Saturday, July 12, 2025
More
    હોમપેજમંતવ્યકૂલ બનતા કૉમેડિયનો, ખીખિયાટા કરતું ઑડિયન્સ: મર્યાદાની રેખા કોણ ખેંચશે? 

    કૂલ બનતા કૉમેડિયનો, ખીખિયાટા કરતું ઑડિયન્સ: મર્યાદાની રેખા કોણ ખેંચશે? 

    કૉમેડિયનોએ ક્યારેય આ મર્યાદાની રેખા ખેંચી નથી એટલે હવે આ કામ સમાજે ઉપાડવું પડી રહ્યું છે. 

    - Advertisement -

    નવી પેઢીના કિશોરોના પ્રિય ‘કૉમેડિયન’ સમય રૈનાના શૉ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં પોડકાસ્ટર અને ઇન્ટરનેટ પર્સનાલિટી રણવીર અલાહાબાદિયાએ કરેલી વાહિયાત ટિપ્પણીઓ પર લોકોમાં જે આક્રોશ છે અને સોશિયલ મીડિયા પર છેલ્લા બે-ત્રણ દિવસથી જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, એ દર્શાવે છે કે કારણ વગર હોંશિયાર બનવા જતા કૉમેડિયનોએ સ્ટેન્ડ અપ કૉમેડીના નામે ફેલાવેલા ગંદવાડ અને સસ્તી પ્રસિદ્ધિ પામવાની લ્હાયમાં મર્યાદા ઓળંગી જતા તથાકથિત ઈન્ફ્લુએન્સરોથી ગામ આખું ત્રસ્ત હતું, પણ કોઈ લાકડી ઉગામવાની તસ્દી લેવા તૈયાર ન હતું. હવે આ કામ થયું છે અને એક નહીં પણ અનેક કારણોસર એ જરૂરી છે. 

    ‘સ્ટેન્ડ અપ કૉમેડી’નો ‘ક’ કોઈ જાણતું ન હતું ત્યારથી શુદ્ધ હાસ્ય સર્જીને કળાના આ પ્રકારને જીવતો રાખવામાં જેમનું બહુમૂલ્ય યોગદાન છે એવા હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ કાયમ મોહનદાસ ગાંધીને ટાંકીને કહે છે કે, “ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બંને નકામાં છે.” હાસ્ય સર્જવું એ જવાબદારીપૂર્વકનો ધંધો છે. પાંચ-પચ્ચીસ માણસ સામે સ્ટેજ પર ચડીને બોલવું એ જ મોટી બાબત છે. એનાથી મોટી વાત છે સ્ટેજ પર ચડીને સામે બેઠલા માણસોને હસાવવા. 

    હાસ્ય સર્જવું એ કોઈ પણ માણસ કરી શકે એવી પ્રવૃત્તિ નથી. જેમ આબેહૂબ ચિત્ર દોરી શકે તેવી કળા બધા પાસે નથી હોતી. કોઈ કળામાં પારંગત થવા માટે, તેમાં નિપુણતા કેળવવા માટે તમારે તેને સમય આપવો પડે છે, મગજ ઘસવું પડે છે, કલાત્મકતા બહાર લાવવી પડે છે અને બધા એવું કરી શકતા નથી. જેઓ કરી શકે તેઓ આગળ નીકળી જાય છે. પણ હવે નવી પેઢીમાં એવું છે કે દર પાંચમા માણસને કૉમેડિયન બનીને પૈસા કમાવા છે. રાતોરાત ફેમસ થઈ જવું છે. યુ-ટ્યુબ પર વિડીયો મૂકીને લાખો રૂપિયા રળવા છે. આમાંના અમુક ઉછાછળા જુવાનોએ આ પ્રકારને અતિશય ગટર કક્ષાનો અને વાહિયાત બનાવી દીધો છે. 

    - Advertisement -

    તેઓ ક્રિએટીવ બનીને કૉમેડી કરી શકતા નથી. બીજી તરફ હાસ્ય સર્જનારા માણસ પર ભયંકર દબાણ હોય છે. પોતાનો શૉ હિટ જાય, ટિકિટો હજારો-લાખોમાં વેચાય, ઈન્ટરનેટ પર વાહવાહી થાય, રાતોરાત ફેમસ બની જવાય એની લ્હાયમાં આ કૉમેડિયનો ઘણી વખત મર્યાદા પાર કરી જાય છે. જેમની પાસે હાસ્ય સર્જવા માટે ક્રિએટિવિટીનો અભાવ હોય, ઑડિયન્સને આપવા માટે પોતાનું કશું ન હોય તેમણે પછી પોતાની દુકાન ચલાવવા માટે ગાળોનો અને અશ્લીલતાનો સહારો લેવો પડે છે. વિવાદાસ્પદ વાતો કહેવી પડે છે જેથી નેગેટિવ તો નેગેટિવ પણ પબ્લિસિટી મળી રહે અને પોતાની દુકાન ચાલતી રહે. 

    એ વાત સાચી કે ગાળો એ સમાજનું અંગ બની ગઈ છે. ગાળો બોલાય છે અને ભરપૂર બોલાય છે. સ્ટેન્ડ અપ કૉમેડી કે ઇવન ફિલ્મો-સિરિઝોમાં તેના ઉપયોગ સામે પણ કોઈને વાંધો ન હોય. પણ ગાળો પછી કેન્દ્રસ્થાને આવી જાય અને બાકીની બધી બાબતો ગૌણ બની જાય ત્યાં વાંધો આવે છે. તેનો અર્થ એ થાય કે પેલા માણસ પાસે ગાળોનો સહારો લેવા સિવાય હાસ્ય પીરસવા સિવાય બીજું કશું જ નથી. 

    આમ તો મર્યાદા કોણ નક્કી કરશે એ પણ એક વિષય છે. એ વાત સાચી કે આ પ્રકાર જ એવો છે એટલે પૂરેપૂરી સભ્યતાની આશા રાખી શકાય નહીં, પણ જાહેર માધ્યમ પર અને સમૂહમાં થતી દરેકેદરેક પ્રવૃત્તિ માટે મર્યાદાની એક રેખા હોય છે. આ કૉમેડિયનોએ ક્યારેય આ મર્યાદાની રેખા ખેંચી નથી એટલે હવે આ કામ સમાજે ઉપાડવું પડી રહ્યું છે. 

    મુનવ્વર ફારૂકી નામના એકાદ કૉમેડિયને ગોધરા હિંદુ હત્યાકાંડ પર અતિશય વાહિયાત ટિપ્પણીઓ કરી હતી. શું એ ચલાવી શકાય? બિલકુલ ન ચલાવી શકાય. કારણ કે તેમાં માર્યા ગયેલા 59 હિંદુઓ પ્રત્યેનો દ્વેષ છલકતો હતો. એ ગુનો પણ બને છે. કૉમેડીની આડમાં આ પ્રકારે હિંદુદ્વેષ છલકાવવાની પ્રવૃત્તિઓ ચલાવી શકાય નહીં. હિંદુ દેવી-દેવતાઓ પર વાહિયાત ટિપ્પણી કરી હોય તેવા અનેક કૉમેડિયનો તમને મળશે. વિદેશ જઈને ભારતને બદનામ કરનારાઓ પણ મળશે. માત્ર સામે બેઠેલા માણસોને હસાવવા માટે બાપને બદનામ કરતી અને અતિશય વાહિયાત જોક કહેતી કથિત ફેમિનિસ્ટ કૉમેડિયનો પણ આપણી વચ્ચે જ છે. કૉમેડીના નામે પોલિટિકલ પ્રોપગેન્ડા ચલાવનારા જોકરોની સંખ્યા પણ ઠીકઠાક છે. 

    કળાના નામે આવું વાહિયાત કોન્ટેન્ટ ચલાવી શકાય નહીં. દરેક બાબતની એક મર્યાદા હોય છે. કોઈ ધર્મને, કોઈ સમુદાયને વચ્ચે લાવ્યા વગર કૉમેડી કરી શકાય તો કરો નહીંતર કાર્યવાહીની તૈયારી રાખો એવું સ્પષ્ટ આ કૉમેડિયનોને કહેવું જોઈએ. એવું જ અશ્લીલતા અને ગાળોની બાબતમાં છે. જેઓ કહે છે કે, ‘તમને પસંદ ન હોય તો નહીં જોવાનું’ તેઓ જો આવું કોન્ટેન્ટ બીજા પંથો કે મઝહબો પર બનવા માંડે તો કાલે ઊઠીને રસ્તા પર ઉતરીને ‘સર તન સે જુદા’ના નારા લગાવનારાઓની ટોળકીમાં પ્રથમ હરોળમાં ઉભેલા જોવા મળશે. ત્યાં જોવા નહીં મળે તો ઈન્ટરનેટ પર તેમને ડિફેન્ડ કરતા દેખાશે. 

    સસ્તી પ્રસિદ્ધિની લ્હાયમાં આખી એક ટોળકી મર્યાદા ભૂલી ગઈ છે. તેમને સ્વયં તે ન સમજાતું હોય તો આખરે સમાજે જ લાકડી ઉગામવી પડે છે. જે અત્યારે થઈ રહ્યું છે. 

    રણવીરના કેસમાં ટિપ્પણીઓ અતિશય નીચલા સ્તરની હતી એ અમુક અણસમજુ કિશોરો અને છૂટાછવાયા અપવાદો સિવાય બાકીના તમામ એકસૂરે સ્વીકારી રહ્યા છે. આ એક એવો મુદ્દો છે કે જેમાં દક્ષિણપંથ, વામપંથ, ભાજપ-કોંગ્રેસ બધા એક મંચ ઉપર છે. આ દર્શાવે છે કે આ દૂષણથી ગામ ત્રાસેલું તો હતું જ, પણ કોઈ બોલતું ન હતું. સમય અને સંજોગો આવ્યા તો અવાજ ઉઠવાના શરૂ થયા. 

    મુંબઈ અને આસામમાં પોલીસ કાર્યવાહી થઈ છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તો સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની વાત કહી છે. જોકે આ બેન પર મને અંગત રીતે વિશ્વાસ રહ્યો નથી. પોલીસ કાર્યવાહી કરવી જોઈએ કે નહીં તે બાબતે પણ ઘણા મતભેદો છે, તેની ઉપર ચર્ચા થવી જોઈએ. પણ મૂળ વાત એ છે કે આ કૉમેડિયનો અને તેમની જમાતને આ એપિસોડ પરથી એટલી ખબર પડવી જોઈએ કે દરેક બાબત એક મર્યાદામાં રહીને કરવાની હોય છે. એટલું તેઓ શીખી લે તો ઘણું, બાકી આવું જ ચાલ્યું તો ભવિષ્યમાં આ બધાની દુકાનોનાં શટર પડતાં સમય નહીં લાગે. તેવું થાય તો આપણો પૂરેપૂરો ટેકો. આ જોકરો ધંધો બંધ કરી દે તો દુનિયામાં કશું ખાટુંમોળું થઈ જવાનું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં