‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ નથી. જોઈશું. પણ તે પહેલાં અમુક વાતો, જે ફિલ્મ અને સાંપ્રત ઘટનાઓ સાથે બંધબેસે છે.
27મી ફેબ્રુઆરી, 2002ના દિવસે અયોધ્યાથી કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસ ગોધરા આવીને ઊભી રહી ત્યારે તેના બે ડબ્બાને મુસ્લિમ ટોળાએ એક પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે સળગાવી દીધા એ ઘટના પર તથ્યો રજૂ કરતી, વાસ્તવિક ચિત્ર રજૂ કરતી, વામપંથી પ્રોપગેન્ડાથી મુક્ત અને સત્યથી એકદમ નજીક હોય એવી ફિલ્મ બનાવતાં આપણને પૂરાં બાવીસ વર્ષ લાગ્યાં. ખરેખર તો આ કામ તરત થવું જોઈતું હતું. એવું ન થયું અને 2014 પછી જે સામૂહિક વૈચારિક પરિવર્તન આવ્યું તેના કારણે હવે ફિલ્મનિર્માતાઓમાં આવી હિંમત આવી રહી છે.
આ પ્રકારની ફિલ્મો 2014 પછી જ બનતી થઈ છે એ સંયોગમાત્ર નથી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત ન થઈ હોત અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન બન્યા હોત તો આજે પણ આપણે એ જ ગટર કક્ષાની, સડકછાપ ફિલ્મો જોતા હોત. પહેલી નજરે સિનેમા અને સત્તાપરિવર્તન વચ્ચે કોઈ સંબંધ ન જણાય તો વાંધો નહીં, ભવિષ્યમાં ક્યારેક વિગતે સમજાવીશું. હમણાં આટલું રાખો.
તમે એક વાત નોંધી હશે. આવી કોઈ પણ ફિલ્મ આવે છે ત્યારે કાયમ ફાલતુ ફિલ્મોને પણ બઢાવી-ચડાવીને રજૂ કરતા અને રિવ્યૂના નામે ભાટાઈ આપણા માથે મારતા મોટાભાગના કલમબાજોની કલમમાંથી શાહી આવતી બંધ થઈ જાય છે. આમ તેઓ બાકીની બધી ફિલ્મો જોવા માટે આપણને રીતસર ધક્કા મારશે, પણ આવી ફિલ્મો આવે ત્યારે એક અક્ષર નહીં બોલે-લખે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘ધ કેરાલા સ્ટોરી’ કે ‘વેક્સિન વૉર’થી માંડીને બીજી એવી અમુક ફિલ્મો વિશે તમને મુખ્યધારાના મીડિયામાં બહુ ખાસ વાંચવા નહીં મળે. એ પણ સંયોગ નથી.
2019માં ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મ આવી હતી. આપણા 18 જવાનોને ઘાત લગાવીને પીઠ પાછળથી હુમલો કરીને મારી ગયેલા પાકિસ્તાનીઓને ગણતરીના દિવસોમાં આપણી સેનાએ પાઠ ભણાવ્યો એ વિષય પર બની હતી. ગર્વની વાત કહેવાય. એ સરકારને પણ અભિનંદન આપવા જ ઘટે, જેણે આ વિલપાવર બતાવ્યો. બાકી આપણે ઇતિહાસના સૌથી ઘાતક 26/11 હુમલા પછી પણ હાથ પર હાથ ધરીને બેસી રહ્યા હતા. પણ ફિલ્મ, તેનો વિષય અને બેકગ્રાઉન્ડ એક ઇકોસિસ્ટમના એજન્ડાથી વિપરીત જાય છે એટલે આ ફિલ્મ આવી ત્યારે ટોળકી સદંતર ચૂપ રહી.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એવી જ એક ક્રાંતિકારી ફિલ્મ આવી હતી. કાશ્મીરી હિંદુઓના નરસંહારને મોટા પડદે રજૂ કરતી આ ફિલ્મ દરેક ભારતીય સુધી પહોંચવી જોઈતી હતી હતી અને તેમ થયું પણ ખરું. પણ ફિલ્મને પહોંચાડી કોણે? મારા-તમારા જેવા સામાન્ય માણસોએ. મેઈનસ્ટ્રીમ મીડિયા ત્યારે શું કરતું હતું? મૌન રહેતું હતું, અથવા આપણને એવું કહેવા માંગતું હતું કે આ ભાજપને ચૂંટણીમાં ફાયદો કરાવવા માટેની પ્રોપગેન્ડા ફિલ્મ છે. આપણે હવે સમજુ થઈ ગયા છીએ. આવી ફાલતુ વાતોને કાને ન ધરી. ફિલ્મ જબરદસ્ત રીતે સફળ થઈ. વિવેક અગ્નિહોત્રીની જ નહીં, આપણા સૌની પણ આ એક રીતે સફળતા કહેવાય.
‘ધ કેરાલા સ્ટોરી’ નામની ફિલ્મ પણ આવી જ એક ફિલ્મ હતી. ‘લવ જેહાદ’ને જેઓ મિથ ગણાવે છે (આ વિષય પર એક ચોપડી પણ છપાઈ છે, અંગ્રેજીમાં.) તેમણે એ જોવી જોઈએ. તેઓ નહીં જુએ, પણ આપણે જોવાની.
વીર વિનાયક સાવરકરજી વિશે એક ઇકોસિસ્ટમે બહુ જુઠ્ઠાણું ફેલાવ્યું, એમને બહુ અપમાનિત કરાયા. પણ રણદીપ હુડ્ડાએ આ વર્ષે જ બનાવેલી ફિલ્મે આ નરેટિવ પર હથોડો મારવાનું કામ કર્યું. આમ તો જોકે એ હથોડી મારવાનું કામ કર્યું કહેવાય. હથોડો વિક્રમ સંપતે માર્યો હતો. સંપતજીએ સાવરકરજીના જીવન પર બે દળદાર પુસ્તકો લખીને બહુ ક્રાંતિકારી કામ કર્યું છે. દરેકે વાંચવાં જોઈએ. પણ તમે જુઓ, આ સાવરકર ફિલ્મ વિશે કે ઇવન પુસ્તકો વિશે પણ એટલી ચર્ચા મુખ્યધારાના મીડિયામાં જોવા નહીં મળી.
કહેવાની વાત એટલી છે કે જે ઇકોસિસ્ટમના એજન્ડામાં સેટ ન થઈ શકે, ‘સેક્યુલર’ ન હોય, કારણ વગર સમુદાય વિશેષને વહાલો કરવાના પ્રયાસ ન કરતી હોય કે પછી દાયકાઓ-વર્ષોથી સ્થાપિત થયેલો કોઈ નરેટિવ એક ઝાટકે તોડી નાખતી હોય તેવી ફિલ્મો જ્યારે-જ્યારે આવશે ત્યારે ત્યારે મેઈનસ્ટ્રીમ મીડિયાનું વલણ આવું જ રહેશે. આપણને કહેવામાં આવશે કે આ ફિલ્મો પ્રોપગેન્ડા છે, ભાજપને કે મોદીને ફાયદો કરાવવા માટે લવાઈ છે, કે પછી તે સમાજમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે. આપણે બે સારી ગાળ દઈને એક જ કામ કરવાનું છે- ફિલ્મ જોવાનું. સારી લાગે તો બે માણસને કહેવાનું.
આપણે પહેલાં માત્ર સામેની બાજુની પ્રોપગેન્ડા ફિલ્મોનો વિરોધ કરીને બેસી રહેતા હતા. હવે તેનો જવાબ આપતી, પ્રોપગેન્ડારહિત અને સત્ય રજૂ કરતી ફિલ્મો બનાવતા થઈ ગયા છીએ. અમુક એવા પણ છે જે પહેલાં પેલી ટોળકીમાં હતા, હવે ધીમે-ધીમે આ બાજુ આવી રહ્યા છે. સારું જ છે, તેમને આવકારવાના, પણ એ ધ્યાન રાખવાનું કે ફરી અવળચંડાઈ ન કરે.
બીજું, બની શકે કે આવી ફિલ્મો તમને બીજી રીતે નબળી લાગી શકે. ભણતી વખતે બહુ ધ્યાન તો આપ્યું ન હતું, પણ હું સિનેમા ભણ્યો છું. એટલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોતી વખતે મને ઘણે ઠેકાણે લાગ્યું હતું કે અહીં ટેકનિકલ ખામીઓ રહી ગઈ છે. પણ આ પ્રકારની ફિલ્મોમાં ટેક્નિકલ બાબતો નહીં જોવાની, એની પાછળ જે વિચારપ્રક્રિયા સ્થાપિત કરવામાં આવી છે એને સમજવાનું અને આપણને સમજાય જાય તો એને આગળ પહોંચાડવાનું. સિનેમાની દ્રષ્ટિએ, દિર્ગદર્શનની રીતે કે નિર્દેશનની રીતે તમને એમાં ખામી લાગી શકે, ભલે લાગે તો. વિષય એ નથી. બાકીના બધા વિવેચન માટે દર શુક્રવારે આપણી પાસે એક ફિલ્મ હોય છે.
અંતે. સેક્યુલર-લિબરલ જીવાતો ભલે ફિલ્મો પર મૌન ધારણ કરીને બેસી ગઈ હોય, પણ આપણી આસપાસ એવા પણ લોકો છે, જેઓ આવી ફિલ્મો વિશે, ઘટનાઓ વિશે લખી રહ્યા છે. તેમને વાંચીએ, તેમનાં લખાણોને પહોંચતાં કરીએ. આ વાંચવા અને સાંભળવામાં સરળ લાગતું હશે, પણ લખવાના ધંધામાં રહીને એક ગ્લોબલ પ્રેઝન્સ ધરાવતી, અત્યંત મજબૂત થઈ ગયેલી, ઊંડે સુધી મૂળિયાં ધરાવતી અને ભયંકર વર્ચસ્વ ધરાવતી ઇકોસિસ્ટમ સામે પડીને કામ કરવું એ કપરું કામ છે. જેઓ કરી રહ્યા છે, એમની પડખે રહીએ. જેઓ આવી ફિલ્મો બનાવવાનું સાહસ કરે છે, એમને બિરદાવીએ. જેઓ પુસ્તકો લખે છે, તેમનાં પુસ્તકો વાંચીએ. બધું કામ નરેન્દ્રભાઈ ન કરે, ને તેમણે કરવું પણ ન જોઈએ. આપણે મત આપીને પચાસ ટકા કામ કર્યું હતું, પચાસ ટકા કામ કયું? તો આ કહ્યું એ.