ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર ગવઈ સોમવારે (6 ઑક્ટોબર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર કોઈ માથાફરેલ, અસામાજિક તત્ત્વ પ્રકારનો માણસ હશે એવું તમને લાગતું હોય તો તમારે સૌથી પહેલાં બે કામ કરવાં જોઈએ. પહેલું, એ જાણી લેવું જોઈએ કે આ સાહસ કે દુસ્સાહસ જે ગણો એ કરનાર એક વકીલ હતા. જેમની ઉંમર 71 વર્ષ છે. પોતે કાયદાના જાણકાર છે. બીજું, તેમણે ન્યુઝ એજન્સી એ.એન.આઈ સાથે કરેલી વાતચીત સાંભળી લેવી જોઈએ.
સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં વકીલ રાકેશ કિશોર કહે છે કે તેઓ મુખ્ય ન્યાયાધીશની એક ટિપ્પણીથી નારાજ હતા, જેમાં તેમણે ભગવાન વિષ્ણુની મૂર્તિ પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશની માંગ કરતી અરજી લઈને આવેલી વ્યક્તિને કહ્યું હતું કે તમે તો ભગવાનના ભક્ત છો, ભગવાનને જઈને કહો કે આમાં કશુંક કરે. વકીલ કહે છે કે સી. જે. આઈ એ વ્યક્તિને સીધી રીતે ના પાડી શક્યા હોત, પરંતુ આ રીતે આસ્થાનું અપમાન કરવાનો તેમને કોઈ અધિકાર નથી.
#WATCH | Delhi: Suspended Advocate Rakesh Kishore, who attempted to hurl an object at CJI BR Gavai, says, "…I was hurt…I was not inebriated, this was my reaction to his action…I am not fearful. I don't regret what happened."
— ANI (@ANI) October 7, 2025
"A PIL was filed in the Court of CJI on 16th… pic.twitter.com/6h4S47NxMd
તેઓ કોર્ટ, ન્યાયાધીશો ધર્મોની બાબતો સાથે ડીલ કરતી વખતે કેવાં બેવડાં ધોરણો દાખવે છે એ બાબત પર પણ ભાર મૂક્યો. તેઓ ઉદાહરણો આપીને કહે છે કે અન્ય પંથ-મજહબોની વાતો કોર્ટમાં જાય છે ત્યારનું ન્યાયાધીશોનું વલણ અલગ હોય છે અને સનાતન સંબંધિત બાબતોમાં બદલાય જાય છે. અહીં તેઓ નુપુર શર્મા કેસનું ઉદાહરણ આપે છે, જેમાં માનનીય ન્યાયાધીશોએ દેશભરમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ મચાવેલા ઉત્પાત માટે નૂપુરને જવાબદાર ગણ્યાં હતાં.
વકીલ રાકેશ કિશોર કહે છે કે તેમણે જે કૃત્ય કર્યું એ પૂરેપૂરી સભાનતાથી કર્યું હતું, તેનો ન તેમને કોઈ ખેદ છે કે ન ડર. જે કાર્યવાહી થવાની હોય એ થાય, પણ પ્રશ્ન એ છે કે આમ કરવા માટે વિવશ કેમ થવું પડ્યું.
કોઈ માથાફરેલ, નશાબાજે આ કૃત્ય કર્યું હોત તો આ બધી ચર્ચાને કોઈ અવકાશ ન હતો, પણ આ કૃત્ય કરનારની પૃષ્ઠભૂમિ, પક્ષ જાણ્યા પછી આ બનાવને માત્ર એક અલાયદી ઘટના તરીકે જોવા કરતાં બૃહદ દૃષ્ટિકોણથી જોવો જરૂરી છે. અમુક પ્રશ્નો પૂછવા જરૂરી છે.
રાકેશ કિશોરે એક વકીલ તરીકે, ભારતના એક નાગરિક તરીકે મર્યાદા પાર કરી એવું તમે કહી શકો. ભારતના મુખ્ય ન્યાયાધીશ પર તેઓ સુનાવણી કરી રહ્યા હોય ત્યારે જૂતું ફેંકવું જ નહીં ફેંકવાનો પ્રયાસ કરવો એ પણ મર્યાદા ઓળંગવી જ કહેવાય. એ કબૂલ, પણ શું મર્યાદા માત્ર એક જ પક્ષ ચૂક્યો છે?
ન્યાય કરવા બેઠેલા આદરણીય ન્યાયાધીશે જ્યારે કરોડો લોકોના આરાધ્ય પર ટિપ્પણી કરી હતી એ શું મર્યાદાનું ઉલ્લંઘન ન હતું?
અહીં ફરી એ જ પ્રશ્ન આવીને ઊભો રહે છે કે શું મુખ્ય ન્યાયાધીશ પાસે એ સત્તા હતી કે તેઓ પોતાની ફરજ, કર્તવ્યમાંથી આગળ જઈને એમ કહે કે જઈને તમારા ભગવાનને કહો કે કશુંક કરે? શું મુખ્ય ન્યાયાધીશને કે સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ કે જિલ્લા કોર્ટના કોઈ ન્યાયાધીશને આસ્થાનું અપમાન કરવાનું લાઈસન્સ મળ્યું છે? હકીકતે એક સર્કલમાં રહીને જીવન કાઢી નાખતા આ જજોને સમાજ વિશે, તેની આસ્થા વિશે, સંસ્કૃતિ વિશે બહુ બધી ખબર રહેતી નથી. એટલે એ. સી કોર્ટમાં બેસીને આવી ચેષ્ટાઓ કરી શકે છે. જોકે તેમને એ ખબર છે કે ક્યાં આવી સલાહ અપાય અને ક્યાં નહીં. એટલે જ તેઓ અન્ય પંથ-મજહબો સાથે આવી અવળચંડાઈ કરતા નથી.
વકીલનું કૃત્ય સી. જે. આઈ ગવઈની ટિપ્પણીઓની પ્રતિક્રિયા હતી. ગઈકાલની ઘટના પર હાયતોબા કરનારાઓ ક્યારેય ક્રિયા પર વાત કરતા નથી અને પ્રતિક્રિયાને આગળ કરીને એજન્ડા ચલાવવા મથતા રહે છે. પ્રશ્ન એ પણ થવો જોઈએ કે આખરે એક સમજદાર નાગરિકે, એક ભણેલા-ગણેલા વકીલે છેક આ કક્ષા સુધી કેમ જવું પડ્યું?
હકીકત એ છે કે મર્યાદા મુખ્ય ન્યાયાધીશ પણ ચૂક્યા હતા. જો તેમને લાગતું હતું કે આ કેસમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી કે તેમાં ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ વધુ કાર્યક્ષમ સંસ્થા છે તો માત્ર એટલું કહીને વાત પર પૂર્ણવિરામ મૂકી શક્યા હોત. પણ તેમણે કરોડો લોકોની આસ્થા પર પ્રહાર કરવાનું પસંદ કર્યું. ત્યારપછી ભરપૂર ટીકા થઈ તો એ વાતની નોંધ લીધી પણ તેમ છતાં માફી ન માગી. ઉપરથી કહ્યું કે સોશિયલ મીડિયા પર તો આવું બધું ચાલતું રહે છે. આ અહંકાર દર્શાવે છે. અહંકાર માત્ર એક જજનો, ન્યાયાધીશનો કે કોર્ટનો નહીં, સંપૂર્ણ જ્યુડિશિયલ ઇકોસિસ્ટમનો અહમ દર્શાવે છે.
જજોએ સમજવું પડશે કે એ દિવસો ગયા જ્યારે ન્યાયતંત્ર અમુક વિશેષ અધિકારો ભોગવતું હતું. સન્માન જળવાય એવી આશા હોય તો આચરણ પણ એવું હોવું જોઈએ. ન્યાય તોળવા બેઠેલા માણસનું કામ ન્યાય તોળવાનું છે, જ્ઞાન આપવાનું નહીં. જ્ઞાન આપો તોપણ તેમાં નિશ્ચિત મર્યાદા હોવી જોઈએ. ભારતની પ્રજા કોર્ટમાં ન્યાય મેળવવા માટે આવે છે, તેમના આરાધ્યોનું અપમાન કરાવવા માટે નહીં. બધી સમસ્યાનાં સમાધાનો આરાધ્યો પાસે જ કરાવવાનાં હોય તો આપણે કોર્ટ શું કામ ખોલી બેઠા છીએ? સામાન્ય માણસને ન્યાયાલયો પર આદર-સન્માન છે, પણ એ જળવાયેલાં રહે તે માટે અમુક પ્રયાસો પેલા પક્ષેથી પણ હવે થવા જરૂરી છે. ક્યાં સુધી આ ભાર એકલો સામાન્ય નાગરિક ઉંચકતો રહેશે?
ભારતના ન્યાયતંત્રની બીજી એક સમસ્યા એ છે કે તે સમય સાથે પરિવર્તન કરવાનું ઘણી વખત ભૂલી જાય છે. સરકારો 1947માં જેવી ચાલતી હતી તેનાથી આજનામાં અનેકગણું પરિવર્તન આવ્યું છે. બીજી સિસ્ટમો બદલાઈ ગઈ છે. ન્યાયતંત્ર ઘણુંખરું બદલાયું નથી. એ વાતની સાબિતી એ છે કે હજુ કોર્ટોમાં ‘માય લૉર્ડ’ ચાલે છે. હજુ અમુક પ્રથાઓ બદલાઈ નથી. પાણી વહેતું હોય ત્યારે શુદ્ધ રહે છે, સંગ્રહાય ત્યારે અશુદ્ધિ આવવાની ચાલુ થાય. ન્યાયતંત્ર હવે સમાજ વિશેની, ધર્મ વિશેની અમુક ધારણો બદલે એ જરૂરી છે. ન બદલે તો વાંધો નહીં, પોતાના પર્સનલ બાયસને કામમાં ન લાવે એટલું તો ખાસ જરૂરી છે.
એટલે આ ઘટનામાં જજ સાહેબે જે-તે વકીલને સજા કરવી હોય તો બેશક કરે. (જોકે તેઓ નહીં કરે અને કરવાના પણ નથી, તેનું કારણ પણ એ છે કે આવો એક કેસ જો કોર્ટમાં ગયો તો વાત બહુ દૂર સુધી પહોંચશે અને આદરણીય ન્યાયાધીશોને આવાં તમામ બયાનો યાદ કરાવવામાં આવશે.) પણ સાથે આ ઘટના પર થોડું ચિંતન પણ કરે. એ જ સૌના, ન્યાયતંત્રના હિતમાં છે.


