દર વખતે આપણે ત્યાંના વિપક્ષો અને ખાસ કરીને કૉંગ્રેસ પાર્ટી ચૂંટણી પૂર્ણ થાય પછી સિસ્ટમ અને EVM વગેરેને દોષ આપતા હતા, પણ આ વખતે તેમણે આ પ્રક્રિયા થોડી વહેલી શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં હજુ તો મતદાન થઈ રહ્યું છે ત્યારે જ ચૂંટણી પંચથી માંડીને સિસ્ટમને દોષ આપવાના શરૂ કરી દેવાયા છે અને ‘લેવલ પ્લેઈંગ ફિલ્ડ’ ન અપાતું હોવાની ફરિયાદો શરૂ કરી દેવામાં આવી છે. વાસ્તવિકતા તેમાં કશું જ નથી. સત્ય માત્ર એટલું જ છે કે વિપક્ષ એટલો હતાશ થઈ ગયો છે કે હવે ચૂંટણી લડવા જેટલી પણ શક્તિ રહી નથી, જીતવાની વાત તો દૂરની રહી.
આ લેવલ પ્લેઈંગ ફિલ્ડના આરોપોને લઈને જ્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક કિસ્સો યાદ કરાવ્યો. કોંગ્રેસનાં બેવડાં વલણો ખુલ્લાં પાડવા માટે તે પરફેક્ટ ઉદાહરણ છે. ‘ઈન્ડિયા ટીવી’ના રજત શર્માને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને યાદ કરાવ્યું કે કઈ રીતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી અને જેનો ફાયદો પછીથી કોંગ્રેસને થયો હતો.
વડાપ્રધાને શું કહ્યું?
લેવલ પ્લેઈંગ ફિલ્ડના આરોપો પર પીએમ મોદીએ કહ્યું, પરાજય નિશ્ચિત છે ત્યારે તેઓ EVMને ગાળો આપી રહ્યા છે, મોરલ વિક્ટરી ઘોષિત કરી રહ્યા છે. ત્રીજા તબક્કા બાદ EVM મેદાનમાં આવી ગયું છે. આંકડાઓ પહેલાં કેમ ન આવ્યા, પછી કેમ ન આવ્યા જેવા વિવાદો, દર અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય છે. એટલે કે બહુ સમજી-વિચારીને ષડ્યંત્ર રચીને ભારતના લોકતંત્ર પર સવાલો ઉભા કરવા માંગે છે. તેમણે કહ્યું કે, આ મુદ્દો માત્ર હારનું ઠીકરું EVM પર ફોડવા સુધી સીમિત નથી પણ વિપક્ષોનો ઈરાદો એવો છે કે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયા પર જ વિશ્વમાં ખોટો નેરેટિવ ફેલાય.
विपक्ष का आरोप है कि Level playing field नहीं है?
— India TV (@indiatvnews) May 23, 2024
"आम तौर पर जब किसी उम्मीदवार की मृत्यु हो जाती है तो उस निर्वाचन क्षेत्र में चुनाव रद्द कर दिया जाता है लेकिन 1991 में देश भर में चुनाव स्थगित कर दिया गया था और कांग्रेस नेता राजीव गांधी के अंतिम संस्कार के बाद ही मतदान फिर से… pic.twitter.com/G98dWeEMzg
ત્યારબાદ તેમણે રાજીવ ગાંધીના મૃત્યુની વાત કરતાં કહ્યું, “આપણા દેશની ચૂંટણી વ્યવસ્થા પ્રમાણે કોઇ બેઠક પર કોઇ ઉમેદવારનું મૃત્યુ થઈ જાય તો ચૂંટણી સ્થગિત થઈ જાય છે. કોઇ મને જણાવે કે, રાજીવ ગાંધી નામના એક વ્યક્તિ, જેઓ સંસદીય ચૂંટણીમાં ઉમેદવાર હતા. તેમની હત્યા થઈ ગઈ. તેમની સીટ પર ચૂંટણી સ્થગિત થવી જોઈતી હતી. પણ તે સમયે ચૂંટણી પંચે આખા દેશની ચૂંટણી રોકી દીધી. કોઇ લૉજિક ન હતું. 21-22 દિવસ તેમના અસ્થિ લઈને દેશભરમાં યાત્રાઓ કાઢવામાં આવી અને પછી ચૂંટણી થઈ. ત્યારે કયું લેવલ પ્લેઈંગ ફિલ્ડ હતું? પછી તેઓ સ્વયં કોંગ્રેસના ઉમેદવાર બનીને અડવાણી સામે ચૂંટણી લડી રહ્યા હતા.”
રાજીવ ગાંધીની હત્યા બાદ અટકાવી દેવામાં આવી હતી ચૂંટણી
આ ઘટનાઓ છે વર્ષ 1991ની. ડિસેમ્બર, 1989માં વિશ્વનાથ પ્રતાપ સિંઘ (વીપી સિંઘ)ના વડાપ્રધાન પદે જનતા દળની ગઠબંધન સરકાર બની, પણ માત્ર 11 મહિનામાં જ સરકાર પડી ભાંગી નવેમ્બર, 1990માં ભાજપે સમર્થન પરત લઇ લીધું અને સરકાર અલ્પમતમાં આવી ગઈ. પછીથી વી.પી સિંઘે રાજીનામું ધરી દીધું. ત્યારબાદ કોંગ્રેસના સમર્થનથી જનતા દળના એક જૂથની સરકાર બની અને ચંદ્રશેખર પીએમ બન્યા, પણ થોડા જ મહિનાઓમાં કોંગ્રેસે સમર્થન ખેંચી લીધું અને 6 માર્ચ, 1991ના રોજ ચંદ્રશેખરે રાજીનામું આપ્યું. પણ ચૂંટણી યોજાઈને નવી સરકાર બને ત્યાં સુધી તેઓ કેરટેકર પીએમ રહ્યા.
માર્ચ, 1991માં ચંદ્રશેખરે રાજીનામું ધરી દીધા બાદ દેશમાં ચૂંટણીઓ જાહેર થઈ. તે સમયે રાજીવ ગાંધી કૉંગ્રેસનો ચહેરો હતા. ચૂંટણીઓ મે-જૂનમાં જ યોજાઈ હતી. 2૦ મે, 1991ના રોજ એક તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું હતું. પણ તેના બીજા જ દિવસે 21 મે, 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરમ્બદૂરમાં ચૂંટણી પ્રચાર માટે એક સભા કરવા પહોંચેલા રાજીવ ગાંધીની બૉમ્બ બ્લાસ્ટથી હત્યા કરી નાખવામાં આવી.
રાજીવ ગાંધીની હત્યા બાદ સામાન્ય રીતે તો નિયમાનુસાર એ જ બેઠકની ચૂંટણી સ્થગિત કરવી જોઈતી હતી, જ્યાંથી તેઓ લડી રહ્યા હતા. તેઓ ત્યારે ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી લડી રહ્યા હતા. પણ ચૂંટણી પંચે આખા દેશમાં ચૂંટણી સ્થગિત કરાવી દીધી. તે સમયે ચીફ ઇલેક્શન કમિશનર હતા ટી. એન શેષન. સીધું કારણ એ હતું, રાજીવ ગાંધીની હત્યાથી કોંગ્રેસને સહાનુભૂતિ મળવાની હતી.
21 મેની ઘટના બાદ ચૂંટણી અટકાવી દેવાઈ. ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું એમ રાજીવ ગાંધીની અસ્થિઓ દેશમાં ફેરવવામાં આવી. જેનાથી કોંગ્રેસ પાર્ટીને સહાનુભૂતિ મળી. પછી 12 જૂન અને 15 જૂનના રોજ મતદાન થયું. યાદ રહે, 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1985માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને અત્યાર સુધીના ઇતિહાસની સૌથી વધુ બેઠકો (411) મળી હતી.
ચૂંટણીમાં કોંગ્રેસને થયો હતો ફાયદો
તે સમયના એક્સિટ પોલ્સ પણ કહેતા હતા કે ચૂંટણી પરત ઠેલવાના કારણે કોંગ્રેસને સહાનુભૂતિ મળી હતી અને જેની અસર પછીથી પરિણામોમાં પણ જોવા મળી. તે સમયના અખબારોના અહેવાલો વાંચીએ તો જાણવા મળે છે કે કોંગ્રેસના વૉટશૅરમાં પછી વધારો જોવા મળ્યો હતો. રાજીવ ગાંધીની હત્યા પહેલાં 211 બેઠકો પર ચૂંટણી થઈ હતી અને ત્યારબાદ લગભગ વીસેક દિવસ બાદ યોજાયેલી ચૂંટણીમાં 332 બેઠકો પર મતદાન થયું હતું. કોંગ્રેસે પહેલા તબક્કામાં 5.7% વૉટ ગુમાવ્યા હતા પણ જૂનમાં 1.65% વધારો જોવા મળ્યો હતો.
ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધનને 38% વૉટશેર સાથે 256 બેઠકો મળી હતી. ત્રીજા મોરચાને 27.1% વૉટ સાથે 133 બેઠકો જ્યારે ભાજપ અને સહયોગી પાર્ટીઓને 20% વૉટ સાથે 124 બેઠકો મળી હતી. એકલી કોંગ્રેસ પાર્ટીને સૌથી વધુ 36.4% મત મળ્યા હતા. પછી પી. વી નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા, જે 1996 સુધી પાંચ વર્ષ માટે રહ્યા.
અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે હત્યા થઈ તે સમયે રાજીવ ગાંધી વડાપ્રધાન પણ ન હતા કે ન કોઈ સરકારમાં પદ પર હતા. એકમાત્ર ઉમેદવાર હતા. પણ તેમ છતાં કોંગ્રેસની સિસ્ટમ ઉપર પકડ કેટલી મજબૂત હતી કે આખા દેશની ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી હતી! આ જ કોંગ્રેસ અત્યારે ‘લેવલ પ્લેઈંગ ફિલ્ડ’નાં રોદણાં રડે છે.
આ બધું થયું ત્યારે જેઓ ચીફ ઇલેક્શન કમિશનર હતા તે ટી. એન શેષન રાજીવ ગાંધીના નજીકના વ્યક્તિ હતા તે પણ એક યોગાનુયોગ જ છે. તેમની નિમણૂક ડિસેમ્બર, 199૦માં કરવામાં આવી હતી. 6 વર્ષ સુધી (1996) તેઓ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રહ્યા. પછી 1999માં તેઓ કોંગ્રેસ પાર્ટીની ટિકીટ પર ગાંધીનગર લોકસભા બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી સામે ચૂંટણી પણ લડ્યા હતા, પણ હારનો સામનો કરવો પડ્યો.
હાલ આવી કોઇ સ્થિતિ નહીં, છતાં લેવલ પ્લેઈંગ ફિલ્ડનાં રોદણાં રડવાનાં?
કોંગ્રેસ પાર્ટીને હમણાં આ બધું યાદ આવતું નથી અને હાલ આવે છે માત્ર ‘લેવલ પ્લેઈંગ ફિલ્ડ’. જ્યારે હકીકત એ છે કે હમણાંની ચૂંટણીમાં ચૂંટણી પંચ એકદમ સ્વાયત્તતા સાથે કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચને ફરિયાદ મળે તો સત્તાધારી પાર્ટી સામે પણ એક્શન લે છે અને વિપક્ષો સામે પણ. હમણાં જ બંગાળમાં ભાજપ ઉમેદવાર અભિજિત ગંગોપાધ્યાયને ચૂંટણી પંચે ફટકાર લગાવી. આ સિવાય પણ એક પણ એવો કિસ્સો નથી સામે આવ્યો, જેનાથી એવું સાબિત થઈ શકે કે ચૂંટણી પાંચ સત્તાપક્ષને ફાયદો પહોંચાડે છે અને વિપક્ષને સરખી તકો મળતી નથી.
બીજી એક ફરિયાદ રહે છે કે નેતાઓને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. પણ આ નેતાઓમાં માત્ર 2 જ છે. એક હેમંત સોરેન અને બીજા અરવિંદ કેજરીવાલ. આ નેતાઓને એજન્સીઓ સમન્સ તો છેલ્લા છ મહિનાથી પાઠવી રહી હતી, પણ તેઓ હાજર થઈ રહ્યા ન હતા. જે કેસ છે તે ભ્રષ્ટાચારના છે. નિર્દોષ હોય તો કોર્ટ શા માટે જામીન આપી રહી નથી. જે કોર્ટ પર પણ આ ઈકોસિસ્ટમ આરોપો લગાવવા પહોંચી જાય છે તે જ કોર્ટે કેજરીવાલને પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા. હવે કોર્ટથી માંડીને આખી સિસ્ટમ સરકારના નિયંત્રણમાં હોય તો જામીન શું કામ મળે? ટૂંકમાં કહેવાની વાત માત્ર એટલી જ છે કે વિપક્ષો એટલા હતાશ થઈ ગયા છે કે તેમની પાસે આ આરોપો સિવાય હવે કશું બચ્યું નથી.