હાલ પેરિસમાં ઓલમ્પિક્સ ચાલી રહ્યો છે. વિશ્વપ્રખ્યાત આ રમત સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. ઓલમ્પિક્સમાં ભાગ લેવો જ એક મોટી બાબત કહેવાય ત્યાં આપણા ખેલાડીઓ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓની પંક્તિમાં સામેલ થઈને સતત સારું પ્રદર્શન કરીને વધુમાં વધુ મેડલ ઘરે લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, અહીં સ્વદેશથી પણ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી તેમનો જુસ્સો વધારવામાં આવતો રહે છે. સરકારો પણ પોતાના સ્તરેથી આ ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે, પણ રાજકારણ બદલવા આવેલી આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર જરા નોખી છે.
તાજેતરમાં જ ઓલમ્પિક્સમાં ભાગ લઈને આવેલા શૂટર અર્જુન બાબુતાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે પોતાની વ્યથા ઠાલવી. તેઓ ઓલમ્પિક્સમાં શૂટિંગમાં 15 મીટર એર રાઇફલની ફાઇનલ સુધી પહોંચ્યા હતા. જ્યાં ચોથા સ્થાને આવતાં નજીવા અંતરથી મેડલ ચૂકી ગયા. હમણાં જ તેઓ પરત ફર્યા છે.
અર્જુને કહ્યું કે, અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ તેમના ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે, શુભેચ્છાઓ આપે છે, મુલાકાતો કરે છે, પણ અમારા રાજ્યના સીએમ એરપોર્ટ પર સ્વાગત માટે પણ આવ્યા ન હતા. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર તરફથી તેમને કોઇ સહયોગ મળી રહ્યો નથી અને હવે પોતે આશા પણ ગુમાવવા માંડ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું, ‘પંજાબ જો રમતક્ષેત્રમાં પાછળ પડી રહ્યું હોય તો તેમાં મંત્રીઓનો (AAP સરકારના) મોટો હાથ છે.
સાથે એ પણ જણાવ્યું કે કઈ રીતે મુખ્યમંત્રી ભગવંત માન અને તત્કાલીન રમત મંત્રીએ નોકરી આપવાનો વાયદો કર્યો હતો પરંતુ પછી આ દિશામાં કંઈ થયું નહીં અને જ્યારે તેમણે પત્ર લખ્યો ત્યારે રાહ જોવા માટે કહેવામાં આવ્યું.
બીજા સમાચારમાં, મુખ્યમંત્રી ભગવંત માને તાજેતરમાં વિદેશ મંત્રાલય પાસે પેરિસ જવાની પરવાનગી માંગી હતી. કારણ? ઓલમ્પિક્સ જોવા માટે! જોકે, સરકારે સુરક્ષા કારણોને ટાંકીને મંજૂરી આપી નથી. ભગવંત માન પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ છે. તેમણે 3થી 9 ઑગસ્ટ દરમિયાન ફ્રાન્સની યાત્રા કરવાની મંજૂરી માંગી હતી. નોંધનીય છે કે 4 ઑગસ્ટે ભારતીય હૉકી ટીમની ક્વાર્ટર ફાઈનલ મેચ છે.
સરકારે મંજૂરી ન આપતાં કહ્યું છે કે, પંજાબ CM પાસે Z+ સુરક્ષા હોય છે અને આટલા ઓછા સમયમાં આટલી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અશક્ય બાબત છે. નોંધનીય છે કે ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવતા વરિષ્ઠ નેતાઓએ વિદેશ યાત્રા પહેલાં સરકાર પાસેથી પોલિટિકલ ક્લિયરન્સ મેળવવું પડે છે.
સરકાર પાસેથી પરવાનગી ન મળ્યા બાદ હવે પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયે એક વિડીયો શૅર કર્યો છે, જેમાં સીએમ હૉકી ટીમના ખેલાડીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જોવા મળે છે. તેઓ કહે છે કે, તેઓ ટીમને ‘પ્રોત્સાહિત’ કરવા માટે આવવા માંગતા હતા, પરંતુ કેન્દ્ર સરકારે પરવાનગી ન આપી. આ વિડીયોથી તેમની પાર્ટીને કેન્દ્ર સરકારને કારણ વગર ભાંડવાનું વધુ એક બહાનું મળી જશે. પરંતુ એ બાબતની ચર્ચા કોઈ નહીં કરે, જે બાબતો ઓલમ્પિક્સમાંથી આવેલા શૂટરે ઉઠાવી છે.
#WATCH | Punjab CM Bhagwant Mann spoke with the captain of the Indian hockey team
— ANI (@ANI) August 3, 2024
CM Mann says, "…I wanted to come to encourage you but I was not given political clearance. I was planning to attend the quarterfinal but the Central government said I cannot go. I will not be… pic.twitter.com/BlIsC35MJC
ખેલાડીઓને સરકાર સ્તરે પ્રોત્સાહિત કરવા સારી વાત છે, પણ સરકારનું કામ ત્યાં સુધી સીમિત નથી. સાથે ખેલાડીઓને સારી તકો પૂરી પાડવી, મજબૂત ઈન્સ્ફરાસ્ટ્રકચર આપવું, ઘટતી બાબતો માટે કેન્દ્ર સરકારને રજૂઆતો કરીને તેમનું ધ્યાન દોરવું, કોચિંગ અને તાલીમ માટેની સુવિધાઓ આપવી, વગેરે પણ એટલું જ જરૂરી છે. રાજકીય પાર્ટીઓ અને સરકારો જ્યારે માત્ર દેખાડા ખાતર બધું કરે છે ત્યારે સવાલો ઉઠવા વ્યાજબી છે.
મજાની વાત એ પણ છે કે આમ આદમી પાર્ટી સહિતની INDI પાર્ટીઓ કાયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ખેલાડીઓ સાથે વાતચીત કરે કે મુલાકાત કરે ત્યારે તેઓ ‘ક્રેડિટ લેવા પ્રયાસ કરતા’ હોવાના આરોપો લગાવતા રહે છે. પરંતુ કેન્દ્ર સરકાર ખરેખર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે છેલ્લાં ઘણાં વર્ષોથી કામ કરી રહી છે અને તેનાં ફળો પણ જોવા મળ્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતીય ખેલાડીઓ વિશ્વસ્તરે ઝળકી રહ્યા છે તેમાં તેમની મહેનત તો ખરી જ પરંતુ સાથેસાથે આ સુધરતા જતા ઈન્સ્ફરાસ્ટ્રકચરનો પણ મોટો ફાળો છે. આ બાબત ખેલાડીઓ પણ અનેક વખત સ્વીકારી ચૂક્યા છે.