીને સરકાર ચલાવવી જોઈએ. પરંતુ કોંગ્રેસ પાર્ટી તો સાવ અલગ જ માટીની બનેલી છે.1980ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે અગાઉની ચૂંટણી કરતાં 66 બેઠકો વધુ મેળવીને 182માંથી 141 બેઠકો જીતી હતી. આ એ રેકોર્ડ છે જે ગુજરાતના આજ સુધીના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી.

    આટલી મોટી સંખ્યામાં બેઠકો મેળવનાર સત્તાધારી પાર્ટી પોતાના વિકાસના એજન્ડાને કોઇપણ તકલીફ વગર આગળ ધપાવી શકી હોત. પરંતુ તેને સ્થાને માધવસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીએ KHAM થિયરી લાગુ કરી અને અનામતનું રાજકારણ શરૂ કર્યું જે અંતે ઉંચી જાતિઓ તરફની નફરતમાં તબદીલ થઇ ગયું. તત્કાલીન સત્તાપક્ષ દ્વારા પટેલોને (જેઓ આજના યુગમાં પાટીદારો તરીકે ઓળખાય છે) નિશાન બનાવવામાં આવ્યા અને ત્યારબાદ ઉંચી અને નીચી જાતિઓ વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આખરે, પાંચ મહિના સુધી ચાલેલા 1985 ના અનામત આંદોલન બાદ ચાર વર્ષ પહેલાં 141 બેઠકો જીતેલા માધવસિંહ સોલંકીએ રાજીનામું આપી દેવું પડ્યું હતું.

    વાર્તામાં અણધાર્યો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે આ જાતિ આધારિત તોફાનો જનતાના ગુસ્સાને ઠારવા અથવાતો જનતાનું ધ્યાન અન્યત્ર લઇ જવા સાંપ્રદાયિક તોફાનોમાં બદલાઈ ગયાં અથવા બદલાવી દેવામાં આવ્યાં. અબ્દુલ લતીફ જેવા મુસ્લિમ ગુંડાઓને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી અને અમદાવાદ જેવા મોટાં શહેરોમાં- જ્યાં પતંગ બાબતની લડાઈથી પણ તોફાનો ફાટી નીકળતાં હતાં, ત્યાં હિંદુઓની મોટી સંખ્યામાં હત્યા કરવામાં આવી.

    તે સમયે ‘ગુજરાત સમાચાર’ સૌથી મોટું અખબાર હતું. તોફાનો દરમિયાન ગુજરાત સમાચારના પ્રજાબંધુ પ્રેસને પણ સળગાવી નાંખવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે એક તરફ ચાલતા ભીષણ તોફાનો વચ્ચે ગુજરાત પોલીસે એક દિવસની હડતાળ પાડી હતી. કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય રહ્યો છે, કોંગ્રેસના શાસનમાં એ ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની એ અરાજક સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ નથી.

    1990 ની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી લહેરના જોરે જનતા દળના ઉમેદવાર તરીકે ચીમનભાઈ પટેલ સત્તા પર આવ્યા અને તેમણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. જોકે, અયોધ્યામાં વિવાદિત ઢાંચો (જેને ઘણીવાર ‘બાબરી મસ્જિદ’તરીકે પણ ઓળખાવવામાં આવે છે) તોડી પાડવામાં આવ્યો તે પહેલાં ગુજરાતમાં ભાજપે ચીમનભાઈના જનતા દળ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. ત્યારબાદ ચીમનભાઈએ જે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ બે વર્ષ પહેલાં ચૂંટણી લડી હતી તેની સાથે જ પોતાની પાર્ટીનો વિલય કરી દીધો હતો. વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યા બાદ ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં સાંપ્રદાયિક તોફાનો ફાટી નીકળ્યાં હતાં.

    તેનાં આગલા વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથનીપ્રસિદ્ધ રથયાત્રામાં પણ હિંસા થઇ હતી. શાહપુર અને દરિયાપુર જેવા ‘સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારો’માં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના ત્રણેય રથ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ તેમને હાઈજેક કરવાના પણ પ્રયત્નો થયા હતા. ચાર દિવસો સુધી અમદાવાદમાં અરાજક સ્થિતિ રહી હતી. ગુંડાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ મૂકદર્શક બનીને બેસી રહી હતી. આખરે પોલીસ અને સેનાની સુરક્ષા હેઠળ ત્રણેય રથને જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં લઇ જવામાં આવ્યા હતા.

    અયોધ્યાનો વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યા બાદ ગુજરાતમાં સૌથી ભીષણ તોફાનો થયાં હતાં અને ફરીથી અમદાવાદ, વડોદરા અને સુરત આ તોફાનોનાં કેન્દ્ર બની ગયાં હતાં. તે પછી થોડો સમય શાંતિ રહ્યા બાદ ફરીથી બદલાની ભાવનાથી રમખાણો ફાટી નીકળ્યાં અને આ વખતે આ શહેરોમાં ચાકુ મારવાની (સ્ટેબિંગ) અને પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હતી. અગાઉની જેમ આ વખતે પણ ગુજરાતનાં મોટાં શહેરો સેનાને હવાલે કરી દેવામાં આવ્યાં હતાં. તે સમયે ગુજરાતીઓ માટે એક અઠવાડિયાનો કર્ફ્યુ અને સેનાની નિયમિત ફ્લેગ માર્ચ જાણે ‘ન્યૂ નોર્મલ’ બનીગયાં હતાં.

    શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘રઈસ’નુંએ દ્રશ્ય યાદ છે જેમાં બોલિવુડ અભિનેતા ડોન અબ્દુલ લતીફનું પાત્ર ભજવતા એક શોભાયાત્રા પર પેટ્રોલ બોમ્બ ફેંકે છે? ગુજરાતે આ કાલ્પનિક દ્રશ્ય વાસ્તવિક જીવનમાં પણ જોયું છે. અલબત્ત, ફિલ્મના નિર્માતાઓએ તેમની ફિલ્મમાં એક બુટલેગર, ગુંડા અને આતંકવાદીનું મહિમામંડન કર્યું છે પરંતુ શોભાયાત્રા પર પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટનાનું સચોટ ચિત્રણ જરૂર કરવામાં આવ્યું  છે.

    ત્યાર બાદ થયાં 2002 નાં તોફાનો, જે 1985 અને 1992 માં ગુજરાતીઓએ જોયેલા તોફાનો જેવાં જ હતાં પરંતુ પાડોશી રાજ્યો માંથી કોઈ સહાય ન મળવા છતાં તત્કાલીન ગુજરાત સરકારે અમુક જ દિવસોની અંદર સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. 2002 માં ઘણા લોકો માર્યા ગયા, અગાઉના રમખાણોની જેમ સંપત્તિઓ સળગાવી દેવાઈ, લૂંટની ઘટના બની, પરંતુ આ ઘટનાઓના દોષીઓ આજે જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

    1960થી 2002 સુધી થયેલા ગુજરાતના રમખાણો વચ્ચે મુખ્ય અંતર એ હતું કે 2002નાં રમખાણો બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વિરુદ્ધ પણ કેસ ચલાવવામાં આવ્યો હતો અને એજન્સીઓ દ્વારા નિશ્ચિત કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ બંનેને ક્લીન ચીટ અપાઈ હતી. પરંતુ તેનાથી વિપરીત,1969નાં રમખાણો બાદ જગનમોહન રેડ્ડી અને નસરવાનજી કમિશનની ભલામણો સરકારો દ્વારા અવગણી કાઢવામાં આવી હતી.

    કોંગ્રેસ સરકાર દ્વારા 1985ના ગુજરાતના રમખાણો પાછળનું મૂળ તપાસવા માટે નીમવામાં આવેલ દવે કમિશનની ભલામણો પછીથી સ્વીકારવામાં જ આવી ન હતી. 1992માં સુરતમાં થયેલાં રમખાણોની તપાસ કરનાર ચૌહાણ કમિશનને શંકરસિંહ વાઘેલા સમર્થિત કોંગ્રેસ સરકાર દ્વારા જરૂરી 15 દિવસનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું ન હતું અને આખરે કમિશને તપાસ પડતી મૂકી હતી.

    તેનાથી વિપરીત, 2002માં સાબરમતી એક્સપ્રેસને સળગાવવા અને ત્યારબાદના તોફાનોના કેસમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા નિયુક્ત નાણાવટી-મહેતા કમિશનએ ન માત્ર પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો પરંતુ તપાસના રિપોર્ટ પણ બે ભાગમાં- પહેલા 2008 અને પછી 2014માં- રજૂ કર્યા હતા.

    2002 બાદ ગુજરાતમાં મહદઅંશે શાંતિ છે. માત્ર 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ક્યાંક હિંસા થઇ હતી પરંતુ ગુજરાતના ઈતિહાસને જોતા આવી ઘટનાઓ મામૂલી કહી શકાય. ગુજરાતના રમખાણોઅત્યારસુધીમાં જે રીતે થયાં હતાં તે જોતા કોઈ પણ ચોક્કસપણે એ નિષ્કર્ષ પર આવી શકે કે વર્ષો સુધી ગુજરાતમાં પૂર્ણ બહુમતીમાં રહ્યા બાદ પણ કોંગ્રેસ સરકાર આ રમખાણો નિયંત્રિત કરી શકી ન હતી અને ઉપરથી તેને ફેલાવા દીધાં હતાં. એટલું જ નહીં, આ ભીષણ રમખાણોમાં અસરગ્રસ્ત થયેલા લોકોને (હિંદુ હોય કે મુસ્લિમ) ન્યાય અપાવવા માટે સરકારે નિયુક્ત કરેલા જુદા-જુદા ન્યાયિક કમિશનોની ભલામણો પણ સરકારોએ લાગુ કરી ન હતી.

    પરંતુ હવે 20 વર્ષની શાંતિ બાદ ફરી ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસાનો દોર શરૂ થઇ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. પહેલાં, કિશન ભરવાડ હત્યા કેસ, જ્યાં ઈશનિંદાના આરોપસર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કિશનની હત્યા કરી નાંખવામાં આવી હતી અને હવે રામનવમીના દિવસે થયેલી હિંસા. 20 વર્ષ સુધી શાંતિનો અનુભવ કર્યા બાદ શું હવે આપણે સંતુષ્ટ થઇ ગયા છીએ? કે આપણે આપણો ઈતિહાસ ભૂલી ગયા છીએ અને તે બદલની સજા ભોગવી રહ્યા છીએ?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં