છેવટે જે વિચાર્યું હતું એ થઈને જ રહ્યું. એમ પણ કહી શકાય કે જેની બીક બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચથી હતી તે સાચી પડી ગઈ. ઓસ્ટ્રેલિયાએ ઇન્દોર ટેસ્ટ 9 વિકેટે જીતી લીધી છે અને એ પર સ્પિનિંગ વિકેટ પર જે કાયમ ટીમ ઇન્ડિયાની મજબુત બાબત હતી. જો કે પહેલી બે ટેસ્ટમાં પણ સ્પિનર્સને જ મદદ મળી હતી પરંતુ ઈન્દોરની વિકેટની વાત અલગ છે.
આ વખતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી જાણેકે પહેલેથી જ નક્કી હોય એવી સ્ક્રીપ્ટ પર ચાલી રહી છે, એટલીસ્ટ પીચની બાબતે. BCCI અને ટીમ મેનેજમેન્ટે જાણેકે નક્કી કરી લીધું છે કે આ વખતે આખી સિરીઝમાં ઓસ્ટ્રેલિયનોને સ્પિનિંગ વિકેટ જ આપવી છે. જેમ અગાઉ કહ્યું એમ સ્પિનિંગ વિકેટ પર રમવું એ ભારતીય ટીમની સહુથી મોટી મજબુતાઈ છે એટલે આમ કરવામાં વાંધો પણ નથી.
પરંતુ નાગપુર અને દિલ્હી પછી જો ઇન્દોરની વિકેટની વાત કરવામાં આવે તો એવું લાગે છે કે આ પીચ કોઈ અતિ ઉત્સાહી ક્યુરેટરે બનાવી હતી જેને આ મેચ ભારતને બે દિવસમાં જીતાડી આપવી હતી. ઇન્દોર ટેસ્ટ અગાઉની બે ટેસ્ટની જેમ ભલે ત્રીજા દિવસે પતી ગઈ પરંતુ અગાઉની બે ટેસ્ટ ત્રીજા દિવસે બીજું સેશન તો જોઈ શકી હતી? ઇન્દોરમાં તો એ પણ શક્ય ન બન્યું અને લગભગ સવા બે દિવસની અંદર મેચનું પરિણામ આવી ગયું. સામાન્યત: ટર્ન લેતી પીચો પર ટોસ જીતીને બેટિંગ લેવાનો નિયમ હોય છે કારણકે આવી પીચો પર ચોથી ઈનિંગમાં રમવું લગભગ અશક્ય જ હોય છે.
પરંતુ આ ત્રણેય ટેસ્ટ જેમાં સ્પિન લેતી વિકેટ હતી તેમાં પહેલાં બેટિંગ કરનારી ટીમ જ હારી ગઈ છે. આનો સરળ મતલબ એ જ કાઢી શકાય કે વિકેટ જે ધીમે ધીમે તૂટવી જોઈએ એ પહેલાં દિવસ તો શું પહેલાં સેશનથી જ તૂટી ગઈ અને આથી પહેલી ઇનિંગમાં 400 જેટલો સ્કોર કરવામાં તકલીફ થઇ. પરંતુ જે રીતે ઇન્દોરની વિકેટ બનાવવામાં આવી એ તો કોઈ રીતે ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય ન હતી. પહેલાં કલાકમાં સ્પિનરના પાંચમાં બોલે જ જબરદસ્ત ટર્ન લીધો અને ટીમ ઇન્ડિયા તકલીફમાં મુકાઈ ગઈ.
એવું બહાનું એવું પણ આપવામાં આવી રહ્યું છે કે ધરમસાલા ટેસ્ટ મેચની જગ્યાએ અચાનક જ ઇન્દોરમાં ટેસ્ટ ગોઠવવામાં આવી એટલે પીચ પુરેપુરી તૈયાર ન થઇ શકી. તો ધરમસાલા ટેસ્ટ પણ પૂરતી તૈયારી ન હોવાથી જ ઇન્દોરમાં ખસેડવામાં આવી હતી, તો શું આ BCCIનાં mismanagementનો પ્રતાપ ન કહી શકાય? ધરમસાલા માટે તો તૈયારી કરવા માટે પૂરતો સમય હતો તો પણ કેમ એ શક્ય ન બન્યું? જો અપૂરતી તૈયારીઓ માટે અહીંનાં ઠંડા વાતાવરણને દોષ દેવો હોય તો આ મહિનાઓમાં ત્યાં સદીયોથી આવું જ વાતાવરણ છે એ શું BCCIનાં અધિકારીઓને સમજાવવું પડે?
આ પુણ્યપ્રકોપ એ સિરીઝમાં ભારતની પહેલી હારની નિરાશાને લીધે નથી બહાર આવી રહ્યો. આ ગુસ્સો એક બીજી બાબતે પણ છે. સુનીલ ગાવસ્કરથી માંડીને મુહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેન્દુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અને વિરેન્દર સહેવાગ સુધીના ક્રિકેટરોને ટેસ્ટ ક્રિકેટ રમતાં જોયાં છે અને એ આવીજ સ્પિનિંગ વિકેટો પર. પરંતુ આ અગાઉ ભારતીય બેટરોને ક્યારેય વિદેશી સ્પિનરો સામે આટલાં મજબુર ક્યારેય નથી જોયાં.
સહેવાગ અને નવજોતસિંહ સિદ્ધુ જેવા બેટ્સમેનો શરૂઆતથી જ પોતાનાં પગનો ઉપયોગ કરીને સ્પિનરોની એવી ધોલાઈ કરતાં કે વિદેશી સ્પિનરો સાથે આખી ટીમનું મનોબળ તૂટી પડતું. અરે! ભારતીય પીચો પર પાકિસ્તાની અને શ્રીલંકન સ્પિનરો પણ ભારતીય બેટરોને મોટેભાગે હેરાન નથી કરી શક્યાં. શેન વોર્ન જેવો મહાન લેગસ્પિનર પણ ભારતીય પીચો પર ભારતીય બેટરો સામે ધોવાઈ જઈને પોતાનાં બેય હાથ જોડી ગયો હતો તો નવા ફાલના ઓસ્ટ્રેલિયન સ્પિનરો કેવી રીતે આપણા બેટરોને આ રીતે પોતાનાં ઈશારે નચાવી શકે?
ઇન્દોર ટેસ્ટ જ નહીં પરંતુ કાનપુર અને દિલ્હી ટેસ્ટમાં પણ ભારતનાં ટોપ અને મિડલ ઓર્ડરના બેટરોને ઓસ્ટ્રેલિયન બોલર્સ સામે તકલીફમાં જોઇને ખરેખર એમની દયા નહોતી આવતી પરંતુ તેમનાં પર ગુસ્સો આવતો હતો. આપણે તો આ પ્રકારની જ પીચો પર ઉછર્યા છીએ અને તોય ટોપ ઓર્ડર સાવ ઘૂંટણિયે આવી જાય? આ તો ભલું થાજો અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનનું કે તેમની બેટિંગ થકી આપણે પહેલી બે ટેસ્ટ જીતીને એટલીસ્ટ બોર્ડર ગાવસ્કર ટ્રોફી તો જાળવી રાખી? નહીં તો આજે ઇન્દોર ટેસ્ટ હારવા સાથે ક્યાંક સિરીઝ પણ હાથમાંથી જતી રહી હોત.
ટેસ્ટ મેચમાં પણ સ્કોર બોર્ડ ફરતું રાખવું જરૂરી છે. સચિન કે લક્ષ્મણ જેવાં બેટરો ભલે આવી વિકેટો પર શરૂઆતમાં સંભાળીને રમતાં પણ એક વખત બોલનો બાઉન્સ અને પેસ ખબર પડી જાય પછી ઠંડા કલેજે વિદેશી સ્પિનરોની કતલ કરતાં. આજનાં બેટરો જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવાં ધુરંધરો સામેલ છે એ નાથન લાયન તો સમજી શકાય છે પરંતુ નવાસવા ઓસી બોલરો સામે ગભરાઈને બેટિંગ કરતાં હોય અને એ પણ સતત એવું લાગી રહ્યું હતું.
ટીમ ઇન્ડિયાની રણનીતિ આક્રમકને બદલે સુરક્ષાત્મક વધુ લાગે છે. શું આ રાહુલ દ્રવિડ જેવા કાયમ સંરક્ષણાત્મક ક્રિકેટ રમતાં ક્રિકેટરનાં કોચિંગની અસર છે? જો એવું હોય તો શું રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓ આ અસર તળે આવીને દ્રવિડને કશું કહીં પણ નહીં શકતાં હોય? કે પછી એનો પડ્યો બોલ ઝીલે છે? લાયન સિવાયના સ્પિનરો જે આ વિકેટો પર બિનઅનુભવી હતાં એમનાં પર આક્રમણ કરવામાં શું વાંધો હતો એ હજી સુધી નથી સમજાયું.
ગમે તે હોય પરંતુ હવે અમદાવાદ ટેસ્ટ જે આ સિરીઝનું પરિણામ નક્કી કરશે એ મેચમાં ધૂળી વિકેટ નહીં પરંતુ ધીમેધીમે તૂટે એવી પીચ BCCI બનાવે એ વધુ યોગ્ય રહેશે. અને આવી વિકેટ પર ટીમ ઇન્ડિયાએ ચેતેશ્વર પુજારાની આસપાસ આક્રમક બેટિંગ કરીને મેચ જીતવી જ પડશે. જો અમદાવાદ ટેસ્ટમાં ડ્રો રમીને સિરીઝ જીતી જઈશું એવી માનસિકતા રાખીશું તો ચોક્કસ હારવાનો વખત આવશે, લીખ લો!