સામાન્ય રીતે કોઇપણ ક્રિકેટ મેચ હોય તેમાં જે કોઈ પણ વિવાદ થયો હોય તે ચોવીસ કલાકમાં શાંત થઇ જતો હોય છે. પરંતુ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીનો વિવાદ ત્રણ દિવસ પછી પણ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. હવે આ વિવાદમાં કુદી પડ્યા છે ઇન્ડિયા ટીવી ન્યુઝના સર્વેસર્વા રજત શર્મા. રજત શર્માએ પોતાના કાર્યક્રમમાં ગૌતમ ગંભીર પર ખરેખર ગંભીર આરોપ લગાવ્યા છે, પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ આ સિક્કાની પણ બીજી બાજુ છે જ.
રજત શર્મા પોતાના કાર્યક્રમમાં કહે છે કે, “ગંભીરને ઉશ્કેરવામાં આવ્યો હતો. ચૂંટણી લડીને અને લોકસભાના સભ્ય બન્યા બાદ ગંભીરનો અહંકાર ખૂબ વધી ગયો છે. ગંભીર કેવી રીતે મેદાન પર વિરાટ કોહલીની લોકપ્રિયતાથી ચિંતિત છે તેના આપણે ફરીથી સાક્ષી બન્યા છીએ. કોહલી કાયમ આક્રમક રહ્યો છે અને તે કોઇપણ પ્રકારની બકવાસ ચલાવી લેતો નથી અને આથી તેને ગંભીરને યોગ્ય જવાબ આપ્યો છે.”
વિશ્લેષણને આગળ વધારીએ એ પહેલાં આપણે જાણી લઈએ કે રજત શર્માના ઉપરોક્ત દવામાં કેટલો દમ છે. એ વાત સાચી છે કે મેદાન હોય કે સોશિયલ મીડિયા ગૌતમ ગંભીરની વર્તણુક તેના અહંકારને દર્શાવે જ છે, પરંતુ શું વિરાટ કોહલી બિલકુલ અહંકાર નથી ધરાવતો? પૂર્વ ક્રિકેટર સાથે અને જેની સાથે મળીને તેણે ભારતને વર્લ્ડ કપ અપાવ્યો છે તેની સાથે જે રીતે તે ઝઘડી પડ્યો એ જ એનો અહંકાર દર્શાવે છે.
રહી વાત ગૌતમ ગંભીર વિરાટ કોહલીની ઈર્ષા કરે છે તો તેમાં બિલકુલ તથ્ય નથી. એક તો ગંભીર કોહલી કરતાં સીનીયર છે અને અત્યારે નિવૃત્ત છે જ્યારે કોહલી હજી પણ રમી રહ્યો છે. બીજું ગૌતમ ગંભીર એક નહીં પરંતુ બે-બે વર્લ્ડ કપ જીત્યો છે એટલે તેને ફક્ત 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં પોતાની ઇનિંગ કરતાં ધોનીની મેચ વિનિંગ ઇનિંગનેઆજે પણ વધુ મહત્વ અપાય છે એના સિવાય બીજી કોઈજ ફરિયાદ નથી.
રજત શર્મા વિરાટ કોહલીની આક્રમકતાના વખાણ કરે છે પરંતુ વિરાટની આક્રમકતા વધુ પડતી હોય છે. શું વિરાટ અગાઉના ક્રિકેટરો આક્રમક ન હતા? હતા, સૌરવ ગાંગુલી આક્રમક હતા, કપિલ દેવ પણ આક્રમક હતા અને રવિ શાસ્ત્રી પણ. વધુ દુર ન જઈએ તો મહેન્દ્ર સિંઘ ધોનીની ઠંડી આક્રમકતા જગવિખ્યાત છે.
આ તમામ આક્રમક ક્રિકેટરો પોતાની આક્રમકતા પોતાની રમતમાં દર્શાવતા હતા નહીં કે મેદાન પરની વર્તણુકમાં. LSGએ બેંગલુરુમાં RCBને મળનારી ચોક્કસ જીત શું છીનવી લીધી કોહલી અને તેના સાથીદારોએ તેને પોતાના અહંકારના અપમાન તરીકે લઇ લીધું અને લખનૌમાં LSGની દરેક વિકેટ બાદ જે રીતે RCBના ખેલાડીઓનું અને ખાસ કરીને કોહલીનું વર્તન જેણે કેચ કર્યો હોય કે ન હોય તે અત્યંત ભદ્દી કક્ષાનું અને અસહનીય હતું.
કપિલ દેવે એક મેચમાં ભારતને ફોલોઓનથી બચવા જ્યારે 24 રન જોઈતા હતાં અને હાથમાં એક જ વિકેટ બચી હતી ત્યારે ઇંગ્લેન્ડના સ્પિનર એડી હેમીન્ગ્સને ચાર બોલમાં ચાર સિક્સર મારીને ભારતને બચાવી લીધું હતું. પરંતુ ત્યારબાદ કપિલ દેવે એવા કોઈજ ઈશારા ઇંગ્લેન્ડના ખેલાડીઓ કે દર્શકોને કર્યા ન હતાં જે વિરાટ કોહલી પોતાની આદત અનુસાર કાયમ કરતો હોય છે.
પણ કોહલીના ફેન્સ ‘આ તો એના માટે સામાન્ય છે, એના વિના એ રહી જ નથી શકતો’ એમ કહીને આવી ઠાલી આક્રમકતાને વધાવી લેતા હોય છે. પરંતુ સામે ગંભીર પણ કોહલી પ્રકારનો જ અભિમાની અને મેદાન પર રમત સિવાય પણ આક્રમકતા દેખાડતો ખેલાડી છે અને એટલેજ ગુજરાતીમાં આપણે કહીએ છીએ એમ બંને એકબીજાને માથાના મળ્યા હતા અને આથી પેલા તણખા ઝરવા જરૂરી ન હતા પરંતુ તે ઝરવાના હતા જ અને ઝર્યા પણ ખરા.
હવે જાણીએ રજત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચેનો ઈતિહાસ. આ ઈતિહાસ ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં તો જાણીતો છે પરંતુ સામાન્ય જનતા આ બાબતે ખાસ જાણતી નથી. ગઈકાલે ગૌતમ ગંભીરે એક ભેદી ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં ગંભીરે લખ્યું હતું કે, “એક વ્યક્તિ જે દિલ્હી ક્રિકેટથી દબાણના બહાને ભાગી ગયો હતો તે ચૂકવેલા નાણાથી કોઈનું PR કરવા માટે વધુ ચિંતિત છે નહીં કે ક્રિકેટ માટે! આ જ કલયુગ છે જ્યાં ‘ભાગેડુઓ’ પોતાની ‘અદાલત’ ચલાવી રહ્યા છે.”
Man who ran away from Delhi Cricket citing “pressure” seems over eager to sell paid PR as concern for cricket! यही कलयुग़ है जहां ‘भगोड़े’ अपनी ‘अदालत’ चलाते हैं।
— Gautam Gambhir (@GautamGambhir) May 3, 2023
હવે આ ટ્વીટ ગંભીરે રજત શર્માને ઉદ્દેશીને કરી હતી અને તે પણ શર્મા દ્વારા કોહલીનો ખુલ્લેઆમ પક્ષ લીધા પછી અને ગંભીરને જાહેરમાં પોતાના કાર્યક્રમમાં ઉતારી પાડ્યા બાદ. ગંભીરે રજત શર્મા વિષે આમ કેમ કહ્યું તેની પાછળનો એક ઈતિહાસ છે. ક્રિકેટની ગીતા કહેવાતા પુસ્તક એવા વિઝડનની વેબસાઈટ પર એ ઘટનાની વિગતો આપવામાં આવી છે.
વર્ષ 2018 થી 2019 દરમ્યાન રજત શર્મા દિલ્હી એન્ડ ડીસ્ટ્રીક્ટ્સ ક્રિકેટ એસોસિએશન એટલેકે DDCAના અધ્યક્ષ પદે રહ્યા હતાં. પરંતુ બાદમાં તેમણે એસોસિએશનમાં રહેલાં સ્થાપિત હિતોને પોતાના કાર્યમાં વિઘ્નરૂપ કહીને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ DDCAના ઓમબુડ્સ્મેન (લોકપાલ) દ્વારા તેમને પોતાના પદ પર પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતાં.
પરંતુ DDCAના ડાયરેક્ટર્સ દ્વારા તેમની પુનઃ નિમણુંકનો વિરોધ કરવામાં આવ્યો હતો અને DDCAના પૂર્વ ચેરમેન અરુણ જેટલીના પુત્ર રોહન જેટલીને અધ્યક્ષપદે નિર્વિરોધ ચૂંટી લીધા હતાં. તે દિવસથી રોહન જેટલી DDCAના પ્રમુખ છે.
સ્વાભાવિક છે કે દિલ્હી તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર ગૌતમ ગંભીર DDCAના સભ્ય હોય જ અને રાજનૈતિક રીતે રોહન જેટલીની વધુ નજીક હોઈ શકે નહીં કે રજત શર્માની. વળી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં ગૌતમ ગંભીરના નામનું એક સ્ટેન્ડ પણ છે. આમ ગૌતમ ગંભીરની એ ભેદી ટ્વીટ પાછળ DDCAનું રાજકારણ જવાબદાર છે જેણે રજત શર્માનો ભૂતકાળ ઉઘાડો કરી દીધો છે.
કદાચ DDCAના સભ્યો દ્વારા પોતાને થયેલા કથિત અન્યાયનો ગુસ્સો રજત શર્માએ ગૌતમ ગંભીર પર ઉતાર્યો હોય અને તેના માટે પોતાની જ ચેનલના મંચનો ઉપયોગ કર્યો હોય, પરંતુ આમ કરતાં તેમણે જ પોતાના જુના ઘા ફરીથી તાજા કરાવી દીધા કારણકે ગૌતમ ગંભીર જો ભારતમાં અત્યારે સૌથી લોકપ્રિય ક્રિકેટરનું પદ શોભાવતા વિરાટ કોહલી સાથે શિંગડા ભરાવવાથી અચકાતો ન હોય તો પૂર્વ DDCA અધ્યક્ષને તો એ એમનેમ કેમ જવા દે?
હવે જ્યારે રજત શર્માએ પણ ક્રિકેટના મેદાનમાં થયેલા વિવાદમાં કુદી પડવાનું યોગ્ય સમજ્યું છે અને ગંભીરે પણ તેમને વળતો જવાબ આપી દીધો છે જે કદાચ શર્માના અહંકારને પણ આઘાત કરનારો છે, કોહલી-ગંભીર વિવાદ હજી પણ લાંબો ચાલશે એવું લાગી રહ્યું છે જે ખરેખર તો સાવ બિનજરૂરી અને તરત ભૂલી જવા જેવો હતો.