Wednesday, April 2, 2025
More
    હોમપેજવગેરે...કટાક્ષએક હતો પાદરી, ગામના બાળકોને કરતો સાજા: અચાનક કાયદાનું વંટોળ આવ્યું ને...

    એક હતો પાદરી, ગામના બાળકોને કરતો સાજા: અચાનક કાયદાનું વંટોળ આવ્યું ને પોતે ફસાયો, પછી પોતાના બીમાર બાળકોના નામે જજ સામે સાર્યા આંસુ – વાંચો ‘પાસ્ટરની ચમત્કારિક કથા’

    ઘણા વર્ષો પહેલાંની વાત છે. કસ્બામાં બધા ખૂબ દુઃખી રહેતા હતા. કામધંધો કરીને આવીને સૂઝતું નહોતું કે કરવું શું. હજારો સમસ્યાઓ માણસોને ઊભી ચિરતી હતી. તેવામાં અવતરે છે એક પાસ્ટર. નામ એનું બલવિન્દર (નામ કાલ્પનિક સમજવું).

    - Advertisement -

    બધાએ ‘ગદર- એક પ્રેમકથા’ જોઈ હશે. ખેર, હવે તો તે ફિલ્મને ઘણા દાયકા થઈ ગયા, તેનો બીજો ભાગ પણ આવી ગયો. પરંતુ, આજે મારે વાત કરવી છે એક પાસ્ટરની ચમત્કારિક કથાની. એવી કથા કે જેના કારણે દેશભરમાં બહુ કુમળી વયે એક જુવાન ખ્યાતિ પામી ગયો. એવી કથા કે જેણે હજારો માણસોની જિંદગી બદલી નાખી. જિદગી સદ્ધર બનાવી કે બદતર એ અલગ ચર્ચાનો વિષય છે. પણ એ જુવાનની વાતો એટલી અસરકારક હતી કે, ઘણા એને સંત ગણવા લાગ્યા હતા અને ‘દેવમાનુસ’ ગણીને માથા પર ચડાવવા લાગ્યા હતા. પરંતુ, તેવામાં આવે છે ટ્વીસ્ટ….

    અરે, કથા તો વચ્ચેથી શરૂ થઈ ગઈ. ચલો, કોઈ વાંધો નહીં. શરૂઆતથી શરૂ કરીએ. વાત એમ છે કે, હું અને મારો મિત્ર લખો એક દિવસે કામ પતાવીને રાત્રે ગામના ભાગોળે એક ગલ્લા પર બેઠા હતા. તેના ફોનમાં અચાનક મેસેજ આવ્યો અને રિંગટોન વાગી..’મેરા યેશુ-યેશુ, મેરા યેશુ..’ હું ચમક્યો. મેં કહ્યું, ‘આ શું છે.’ તેણે કહ્યું, ‘તને નથી ખબર. હમણાં કસ્બામાં એક ચમત્કારિક પાદરી આવ્યા હતા. તેણે બાજુના ગામ પિથલપુરની (નામ કાલ્પનિક સમજવું) એક અપંગ બાળકીને બેઠી કરી દીધી અને કોઈ ‘યેશુ ભગવાન’નું મંદિર બનાવવાનું કહ્યું.’ મને વાત લાગી રસપ્રદ. મેં લખાને કહ્યું, ‘ભાઈ, આ પાદરીની આખી કથા કહી સંભળાવ તો.’ તેણે શરૂ કર્યું..

    ‘પાસ્ટરની ચમત્કારિક કથા’

    ઘણા વર્ષો પહેલાંની વાત છે. કસ્બામાં બધા ખૂબ દુઃખી રહેતા હતા. કામધંધો કરીને આવીને સૂઝતું નહોતું કે કરવું શું. હજારો સમસ્યાઓ માણસોને ઊભી ચિરતી હતી. તેવામાં અવતરે છે એક પાસ્ટર. નામ એનું બલવિન્દર (નામ કાલ્પનિક સમજવું). બલવિન્દરને પોતાને પોતાની ‘અસીમિત શક્તિઓ’નો અંદાજો નહોતો, પણ તે ‘પ્રભુ પિતાનો લાડકો બાળક’ ખરો. તે જેના પર હાથ મૂકે અને ‘યેશુ-યેશુ’ કહે એ સાજો થઈ જાય. એક દિવસ કસ્બામાં ઊડતી-ઊડતી ખબર ફેલાઈ કે બાજુના ગામ પિથલપુરમાં પાસ્ટર આવી રહ્યો છે અને જાહેરમાં ચમત્કાર કરીને એક બાળકીને સાજી કરવાનો છે.

    - Advertisement -

    કસ્બામાં કુતૂહલ છવાયો. ગામના બધાએ નક્કી કર્યું કે, પિથલપુર જઈને ચમત્કાર તો જોવો છે. બધા પહોંચી ગયા કાર્યક્રમમાં. પાસ્ટર બલવિન્દર આવ્યો. તેની સાથે હતી એક બાળકી અને તે બાળકીનો ભાઈ ભોપો. માઇકમાં પાસ્ટરે મથાળું બાંધ્યું અને કહ્યું કે, આ બાળકી જન્મથી અપંગ છે, હવે તેને સાજી કરવાનો સમય આવી ગયો છે. થોડીવાર માટે કાર્યક્રમમાં સન્નાટો છવાઈ ગયો. બધા કુતૂહલથી પાસ્ટર સામે જોતાં રહ્યા. પાસ્ટર આવ્યો અને બાળકીના માથા પર હાથ મૂક્યો, કાનમાં ‘યેશુ-યેશુ’નો રાગ આલાપ્યો અને થયો ચમત્કાર. બાળકી દોડવા લાગી.

    પાસ્ટરે ભોપાને પૂછ્યું, ‘બેટા, તારી બહેનને શું વાંધો હતો?’, ભોપો થોડું વિચારીને બોલ્યો, ‘ચાલી નહોતી શકતી’. પાસ્ટરે પૂછ્યું, ‘હવે શું થયું બેટા?’, ભોપો બોલ્યો, ‘દોડવા લાગી..’ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ શરૂ થઈ ગયું કે, ‘મેરા યેશુ-યેશુ.. મેરા યેશુ..’ કસ્બાવાળા બધા સ્તબ્ધ. આવી બીજી બે-ચાર ઘટનાઓ બાદ કસ્બામાં પણ ‘મેરા યેશુ-યેશુ’ના ગીતો વાગવા લાગ્યા અને લખાએ તો રીતસર પોતાની રીંગટોન પણ ચેન્જ કરી નાખી.

    ગામના બાળકોને સાજા કરતો હતો પાસ્ટર

    લખાની વાત પૂરી થઈ એટલે મેં પૂછ્યું, ‘તને ખબર હતી કે પેલી બાળકી જન્મથી અપંગ હતી?’ લખો બોલ્યો, ‘ખબરની શું વાત કરે. એનો ભાઈ ભોપો પોતે તો બોલ્યો હતો અને તારે માનવું ન હોય તો કઈ નહીં, પણ પાસ્ટર પર સંદેહ કર્યો તો ખેર નહીં. તને ખબર છે, તેણે ખાલી આપણાં વિસ્તારના જ 12 બાળકોને સાજા કર્યા છે અને લોકોના દુઃખ-દરદ દૂર કર્યા છે.’ હું લખા સામે જોતો રહ્યો. પણ ખબર નહીં કેમ પાસ્ટરના ચેપ્ટર પર વિશ્વાસ નહોતો બેસી રહ્યો.

    ઘટનાના અમુક વર્ષો વિત્યા અને લખો તો પાસ્ટરપ્રેમમાં ગામમાં પાસ્ટરાલય (આધુનિક ચર્ચ જેવી બનાવટ) બંધાવવા નીકળી પડ્યો. ગામમાંથી પાસ્ટરના ચમત્કારોની વાતો કરીને ફાળો ઉઘરાવ્યો અને કેટલાક પૈસા વિદેશ પણ મોકલ્યા (વિદેશ શા માટે મોકલ્યા એ રહસ્ય પણ લખા સાથે જતું રહ્યું. લખા સાથે ક્યાં ગયું એ લેખના અંતિમ ફકરાઓમાં મળશે). બાકી વધેલા પૈસાથી તેણે પાસ્ટરાલય ઊભું કર્યું અને ઇમારતની વચ્ચે દવાખાના પર લાગતાં ક્રોસના નિશાન જેવું કોઈ ચિહ્ન લગાવી દીધું. દરરોજ કસ્બાવાળા લોકો ત્યાં જમા થવા લાગ્યા ને ‘મેરા યેશુ-યેશુ’ની ધૂન બોલાવવા લાગ્યા.

    આસપાસના વિસ્તારોમાં પણ આવું જ થવા લાગ્યું. અનેકો પાસ્ટરાલયો ખૂલ્યા અને સ્થાનિકો તેમાં જવા લાગ્યા. ઘણા દિવસો સુધી આવું ચાલ્યું. પછી આવ્યો એક ટ્વીસ્ટ. થયું એવું કે, કસ્બાની એક યુવતીએ પાસ્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો. ગ્રામીણો ભડકી ઉઠ્યા પણ રજવાડાના આદેશ છૂટ્યા અને ન્યાયાલયમાં કેસ ચાલ્યો. લોકોને વિશ્વાસ હતો કે, પાસ્ટર નક્કી કોઈ ચમત્કાર કરશે. પણ થયું ઊંધું. પાસ્ટરને બળાત્કારનો દોષી જાહેર કરવામાં આવ્યો અને આજીવન કેદ કરવાના આદેશ આપવામાં આવ્યા.

    ગામના બાળકોને સાજા કરતો પાસ્ટર ન્યાયાધીશ સામે પોતાના બાળકો માટે રોદણાં રડ્યો

    કેદ કરતા પહેલાં પાસ્ટરે ન્યાયાધીશ સામે હાથ જોડ્યા અને પોતાના બાળકો માટે રહેમની ભીખ માંગવા લાગ્યો. તે અદાલત સામે પોક મેલીને રડવા લાગ્યો. તેણે રડતાં-રડતાં કહ્યું કે, “મારા બાળકો નાના છે, બીમાર છે અને પત્ની પણ બીમાર છે. હું સામાજિક માણસ છું. મારા પગમાં સળિયો નખાયેલો છે. મારા પર દયા કરો.” ખેર, ન્યાયાધીશે તો દયા ના કરી, પણ બહાર કેસ સાંભળી રહેલા ગ્રામીણો વીફરી ગયા. તેમણે દલીલ કરી કે, ગામના બાળકોને સાજા કરતો પાદરી પોતાના બાળકો માટે રહેમની ભીખ કેમ માંગી રહ્યો છે, તે તો ચમત્કારિક હતો ને.

    બહાર ઊભેલી એક મહીલા બોલી, ‘અપંગ બાળકીને દોડતી કરનારા પાસ્ટરના પોતાના પગમાં સળિયા નાખેલા છે, તે પોતાને સાજો કેમ નથી કરતો.’ ધીરે-ધીરે પાસ્ટર પ્રત્યેની સહાનુભૂતિ મરી પરવારી અને લોકોને ભાન થઈ. કસ્બાનું એકમાત્ર પાસ્ટરાલય રાતોરાત ગાયબ થઈ ગયું અને તેની સાથે ગાયબ થઈ ગયા અન્ય બે ઇસમો. એક પાસ્ટર અને બીજો લખો. હવે ઊડતી-ઊડતી વાત એવી આવી છે કે, ગામના પૈસા લઈને પાસ્ટરાલય બનાવનારો લખો જૂનાગઢ બાજુ જઈને સંન્યાસ લઈ સાધુ બની ગયો છે.

    નોંધ- ઉપરોક્ત કથા સંપૂર્ણપણે લેખકના વિચારોની ઉપજ છે અને કલ્પના છે. તેનો જીવિત વ્યક્તિ, સંસ્થા કે અન્ય બાબતો સાથેનો સંબંધ માત્ર સંયોગ ગણી શકાય. જોકે, વાસ્તવિકતા ગણવી હોય તો તેના માટે લેખક તરફથી વાંચકોને સંપૂર્ણ છૂટ પ્રદાન કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં