Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅખલાક-તબરેઝનાં મોત ‘આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ’, તેજરામની હત્યા પર સન્નાટો: બરેલીમાં હિંદુ યુવકનું મૉબ...

    અખલાક-તબરેઝનાં મોત ‘આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ’, તેજરામની હત્યા પર સન્નાટો: બરેલીમાં હિંદુ યુવકનું મૉબ લિન્ચિંગ, પણ ચર્ચા ક્યાંય નહીં!

    ઘડીક કલ્પના કરવી કે અહીં મરનાર અને મારનારના ધર્મ અલગ હોત અને ઘટના રામનવમીની શોભાયાત્રા દરમિયાન બની હોત તો?

    - Advertisement -

    કોઇ વ્યક્તિને કોઇ ઉન્માદી ટોળું ઘેરી વળીને માર મારીમારીને તેની હત્યા કરી નાખે તેના માટે અંગ્રેજીમાં એક શબ્દ છે મૉબ લિન્ચિંગ. બહુ ગંભીર ઘટના કહેવાય. પણ આપણે ત્યાં કઈ ઘટનાને ‘મૉબ લિન્ચિંગ’ કહેવાશે, કોને નહીં કહેવાય, કઈ ઘટનાને અખબારના પહેલા પાને સ્થાન મળશે અને કઈને પાંચમા પાને અંદરના ખૂણામાં, કઈ ઘટના પર પ્રાઇમ ટાઇમ ડિબેટ થશે, કઈ ઘટના પર કેટલો હોબાળો મચાવાશે અને કઈ પર નહીં તે ધર્મ અને મઝહબ જોઈને નક્કી થાય છે. 

    આ વાંચનારા મોટાભાગનાને જાણ નહીં હોય કે 19 જુલાઈએ ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મૉબ લિન્ચિંગ ઘટના બની ગઈ. ક્યારે બની? મોહરમના જુલૂસ દરમિયાન થયેલા વિવાદ બાદ. એક હિંદુ યુવાનને (નામ તેજરામ) ઉન્માદી ઇસ્લામી ટોળાએ મારી નાખ્યો. ઘટના મસ્જિદમાં બની. અન્ય અમુક હિંદુઓ પર પથ્થરમારો થયો, ઘરોમાં તોડફોડ થઈ. તેજરામને ટોળાએ માર માર્યા બાદ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સોમવારે તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો. 

    ઘટનાની વધુ વિગતો આ પ્રમાણે છે. 17 જુલાઈએ મોહરમના જુલૂસના આયોજન દરમિયાન હિંદુ મંદિરની સામે ઢોલ વગાડવાને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ મુસ્લિમ પક્ષે બદલો લેવાના ઇરાદે બીજા દિવસે સતત બેઠકો કરી. શુક્રવારે (19 જુલાઈ) બપોરે પણ આરોપીઓ બાગમાં એકઠા થયા હતા. અમર ઉજાલા રિપોર્ટ કહે છે કે, શુક્રવારે રાત્રિના સમયે તેજરામ અને અન્ય કેટલાક હિંદુઓ ઘરની બહાર બેઠા હતા. ત્યારે પાડોશનો એક મુસ્લિમ યુવક સતત ઘરમાં બેઠેલી મહિલાઓ પર લેઝર લાઇટ મારતો હતો. જેથી હિંદુ યુવકોએ તેને આમ ન કરવાનું જણાવતાં ત્યાંથી ગાળાગાળી કરીને ધમકી આપ્યા બાદ ભાગી ગયો. પરંતુ થોડીવાર પછી અન્ય મુસ્લિમ યુવાનોને લઇ આવ્યો. 

    - Advertisement -

    આ તમામ લાઠી-દંડા લઈને દોડી આવ્યા અને હિંદુઓના ઘરમાં ઘૂસીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેજરામને મુસ્લિમ ટોળાએ ઘેરી લઈને માર માર્યો અને ઉઠાવીને ગામની મસ્જિદમાં લઇ ગયા. ત્યાં ઢોર માર મારવામાં આવ્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. પછીથી પરિજનો પહોંચીને તેને હૉસ્પિટલ લઇ ગયાં, પણ 22 જુલાઈએ તેણે અંતિમ શ્વાસ લીધા. તેજરામને બચાવી ન શકાયો. ઇજાગ્રસ્ત અન્યોની સારવાર હાલ ચાલી રહી છે. 

    પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પછીથી સામે આવ્યું કે, તેજરામની ખોપડીના હાડકાં ભાંગી ગયાં હતાં અને મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ હતી. તે ભાગવા જતો હતો ત્યારે લાઠી-દંડા અને રૉડના મારના કારણે બંને હાથ અને ખભા લોહીલુહાણ થઈ ગયા હતા. ખભા અને પીઠના ભાગે મોટા પથ્થર પણ વાગ્યા હતા. 

    પોલીસે કાર્યવાહી કરી પછી મીડિયામાં થોડીઘણી ચર્ચા થઈ, એ પણ બુલડોઝર એક્શનની

    ઘટનામાં UP પોલીસ તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં પાંત્રીસેક આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હોવાનું પોલીસનું કહેવું છે. જેમાં બે મુખ્ય આરોપીઓ આલમગીર અને નિજાકત અલી પણ સામેલ છે. બંનેએ ગામમાં અતિક્રમણ કરીને ઘરો બાંધ્યાં હોવાનું સામે આવતાં પ્રશાસને ઘરો પર પણ બુલડોઝર ફેરવી દીધાં છે. 

    આટલી ગંભીર ઘટના બની ગઈ, પણ ક્યાંય પણ મીડિયામાં તેની ચર્ચા દેખાઈ નહીં. ગૂગલ પર ‘તેજરામ’ કે ‘બરેલી હિંસા’ જેવા કી-વર્ડ કોઈ પણ ભાષામાં સર્ચ કરીને જોવાથી કોઇ સમાચાર મળતા નથી. આ તો પોલીસે આરોપીઓનાં ઘર પર બુલડોઝર ફેરવ્યાં ત્યારબાદ સમાચાર બન્યા. ગુજરાતી મીડિયા તો UP સુધી આવી ઘટના માટે પહોંચે એ અપેક્ષા રાખવી વધુ પડતી છે. જોકે, એ વાત અલગ છે કે UP-બિહારમાં એજન્ડા સેટ થાય તેવી ઘટનાઓ જોવા મળે તો તેમની કલમો ત્યાં બૂમો પાડી ઊઠે છે. 

    તેજરામનો ‘ગુનો’ શું હતો? તેણે તેના સમુદાયના વ્યક્તિઓ માટે અવાજ ઉઠાવ્યો હતો. તેને મુસ્લિમ ભીડે ઘેરીને મારી નાખ્યો. છતાં સાવ ફાલતુ વિષયનો રાઈનો પહાડ બનાવીને કચાટ કરતા એન્કરો ચૂપ છે. સાવ સામાન્ય વિષય પર દસ-દસ બાર-બાર ટ્વિટ કરનારા કથિત પત્રકારો અને એક્ટિવિસ્ટો પણ મૌન થઈ ગયા છે. જાણે આ ઘટના બની જ નથી. જાણે કશું થયું જ નથી. 

    હોબાળો શું મારનાર અને મરનારના ધર્મ જોઈને મચાવવાનો છે?

    હવે ઘડીક કલ્પના કરવી કે અહીં મરનાર અને મારનારના ધર્મ અલગ હોત અને ઘટના રામનવમીની શોભાયાત્રા દરમિયાન બની હોત તો? તો મેઈનસ્ટ્રીમ મીડિયામાં કામ કરતાં છોકરા-છોકરીઓએ ગામ ગજવી મૂક્યું હોત. મુદ્દો આંતરરાષ્ટ્રીય મીડિયા સુધી પહોંચે એટલો ચગાવવામાં આવ્યો હોત અને ‘ભારતમાં લઘુમતીઓ અસુરક્ષિત છે’ અને ‘મોદીના રાજમાં મુસ્લિમો સાથે ખુલ્લેઆમ અત્યાચાર થાય છે’ના નેરેટિવ ચલાવાયા હોત. 

    આ માત્ર નરી કલ્પના નથી પણ વાસ્તવિકતા છે અને ભૂતકાળમાં આવું થયું પણ છે. તબરેઝ અને અખલાક જેવાં નામો કોને યાદ નહીં હોય? 2015માં UPના દાદરીમાં મોહમ્મદ અખલાક નામના એક વ્યક્તિ પર ગૌમાંસ રાખવાના આરોપસર હુમલો થયો હતો. તેના પરિવારે શરૂઆતમાં મટન હોવાનું કહ્યું હતું પણ લેબમાં એ ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું. મુદ્દાને ‘આંતરરાષ્ટ્રીય’ બનાવવામાં આવ્યો અને ઉપર કહ્યા એ મુજબના નેરેટિવ ચલાવવામાં આવ્યા. 

    આવી જ એક ઘટના 2019માં ઝારખંડમાં બની હતી, જ્યારે તબરેઝ અંસારી નામના એક ઇસમની બાઇક ચોરીની શંકામાં હુમલા બાદ હત્યા થઈ હતી. આ મુદ્દો પણ બહુ ચગ્યો હતો અને સંસદ સુધી તેની ચર્ચા થઈ હતી. દિવસો સુધી છાપાંમાં સમાચારો ચાલ્યા હતા અને ટીવી ચેનલોએ પણ કવરેજ આપ્યું હતું. પણ આવું કશું જ તેજારમની ઘટનામાં જોવા મળતું નથી. છૂટાછવાયા અપવાદ હશે, બાકી આખી એક ઈકોસિસ્ટમ ચૂપ બેઠી છે. 

    કારણ કે આ ટોળકી મરનાર અને મારનારના ધર્મ જોઈને નક્કી કરે છે કે ત્યાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી. ‘તેજરામ’ નામ તેમના એજન્ડામાં ક્યારેય ફિટ બેઠું નહીં, એટલે તેની હત્યા પર મૌન છવાયું છે. આ ટોળકી ફરી એવી કોઈક ઘટના પર સફાળી જાગી ઊઠશે, જેમાં હિંદુઓને લાગતું-વળગતું પણ ન હોય કે કોઇ ધાર્મિક એન્ગલ પણ ન હોય તોપણ તેમને ઘસડીને ભરપૂર ગાળો દેવાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં